• Home
  • News
  • કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન:કેન્દ્ર સરકારે 1થી 31 ડિસેમ્બર માટેની નવી કોરોના ગાઈડલાઈન જારી કરી, રાજ્યો લૉકડાઉનનો નિર્ણય નહીં લઈ શકે, કેન્દ્રની સંમતિ જરૂરી
post

કોઈ પણ પ્રસંગે 200થી વધુ સામેલ નહીં થઈ શકે, અંતિમ નિર્ણય રાજ્યો લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:05:04

દેશનાં અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે, જે પહેલીથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. નવી ગાઈડલાઈન પ્રમાણે, સિનેમા હૉલ, થિયેટર, સ્વિમિંગ પૂલ વગેરેને લઈને પ્રતિબંધો યથાવત્ છે. સિનેમા હૉલ હજુ પણ 50% દર્શક ક્ષમતા સાથે ચાલુ રખાશે. સ્વિમિંગ પૂલોનો ઉપયોગ ફક્ત ખેલાડીઓની તાલીમ માટે થઈ શકશે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે, કોઈ પણ પ્રકારના ધાર્મિક, સામાજિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક કાર્યક્રમોમાં 200થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે. જોકે, રાજ્ય સરકારો આ સંખ્યાને ઈચ્છે તો 100 કે તેનાથી ઓછી કરી શકશે.

નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા તંત્રની રહેશે
રાજ્યો જે તે વિસ્તારોની સ્થિતિ પ્રમાણે રાત્રિ કર્ફ્યૂ જેવા નિર્ણયો લઈ શકશે, પરંતુ લૉકડાઉન જાહેર કરવા કેન્દ્રની મંજૂરી લેવી પડશે. જે શહેરોમાં અઠવાડિયાનો પોઝિટિવ રેટ 10%થી વધુ હશે ત્યાં ઓફિસો, ફેક્ટરીઓ, દુકાનો વગેરેમાં કામના કલાકો જુદા જુદા સમયે કરવાની પણ સલાહ અપાઈ છે. આ ઉપરાંત નવી ગાઈડલાઈન પ્રમાણે દેશનાં તમામ રાજ્યોએ કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદીને જિલ્લા કલેક્ટરો અને સંબંધિત રાજ્યોની વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. આ ઝોન માટે બનાવેલા નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક પોલીસ, નિગમ અને જિલ્લા તંત્રની રહેશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો આ મુદ્દે અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.

પંજાબમાં પહેલી ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ, ગાઈડલાઈન તોડી તો 1000 દંડ થશે...
ચંદીગઢઃ પંજાબમાં પહેલી ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ રહેશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન અને માસ્ક નહીં પહેરવા બદલ રૂ. 1000નો દંડ થશે. આ ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 9:30 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે. લગ્નો માટે પણ આ જ સમય રહેશે. દિલ્હી-એનસીઆરમાં કોરોનાના વધતા કેસ અને પંજાબમાં બીજી લહેરની આશંકા વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ જાહેરાત કરી છે. બુધવારે જારી આ આદેશ પ્રમાણે, 15 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાશે. કોરોનાની સ્થિતિની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા પછી સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોરોનાના બચાવની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ હવે 500ના બદલે રૂ.1000 દંડ ભરવો પડશે.

કેન્દ્રએ કહ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ, તેને આગળ પણ જાળવી રાખવાની છે. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા આ બાબત સ્પષ્ટ થાય છે. અલબત, તહેવારની સિઝન તથા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યા વધવાની સ્થિતિ જોવા મળી છે. આ રાજ્યોએ સાવચેતી રાખવી પડશે તથા કન્ટેનમેન્ટ, સર્વિલન્સ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા પડશે.

સર્વિલન્સ અને કન્ટેનમેન્ટ માટેની ગાઈડલાઈન

·         રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સિસ્ટમને મજબૂત કરવી પડશે

·         જિલ્લા વહિવટીતંત્રએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે

·         રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે.

·         તમામ જીલ્લામાં બનનારા કન્ટેનમેન્ટ ઝોનની યાદી તેમની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. તે હેલ્થ મિનિસ્ટ્રી સાથે પણ શેર કરવાની રહેશે.

·         આ ઝોનમાં કડક અમલીકરણ માટે લોકોની અવર-જવરને અટકાવાની રહેશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે

·         સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે. પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવાના રહેશે.

·         સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની યાદી બનાવવી. તેમની ઓળખ કરી ટ્રેક કરવામાં આવે તથા ક્વોરેન્ટિન કરવામાં આવે.

·         સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે. તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે. જરૂર પડવાના સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

·         ILI અને SARI કેસને સર્વિલન્સ કરવામાં આવે અને મોબાઈલ યુનિટ તેના સંપર્કમાં રહે

·         નિયંત્રણો લાગૂ કરવા તથા નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તથા પોલીસની જવાબદારી રહેશે

·         રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કાર્યાલયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. જે શહેરોમાં સાપ્તાહિક 10 ટકા પોઝિટિવિટી રેટ છે, ત્યાં ઓફિસ સમયમાં ફેરફાર કરવામાં આવે અને અન્ય આવશ્યક પગલા ભરવામાં આવે

·         સોશિયલ ડિસ્ટન્સની દ્રષ્ટિએ કાર્યાલયોમાં એક સાથે વધારે સ્ટાફ (કર્મચારીઓ) ન હોવા જોઈએ

ઓફિસ માટે ગાઈડલાઈન

·         રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું છે

·         જે શહેરોમાં સાપ્તાહિક 10 ટકા પોઝિટિવિટી રેટ છે ત્યાં ઓફિસ ટાઈમિંગમાં ફેરફાર કરવા અને અન્ય આવશ્યક પગલાં ભરવા

·         સોશિયલ ડિસ્ટન્સિંગની દ્રષ્ટિએ ઓફિસમાં એક સાથે વધારે સ્ટાફ ન હોવા જોઈએ.

જમાવડા માટે ગાઈડલાઈન
સામાજીક, ધાર્મિક, રમતો, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક જમાવડામાં અત્યારે હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ભેગા કરવા મંજૂરી છે. ખુલ્લા મેદાનોમાં જગ્યાને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવશે. જોકે, રાજ્ય પોતાને ત્યાં સ્થિતિને ધ્યાનમાં રાખી આ સંખ્યા 100 અથવા તેનાથી ઓછી કરી શકે છે

અનલોક-5ની ગાઈડલાઈન્સ બે મહિના અગાઉ જાહેર કરવામાં આવી હતી
કેન્દ્ર સરકારે બે મહિના અગાઉ કોરોનાની સ્થિતિ વચ્ચે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી હતી. તે અંતર્ગત તહેવારોની સિઝનને જોતા સરકારે અનલોક-5માં છૂટ વધારી હતી

 

adv

Related News

post
post
post
post
post
post
post