• Home
  • News
  • સિબ્બલે પૂર્વ CJI દીપક મિશ્રા સામે મહાભિયોગ માટે મારો સંપર્ક કર્યો હતોઃ રંજન ગોગોઈ
post

2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 08:49:46

નવી દિલ્હીઃ રાજ્યસભાના સભ્યપદે શપથ લીધા પછી પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, ‘કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ 2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા સુપ્રીમ કોર્ટનું સમર્થન માંગવા મારા ઘરે આવ્યા હતા.ભાજપે ગોગોઈને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા પછી સિબ્બલે આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે ગોગોઈએ કહ્યું હતું કે, હું શપથ લીધા પછી હું રાજ્યસભાનું સભ્યપદ સ્વીકારવાનું કારણ જણાવીશ.

મેં સિબ્બલને ઘરમાં ઘૂસવા દીધા નહીં: ગોગોઈ
એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા ગોગોઈએ કહ્યું કે, વ્યક્તિગત રીતે કપિલ સિબ્બલ પર હું કોઈ જ ટિપ્પણી નથી કરવા માંગતો, પરંતુ એટલું જરૂર કહીશ કે 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટના જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ પછી સિબ્બલ મારા ઘરે આવ્યા હતા. તેમણે તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા મારું સમર્થન માંગ્યું હતું. જોકે, મેં તેમને ઘરમાં ઘૂસવા દીધા ન હતા. ત્યારે હું સિનિયોરિટીની રીતે ત્રીજા નંબરે હતો. ત્યાર પછી ગોગોઈને સવાલ કરાયો કે, સિબ્બલને ઘરમાં આવવા ના દીધા, તો તમને કેવી રીતે ખબર પડી કે, તેઓ મહાભિયોગ મુદ્દે સમર્થન માંગવાના હતા? આ સવાલનો જવાબ આપતા ગોગોઈએ કહ્યું કે, સાંજે જ મને એક ફોન આવ્યો હતો અને મને કહેવાયું હતું કે, સિબ્બલ મહાભિયોગ મુદ્દે તમારી સાથે વાત કરવા આવશે. મેં ફોન કરનારી વ્યક્તિને કહ્યું હતું કે, તેમને મારા ઘરે આવવાની મંજૂરી ના આપતા.

શું મેં પરમાણુ બોમ્બ ફોડ્યો છે?: ગોગોઈ
એક સવાલ મુદ્દે જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે, છેલ્લાં બે-ત્રણ દિવસથી ગજબ થઈ ગયું છે. એવું લાગે છે કે, જાણે મેં પરમાણુ બોમ્બ ફોડ્યો છે અને આખો દેશ છિન્નભિન્ન થઈ ગયો છે. બંધારણની કલમ 80 હેઠળ રાષ્ટ્રપતિને લાગે કે, મને રાજ્યસભાનું સભ્યપદ આપવું જોઈએ અને મને આ સન્માન મળી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે, હું એ સ્વીકારવાનો ઈનકાર નહીં કરું. આ કોઈ મને અપાયેલી ભેટ નથી. 

સિબ્બલે જસ્ટિસ ગોગોઈ સામે સવાલ ઉઠાવ્યા હતા

·         ભાજપ દ્વારા જસ્ટિસ ગોગોઈના રાજ્યસભામાં નોમિનેશન મુદ્દે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યા હતા. સિબ્બલે ટ્વિટ કરી હતી કે, ‘જસ્ટિસ એચ.આર. ખન્ના પોતાની ઈમાનદારી, સરકાર સામે ઊભા રહેવાની અને કાયદાનું શાસન યથાવત્ રાખવા માટે યાદ કરાય છે. જસ્ટિસ ગોગોઈ રાજ્યસભા જવા ખાતર સરકાર સાથે હોવાની તેમજ સરકાર અને પોતાની ઈમાનદારી સાથે સમાધાન કરવા બદલ યાદ રખાશે.

·         2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. ત્યારે સિબ્બલે જજો દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દીપક મિશ્રાના કામકાજ સામે સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે જ સુપ્રીમ કોર્ટના અન્ય જજોને આગળ આવીને ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની અપીલ કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post