• Home
  • News
  • કોરોના મામલે રાજ્ય સરકાર એલર્ટ:ગુજરાતમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટના 3 કેસની આશંકા, દવા અને કોવિડ કેર સેન્ટરોની તાત્કાલિક વ્યવસ્થા કરી
post

રાજ્યમાં આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે, 20 જેટલા કેસ એક્ટિવ છે, જેમાં 20 દર્દી સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 17:50:19

ગાંધીનગર: ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? એ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં અમેરિકાથી આવેલા વૃદ્ધામાં મળ્યો હતો BF.7 વેરિયન્ટ
ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરા આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિગ માટે મોકલવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આ મહિલાના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનો પણ રિપોર્ટ જે તે સમયે કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દર્દીએ હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નહોતી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેનું રિઝલ્ટ BF.7 વેરિયન્ટ આવ્યું હતું. જે તે સમય પર ગાઈડલાઇન મુજબ કુલ 3 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. સમગ્ર મામલે મહત્વની બાબત એ છે કે ત્રણ મહિના અગાઉ જ નવો વેરિયન્ટ ગુજરાતમાં આવી ચૂક્યો છે.

અમદાવાદ અને વડોદરામાં એક-એક કેસ હોવાની ચર્ચા
ચીનમાં કોરોનાના ખતરનાક ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો મુજબ ઓમિક્રોનના સબ-વેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ અને વડોદરામાં એક-એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલાં તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ હતું. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે એ નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

હાલ કયા વેરિયન્ટના કેસ આવે છે એ સ્પષ્ટ નથીઃ અગ્ર આરોગ્યસચિવ
એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) મનોજ અગ્રવાલે વાતચીતમાં જણાવ્યું હતું કે ચીનમાં જે કોરોનાના વેરિયન્ટ પ્રમાણે કેસો આવી રહ્યા છે એ કયા છે એ હજી સુધી સ્પષ્ટ નથી અને WHO દ્વારા પણ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં જે પણ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે એના દરેકના જીનોમ સિક્વન્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી કોઈ એવો કોઈ કેસ ગુજરાતમાં જોવા મળ્યો નથી.

એક કેસ નવો અને એક કેસ જૂનો હોવાનું સામે આવ્યું
ચીનમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે એ ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7 હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે, ત્યારે ગુજરાતમાં જે પણ કોરોનાના કેસ આવી રહ્યા છે એના જીનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બાયો ટેક્નિકલ રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવેલા ટેસ્ટમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે, જેમાં એક કેસ નવો છે અને એક કેસ જૂનો હોવાનું સામે આવ્યું છે. કોરોનાના વધતા કેસોને લઈ અને હવે દરેક પોઝિટિવ કેસ આવી રહ્યા છે એને જીનોમ સિક્વન્સ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં એવો કોઈ કેસ હોવાનું સામે આવ્યું નથી. કોરોનાનાં અલગ અલગ વેરિયન્ટ, સબ-વેરિયન્ટ જોવા મળે છે. અમદાવાદમાં જે કેસ નોંધાયો હતો એ જૂનો છે અને કવોરન્ટીન થયા બાદ તે કોરોના મુક્ત પણ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

