• Home
  • News
  • ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:વિસાવદરમાં બારે મેઘ ખાંગા, 6 કલાકમાં 9 ઈંચ, રસ્તાઓ-ખેતરો પાણી પાણી, જામનગરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, અમદાવાદમાં ધોધમાર
post

રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:41:45

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યાર સુધીમાં પડવો જોઈએ તેના કરતા 107 ટકા વધુ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઇવે, થલતેજ પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. એને લઈને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી રહેલી છે.

વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાત 229.2 MM વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી જેટલો પડવો જોઈએ તેના કરતાં રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં 5 ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

બારડોલીની મીંઢોળા નદી ગાંડીતૂર બની
બારડોલી તાલુકામાં પસાર થતી મીંઢોળા નદીમાં ભારે પાણીની આવક થતાં નદી ગાંડીતૂર બની છે અને બે કાંઠે વહી રહી છે. જેને લઈને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તેમજ મહુવા તાલુકામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકાર થઈ ગયો હતો. શાળાઓમાં પાણી ભરાઈ જતાં વિધાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું.

જિલ્લામાં ગઈકાલે નોંધાયેલા વરસાદના આંકડા
ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં ઉમરાળા પંથકમાં ધોધમાર સવા ત્રણ ઇંચ, ભાવનગરમાં બે ઇંચ, સિહોર દોઢ ઈંચ તથા ઘોઘા અને ગારિયાધારમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક સુધીમાં વલ્લભીપુરમાં 18 મિમી, ઉમરાળામાં 84 મિમી, ભાવનગરમાં 50 મિમી, ઘોઘામાં 23 મિમી, સિહોરમાં 38 મિમી, ગારિયાધારમાં 22 મિમી, પાલિતાણામાં 14 મિમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે મહુવા, તળાજા તથા જેસર તાલુકો વરસાદથી વંચિત રહ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post