• Home
  • News
  • નિર્દયી મા-બાપની કાળજુ કંપાવનારી ઘટના:બાઇક સ્લીપ થતાં પતિ-પત્નીને ઇજા પહોંચી, પણ દોઢ વર્ષની રુહીને ઊની આંચ પણ ન આવી, માવતરે અપશુકનિયાળ માની તેની હત્યા કરી ફેંકી દીધી
post

અગાઉ પણ માતાના ભૂવા પાસે મનસુખ જતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 16:59:30

સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. એમાં પ‍ાંચ દીકરીના નિષ્ઠુર પિતાએ જ પોતાની દોઢ વર્ષની માસૂમ બાળકીને અપશુકનિયાળ માની ગળું દબાવી ઘાતકી હત્યા કરી નાખી હતી તેમજ નિર્દયી માતાએ આ માસૂમ દીકરીને નાળામાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યારાં માતા-પિતાની અટકાયત કરી છે. ચોટીલા પાસે બાઇક પર માસૂમ બાળકીને લઇને જતી વખતે બાઇક સ્લીપ થઈ હતી, જેમાં માતા-પિતાને ઇજા પહોંચી હતી, જોકે માતાના ખોળામાં બેઠેલી માસૂમને ઊની આંચ પણ ન આવતાં ગુસ્સે ભરાયેલા નિર્દયી પિતાએ પોતાની દીકરીને અપશુકનિયાળ માની તેનું રસ્તા વચ્ચે ગળું દબાવી દીધું હતું.

પોલીસની પૂછપરછમાં નિર્દયી માતા-પિતાએ ગુનાની કબૂલાત કરી
સુરેન્દ્રનગર જિલ્લામા સાયલા-ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલાં દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં માસૂમ બાળકીનાં માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની શંકાના આધારે આગવી ઢબે સઘન પૂછપરછ હાથ ધરી હતી. એમાં બાળકીનાં માતા-પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે જ પોતાની દોઢ વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવી હત્યા નાખી હતી.

પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રીને પિતા અપશુકનિયાળ માનતો હતો
આ ઘટનામાં હત્યારા પિતા મનસુખ વજાભાઇ જોગરાજિયાએ પોલીસ સમક્ષ હત્યાની સમગ્ર ઘટનાની વિગત આપતાં કહ્યું હતું કે તેમની કુલ પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રી રુહીને તે અપશુકનિયાળ માનતો હતો. એમાં 27મી એપ્રિલે તે પોતાની પત્ની પ્રકાશ મનસુખ જોગરાજિયા અને સૌની નાની દીકરી રુહીને લઇને બાઇક ઉપર ખળગુંદા ગામે શિકોતર માતાના ભૂવા પાસે દાણા જોવડાવવા જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ચોટીલાના મઘરીખડા નજીક બાઇક સ્લીપ થયું હતું, જેથી કાંટાની વાડમાં પટકાતાં માતા-પિતાને ઇજાઓ પહોંચી હતી, જ્યારે માતાના ખોળામાં બેઠેલી દોઢ વર્ષની માસૂમ રુહીને ઊની આંચ પણ આવી નહોંતી.

સાયલા પોલીસે બાળકીનાં માતા-પિતાની અટકાયત કરી
આ ઘટનાને પગલે આવેશમાં આવેલા પિતા મનસુખે દોઢ વર્ષની રુહીને જ અપશુકનિયાળ માની ગુસ્સામાં તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ સાયલા-ચોટીલા હાઇવે પર શાપર નજીક પતિના કહેવાથી પત્ની પ્રકાશે આ મૃત બાળકીને નાળામાં ફેંકી દીધી હતી. ત્યાંથી જાણે ક‍ાંઇ ના બન્યું હોય એમ તેઓ નીકળી ગયાં હતાં. પોલીસે શંકાના આધારે માતા-પિતાની આગવી ઢબે આકરી પૂછપરછ કરતાં બંનેએ જ માસૂમ દીકરીની હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી હોવાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

માવતર જ દોઢ વર્ષની બાળકી માટે કમાવતર સાબિત થયા
કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય, પણ માવતર ક્યારેય કમાવતર ન થાય, પણ આ ઘટનામાં તો માવતર જ દોઢ વર્ષની બાળકી માટે કમાવતર સાબિત થયા છે. દીકરીને સમાજમાં લક્ષ્મીરૂપ માનવામાં આવે છે તેમજ સરકાર દ્વારા પણ બેટી બચાવો, બેટી પઢાવો સૂત્રને લઇને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાઇક સ્લિપ થવાની સામાન્ય બાબતે ખુદ પોતાની ફૂલ સમી દીકરીને અપશુકનિયાળ ગણી પિતાએ જ તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને નિર્દયી જનેતાએ જ તેને નાળામાં પડતર જગ્યાએ મૃત હાલતમાં તરછોડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સભ્ય સમાજ માટે ખરેખર કલંકરૂપ ઘટના છે.

હત્યારા મનસુખને સંતાનમાં પાંચ દીકરી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે રહેતાં હત્યારા પિતા મનસુખ અને તેની પત્ની પ્રકાશને લગ્નજીવન દરમિયાન પાંચ સંતાન હોવાનું તેમજ તમામ દીકરીઓ જ હોવાનું સામે આવ્યું છે. આ પાંચ દીકરીમાં સહુથી નાની રુહીની હત્યામાં પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધાતાં હાલ બાકીની ચાર દીકરી માતા-પિતા વિના નોધારી બની ગઈ છે.

અગાઉ પણ માતાના ભૂવા પાસે મનસુખ જતો હતો
આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આરોપી મનસુખની ભેંસ અગાઉ બીમાર પડતાં કોરડાથી ચોટીલાના નળખંભા ગામે ગયો હતો. અહીં તેને શિકોતર માતાના ભૂવા દ્વારા ભભૂતી આપી ભેંસને ખવડાવવા કહ્યું હતું. એ પ્રમાણે કરતો હતો. દશેક દિવસથી તે બીમાર રહેતાં તેનો પગ કુંડાળામાં પડ્યો હોવાની કથિત વાતને લઇને તે પત્ની પ્રકાશબેન અને દોઢ વર્ષની માસૂમ દીકરી રુહીને લઇને બાઇક પર ખળગુંદા ગામે જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં આ ગોઝારી ઘટના બની હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post