G-20 સમિટને લઈને સૂચના પ્રમાણે પગલાં ભરવામાં આવશે
વિશ્વમાં ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ચિંતા ઊભી થઈ છે. કેન્દ્ર આરોગ્ય વિભાગ પણ રાજ્ય સરકાર સાથે વીડિયો-કોન્ફરન્સ મારફત ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી. જોકે આગામી સમયમાં G-20 સમિટની 15 જેટલી બેઠક ગુજરાતમાં થશે. આ બેઠક દરમિયાન વિદેશના ડેલિગેશન ગુજરાતના મહેમાન બનશે. ત્યારે કોરોના સંક્રમણ ન વધે એ બાબતે પણ ચર્ચા થઈ હતી. જોકે G-20 બાબતે આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ લેવલે G-20 બાબતે ચર્ચા થતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને સમય અને સ્થિતિ પ્રમાણે જે સૂચના આપવામાં આવશે એ પ્રમાણે કામ કરીશું. G-20 સમિતિની બેઠક ગુજરાતમાં યોજાશે, પણ હાલ ઘણો સમય છે. જોકે રાજ્યમાં કોરોનાના 20 કેસ જ એક્ટિવ છે. નવું વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યું નથી, જેથી કોઈ ચિંતા કરવા જેવી નથી એમ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે પત્ર લખી રાજ્યોને જાણ કરી
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના આરોગ્યસચિવને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંક્રમણ ફેલાયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એ બાબતની કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્યસચિવને પત્ર લખીને જીનોમ સિક્વન્સની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. જે રાજ્યમાં જીનોમ સિકવન્સિંગ ઓછું કરવામાં આવી રહ્યું હોય એ રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. જીનોમ સિક્વન્સિંગ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

ગુજરાતમાં પ્રતિ દિવસ 8000 સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે, તેમ છતાં પણ પ્રતિદિન 7 હજારથી 8 હજાર જેટલાં સેમ્પલનું જીનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યું છે, હાલમાં પોઝિટિવ કેસો સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે, જ્યારે પ્રતિ માસ સરેરાશ 40 જેટલા જ છે. હાલમાં ગુજરાતમાં ફકત 20 કેસ જ એક્ટિવ છે અને હોસ્પિટલમાં એકપણ કોરોના અસરગ્રસ્ત દર્દી દાખલ નથી. તેમ છતાં પણ આગોતરા આયોજન મુજબ ગુજરાતમાં બેડની સંખ્યા, દવાનો પૂરતો જથ્થો અને સ્ટાફની સંખ્યા બાબતે પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.

રાજ્યના તમામ કોવિડ કેર સેન્ટર એલર્ટ રખાયાં
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થઈ હતી, ત્યારે અલગ અલગ શહેરના વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. રાજ્યના આરોગ્યસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. હાલની તારીખમાં એકપણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે એ તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે, પરંતુ વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતાં એને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 33 જિલ્લા પૈકી એકપણ કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી, જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ઉપરાંત મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પાઇપલાઇન, ઓક્સિજન પ્લાન્ટ, દવાનો જથ્થો વગેરે એલર્ટ રાખ્યા છે.

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ

·         15થી 17 વર્ષના 31,31,221 લોકોએ પ્રથમ ડોઝ લીધો

·         15થી 17 વર્ષના 29,03,185 લોકોએ બીજો ડોઝ લીધો

·         રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના 59,29,740 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો

·         12થી 14 વર્ષના 19,40,865 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

·         12થી 14 વર્ષના 16,77,569 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો

·         18થી 59 વર્ષના 1,34,08, 516 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો

·         8 કોર્પોરેશન અને 12 જિલ્લામાં 100 ટકા રસીકરણ થયું

·         અમદાવાદમાં સૌથી વધારે 5,35,393 લોકોએ બીજો ડોઝ લીધો નથી

·         અરવલ્લી જિલ્લામાં 899 લોકોએ બીજો ડોઝ લીધો નથી

·         આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ તાપી જિલ્લામાં રસીકરણ થયું

·         સૌથી ઓછું છોટાઉદેપુર વિસ્તારમાં રસીકરણ થયું

·         રાજ્યમાં કોવિશીલ્ડના 41,500 ડોઝ ઉપલબ્ધ છે

·         કો-વેક્સિનના 29,040 ડોઝ ઉપલબ્ધ છે

·         રાજ્યમાં કુલ 70,540 રસીના ડોઝ ઉપલબ્ધ છે

રાજ્યમાં કોરોનાના 20 એક્ટિવ કેસ
રાજ્યમાં આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે, 20 જેટલા કેસ એક્ટિવ છે, જેમાં 20 દર્દી સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોના બે કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 1, બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગઈકાલે કુલ 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post