• Home
  • News
  • હિમાચલમાં 4 ફુટ સુધી બરફ પડ્યો, શિમલામાં 43 પર્યટક બચાવાયાં; દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ
post

હિમાચલ પ્રદેશમાં બુધવારે 8 જિલ્લાઓમાં 4 ફુટ સુધી બર્ફવર્ષા થઇ, અહીં 588 રસ્તાઓ બંધ કરવા પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 09:05:03

દેહરાદૂનહિમાચલ પ્રદેશમાં બુધવારે બર્ફવર્ષા બાદ 8 જિલ્લાઓમાં 4 ફુટ સુધી બરફ જામી ગયો હતો. તેના કારણે 588 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. રાજ્યમાં 2436 વીજલાઇન પણ પ્રભાવિત થઇ હતી. બીજી તરફ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બુધવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન ઉપર બનેલી સિસ્ટમના કારણે આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વરસાદ થઇ શકે છે. છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પંજાબના અમુક વિસ્તારમાં સાથે કરા પડવાની આશંકા છે.

દિલ્હી-એનસીઆરમાં આગામી 24 કલાકમાં વરસાદ શક્ય
દિલ્હી સિવાય નોએડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં બુધવારે ઝરમર વરસાદ થયો. સફદરજંગ હવામાન કેન્દ્ર પ્રમાણે સવારે 5.30 વાગ્યા સુધી 6 મિલીમીટર, પાલમમાં 5 મિમી વરસાદ નોંધાયો હતો. સવારે 11 વાગ્યે તાપમાન 13 ડિગ્રી હતું. મહત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું હતું. વરસાદના કારણે તાપમાન 4 ડિગ્રી ગગડી શકે છે. રાજધાની ગાઢ ધુમ્મસની ચપેટમાં આવી શકે છે. દિલ્હી-એનસીઆરમાં આગામી 24 કલાક આવું વાતાવરણ રહી શકે છે.

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર સૌથી ઠંડું
મધ્યપ્રદેશના સાગર અને પન્નામાં બુધવારે સવારથી ભારે વરસાદ સાથે કરા પડ્યાં હતા. સાગરના બકસ્વાહા વિસ્તારમાં એક ડઝનથી વધુ ગામડાઓમાં બુધવારની સવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. પન્નામાં મોડી રાતથી અટકી અટકીને વરસાદ થઇ રહ્યો છે. વરસાદ બાદ દિવસના તાપમાનમાં 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ગ્વાલિયર સૌથી ઠંડું રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી પહોંચ્યું હતું. રાજધાની ભોપાલમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તરપ્રદેશમાં વરસાદે વધારી ઠંડી
રાજધાની લખનઉમાં બુધવારે સવારે ઝરમર વરસાદ થયો હતો જેના કારણે તાપમાન નીચે આવી ગયું. વરસાદના કારણે શિક્ષકોની ભરતી પરીક્ષામાં આવેલા ઉમેદવારોને ઘણી પરેશાની ભોગવવી પડી હતી. લખનઉ સિવાય રાયબરેલી, અયોધ્યા, અમેઠી, વારાણસીમાં પણ બુધવારે ઝરમર વરસાદ થયો હતો. હવામાન વિભાગ પ્રમાણે ગુરૂવારે વાતાવરણ ચોખ્ખું થઇ શકે છે. અમુક પહાડી વિસ્તારોમાં બર્ફવર્ષા થઇ રહી છે. ત્યાંથી આવી રહેલા ઉત્તર-પશ્વિમી પવનના લીધે વાતાવરણ સૂકું રહેશે જેના લીધે અઠવાડિયાના અંતમાં લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

રાજસ્થાનમાં તીવ્ર ઠંડી
રાજસ્થાનમાં આકરી ઠંડી યથાવત છે. જયપુરમાં મંગળવારે મોડી રાત્રે ઝરમર વરસાદ થયો જ્યારે સવાઇમાધોપુરમાં બે મિલિમીટર વરસાદ નોંધાયો હતો. ગંગાનગરમાં પણ 0.7 મિમી વરસાદ થયો. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જયપુર જિલ્લામાં શીતલહેરના કારણે બંધ શાળાઓ બુધવારે ખુલી ગઇ હતી. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી રહ્યું જે સામાન્યથી 6 ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગ પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં ઘણા વિસ્તારોમાં ઝાકળ છવાયેલી રહે તેવી શક્યતા છે.

ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં વરસાદ થશે
પાકિસ્તાન પર બનેલા પશ્વિમ વિક્ષોભના કારણે ઉત્તરાખંડમાં પણ આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના છે. ઘણા મેદાની રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ઘણા સ્થાનો પર વરસાદ થઇ શકે છે. તેમજ અમુક સ્થળો પર કરા પડી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post