• Home
  • News
  • કઠિન પરિસ્થિતિમાં હીરાની જેમ ચમક્યાં:બેગ બનાવનારના પુત્રને 99.43 PR, દુકાનદારની પુત્રીને 99.35 PR, પરીક્ષા પહેલાં 78 દી' વેન્ટિલેટર પર રહેલી યશ્વીને મળી સફળતા
post

પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, મારા 12 સાયન્સના આજના પરિણામમાં 88% આવ્યા છે. માતા-પિતા અને શાળાના શિક્ષકોના સહકારથી હું આટલા ટકા લાવી શકી,

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:18:41

અમદાવાદ: ધો. 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે તેમના ઘરની પરિસ્થિતિ કઠિન હોવા છતાં હીરાની જેમ ચમકે તેવું પરિણામ લાવ્યા છે. વડોદરાની યશ્વી પટેલ પરીક્ષા પહેલાં 78 દિવસ વેન્ટિલેટર પર હતી. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી છે. બીજી તરફ રાજકોટમાં કુંજ સવાણીના પિતા બેગ બનાવવાનું કામ કરે છે. તેણે 99.43 PR મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિવાય રાજકોટની જ મીરા વિરાણીને 99.35 પીઆર મેળવ્યા છે, પરંતુ અગત્યની વાત એ છે કે, તેના પિતા એક દુકાનદાર છે.

પિતા ખાનગી કંપનીમાં સર્વિસ કરે છે
રાજકોટની વિદ્યાર્થિની કોમલ મનીષભાઇ ગાંગાણીએ જણાવ્યું હતું કે, મારા પિતા ખાનગી કંપનીમાં સર્વિસ કરે છે. આજે જે પરિણામ આવ્યું તેનાથી હું ખૂબ ખુશ છું. ગુજકેટનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી માટે થોડી નર્વસનેસ જરૂર હતી. પરંતુ પરિવારનો સપોર્ટ, શાળાની મહેનત અને યોગ્ય માર્ગદર્શન થકી આ પરિણામ મેળવ્યું છે. કુલ 99.13 PR આવ્યા છે, જેનાથી સંતોષ છે. પરંતુ ફિઝિક્સ વિષયમાં ધાર્યા કરતાં થોડા ઓછા માર્ક આવ્યા છે. ઓવરઓલ જે પરિણામ આવ્યું તેનાથી ખુશ છું. આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવું છું.

ગણિતમાં 100માંથી 100 માર્ક આવ્યા
રાજકોટના વિદ્યાર્થી કુંજ શૈલેષભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મારા પિતા બેગ બનાવવાનું કામ કરે છે. આજે જે પરિણામ આવ્યું તેનાથી ખૂબ ખુશ છું. મારા દાદી મને રોજ સવારે વહેલા ઉઠાડતાં હતાં. રાત્રે વહેલો સૂઇ જતો હતો. વહેલી સવારે શાંત વાતાવરણ હોય તો વાંચન કરવાની મજા આવે છે. મારું પરિણામ 99.43 PR અને ગણિતમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. જ્યારે ગુજકેટમાં 98.39 ટકા આવ્યા છે. પરિણામથી ખુશ છું, પરંતુ ફિઝિક્સમાં ધાર્યા કરતાં ઓછા માર્ક આવ્યા છે, ઓવરઓલ પરિણામથી ખુશ છું.

સાડીની દુકાન ધરાવનારની પુત્રીને બનવું છે ડોક્ટર
વિદ્યાર્થિની મીરા ગીરીશભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, મારા પિતા સાડીની દુકાન ધરાવે છે. મારું આજે પરિણામ આવ્યું તેનાથી હું ખૂબ ખુશ છું. મારે આજે 99.35 PR આવ્યા છે. દરરોજ 10 કલાક અભ્યાસ કરતી હતી. રોજનું રોજ રિવિઝન કરતી હતી. ગુજકેટનું પરિણામ પણ સારું આવ્યું છે. ગુજકેટમાં 99.43% આવ્યા છે. ફિઝિક્સમાં 100માંથી 88, કેમેસ્ટ્રીમાં 100માંથી 90 અને બાયોલોજીમાં 100માંથી 94 માર્ક આવ્યા છે. આગળ મારે ડોક્ટર બનવું છે, માટે મહેનત અવિરત ચાલુ જ રાખીશ અને રવિવારના રોજ NEETની પરીક્ષા છે, એમાં પણ આટલા જ સારા માર્ક હું મેળવીને રહીશ.

રત્ન કલાકારની ત્રણ પુત્રીએ A2 ગ્રેડ મેળવ્યો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તપોવન શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓના પિતા વરાછામાં ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરીઓએ આજે 12 સાયન્સના પરિણામમાં 87%થી વધુ ગુણ પ્રાપ્ત કરી A2 ગ્રેડ મેળવ્યો છે. પિતાએ દીકરી માટે કરેલ પરિશ્રમનું પરિણામ લાવી બતાવી નામ રોશન કર્યું છે. મારિયા પ્રિયાંશીના પિતા અશ્વિનભાઈ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે છેલ્લાં ઘણાં વર્ષોથી કામ કરે છે.

માતા ઘરે સિલાઈનું કામ કરે છે
પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, મારા 12 સાયન્સના આજના પરિણામમાં 88% આવ્યા છે. માતા-પિતા અને શાળાના શિક્ષકોના સહકારથી હું આટલા ટકા લાવી શકી, જે પ્રકારે મેં ધાર્યા હતા તે મુજબ લાવી શકી છું. મારા પિતા ડાયમંડ વર્કર છે. માતા ઘરે સિલાઈનું કામ કરે છે. મારાં માતા-પિતાનું અને મારું આગળ ડોક્ટર બનવાનું સપનું છે. મારા પિતાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. રાત-દિવસ મારી માટે કારખાનામાં કામ કરે છે. ઘણીવાર તો મારા ભણતર માટે રાતના 11-12 વાગ્યે કામ કરીને આવતા હતા. મમ્મી પણ ઘરે સિલાઈ મશીન ચલાવીને મારી ફી ભરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. મારા ઘરની પરિસ્થિતિને લઈ શાળા દ્વારા પણ મને ફીમાં ઘણી રાહત આપવામાં આવી હતી.

