• Home
  • News
  • પયગંબર મુદ્દે નિવેદનથી હોબાળો:57 દેશનાં ઇસ્લામિક સંગઠનના વિરોધ સામે ભારતે વાંધો ઉઠાવ્યો, કહ્યું- તેમની નિમ્ન વિચારસરણી ધરાવતી ટિપ્પણીને ફગાવીએ છીએ
post

કતાર અને કુવૈતે ભારત સરકાર પાસે માફીની પણ માગ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 17:25:32

નવી દિલ્લી: પયગંબર મોહમ્મદ પર બીજેપી નેતા નૂપુર શર્મા અને નવીન જિંદાલનાં વાંધાજનક નિવેદન બાબતે ખાડી દેશોએ પણ વિરોધ નોંધાવ્યો છે. કતાર, કુવૈત અને ઈરાને આ નિવેદન મામલે ભારતીય રાજદૂતોને નોટિસ પાઠવી છે. કતાર અને કુવૈતે ભારત સરકાર પાસે માફીની પણ માગ કરી છે, સાથે જ સાઉદી અરેબિયાએ પણ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. આ સિવાય મુસ્લિમ દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ પણ વાંધો ઉઠાવ્યો છે. સંસ્થાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું- OICના મહાસચિવે હાલમાં ભારતના શાસક પક્ષના એક નેતા દ્વારા પયગંબર મોહમ્મદ પર આપેલા નિવેદનની ટીકા કરી છે.

ભારતે OICના નિવેદનને નકારી કાઢ્યું
ભારતીય વિદેશ મંત્રાલયે OICના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત OIC સચિવાલયની બિનજરૂરી અને નિમ્ન વિચારસરણીવાળી ટિપ્પણીને સ્પષ્ટપણે નકારી કાઢે છે. ભારત સરકાર તમામ ધર્મોને સન્માન આપે છે.

સાઉદી અને બહરીને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે
ભાજપે તાત્કાલિક પગલાં લેતાં પ્રવક્તા નૂપુર શર્માને પણ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. આ પછી ભારતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જે પણ ખોટી નિવેદનબાજી કરવામાં આવી છે એ ભારત સરકારનું ઓફિશિયલ સ્ટેન્ડ નથી. આ સાથે સરકારે વિવાદાસ્પદ નિવેદનો કરનારા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સાઉદી અરેબિયા અને બહરીને આ નિર્ણયને આવકાર્યો છે.

ભાજપે પણ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે તમામ ધર્મો અને તેમના ઉપાસકોનું સન્માન કરીએ છીએ. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે પત્ર જારી કરીને કહ્યું- ભાજપ એક એવી પાર્ટી છે જે તમામ ધર્મોનું સન્માન કરે છે.

ગલ્ફ દેશોમાં 76 લાખ ભારતીય છે
ઐતિહાસિક રીતે ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. ભારત તેની જરૂરિયાતના ઓઈલનો મોટો ભાગ આ જ દેશોમાંથી આયાત કરે છે, આ સિવાય વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર લગભગ 76 લાખ ભારતીય મધ્ય પૂર્વનાં દેશોમાં કામ કરે છે.

કોરોના મહામારીનાં સંકટમાંથી ભારતીય અર્થવ્યવસ્થા હજી સુધી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. એવામાં જો આ મામલાને હવા આપવામાં આવશે તો દેશને આર્થિક વ્યવસ્થાને ઘણું નુકસાન થઈ શકે છે. ભારત તેની જરૂરિયાતના 52.7% ઓઈલ આ દેશોમાંથી આયાત કરે છે.

હું મારું નિવેદન પાછું ખેંચું છું- નૂપુર શર્મા
ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ નૂપુર શર્માએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. શર્માએ ટ્વીટ કરીને લખ્યું- ટીવી ડિબેટમાં મારા ભગવાનની વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દો બોલાઈ રહ્યા હતા, જે હું સહન કરી શકી ન હતી. આ જ ગુસ્સામાં મેં વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેને હવે કોઈ જ શરત વિના પાછું ખેંચું છું

નૂપુરે પયગંબર સાહેબ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. એક ન્યૂઝ ડિબેટમાં બીજેપી પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમુદાય સતત વિરોધ કરી રહ્યો છે. ગયા દિવસોમાં શર્માએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે મારા નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે. શર્મા પર મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post