 

પિતા સ્કૂલ વાનના ડ્રાઈવર, દીકરીએ નામ રોશન કર્યું
અમદાવાદના ન્યુ મણિનગરમાં રાજેશભાઈ જાદવ તેમનાં પત્ની બબીતાબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. રાજેશભાઈ સ્કૂલ વાનના ડ્રાઈવર છે અને તેમનાં પત્ની બબીતાબેન ઘરે છૂટક સિલાઈ કામ કરે છે. સાવ સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં દીકરીને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરાવ્યો હતો. સંઘર્ષ સાથે સ્કૂલ અને ટ્યૂશનની ફી ભરીને દીકરીને ભણાવી હતી. અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. છતાં દીકરીને ભણાવવામાં કોઈ કચાશ રાખી ન હતી.

દીકરીએ 91 PR મેળવ્યા, ડોક્ટર બનવાનું સપનું
રાજેશભાઈની નાની દીકરી પણ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. બંને દીકરી એકસાથે બોર્ડમાં હોવાથી આર્થિક મુશ્કેલી પણ પડી હતી. પરંતુ કોઈને પણ જાણ કર્યા વગર રાજેશભાઈએ પોતાની રીતે બંને દીકરીઓને સારી રીતે ભણાવી હતી .જેમાંથી મોટી દીકરી હિતેશાનું આજે પરિણામ આવ્યું છે. હિતેશાએ 12 સાયન્સમાં 91 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હિતેશા હવે ડોક્ટર બનવા ઈચ્છે છે ત્યારે રાજેશભાઈએ પણ દીકરીને ડોક્ટર બનાવવા માટેની પૂરી તૈયારી દર્શાવી છે.

વડોદરાની યશ્વીએ 19 માસ બીમારીનો સામનો કર્યો
વડોદરાના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી ઇ-7, વિજય નગર સોસાયટીમાં યશ્વી તેનાં માતા-પિતા જયશ્રીબહેન અને શૈલેષભાઇ પટેલ સાથે રહે છે. યશ્વી તેનાં માતા-પિતાની એકની એક દીકરી છે. ટી.વી. રિપેરિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શૈલેષભાઇ પટેલ અને ઘરકામ કરતાં માતા જયશ્રીબહેન પટેલ દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઇચ્છે છે.

એકાએક યશ્વીનાં ફેફસાં, અંગોએ કામ કરવાનું બંધ કર્યું
ઓક્ટોબર-2021 પહેલાં માતા-પિતા યશ્વીને ઉચ્ચ શિક્ષણ અપાવવાથી લઈને અનેક સોનેરી સપનાં જોઇ રહ્યાં હતાં. પરંતુ, 10 ઓક્ટોબર 2021નો દિવસ યશ્વી માટે અને માતા-પિતા માટે આઘાતજનક પુરવાર થયો હતો. યશ્વી 2022માં ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરવા સવારના સમયે તેના નિત્યક્રમ મુજબ ખુરશીમાં બેસીને વાંચી રહી હતી. તે સમયે એકાએક તેનાં ફેફસાં સહિતનાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે ખુરશીમાં જ ઢળી પડી હતી.

યશ્વીને જોઈ માતા જયશ્રીબેન ચોંકી ઊઠ્યાં
યશ્વીને જોઈ માતા જયશ્રીબેન ચોંકી ઊઠ્યાં હતાં. તુરંત જ તેઓએ નોકરી-ધંધાર્થે ગયેલા પતિને દીકરીની બગડેલી તબિયત અંગે જાણ કરી હતી. પતિ તમામ કામ પડતાં મૂકીને ઘરે દોડી આવ્યા હતા અને યશ્વીને સારવાર માટે લઈ ગયા હતા. એક પછી એક તબીબો અને હોસ્પિટલોમાં યશ્વીને આવી પડેલી બીમારીનો ઇલાજ કરાવવા માટે દોડધામ કરી મૂકી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવાર માટે એકની એક દીકરીની સારવાર કરાવવી પણ મુશ્કેલ હતી. છતાં, પરિવારજનોની મદદથી સારવાર કરાવવાનું ચાલુ રાખ્યું હતું.

યશ્વી 78 દિવસ વેન્ટિલેટર પર રહી
2022
માં પરીક્ષાના પાંચ માસ પહેલાં જ જીવલેણ બીમારીનો ભોગ બનેલી યશ્વી ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપી શકી ન હતી. બીજી બાજુ માતા-પિતા યશ્વીને જીવલેણ બીમારીમાંથી મુક્તિ અપાવવા માટે પ્રયાસો કરી રહ્યાં હતાં. અમદાવાદની હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા બાદ યશ્વીની તબિયતમાં સુધારો થયો. તેના હાથ કામ કરવા લાગ્યા. થોડું લખી શકે તેવો તેને વિશ્વાસ આવ્યો અને તેણે 2023માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી. આજે પરિણામ જાહેર થતાં તેને 50 ટકા મેળવ્યા છે. યશ્વીને 70 ટકાની અપેક્ષા હતી. પરંતુ, જે ટકા આવ્યા તેનાથી ખુશ છે.

adv

Related News

post
post
post
post
post
post
post