• Home
  • News
  • હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા પર પથ્થરમારો:તોફાનીઓએ ગાડીઓ ફૂંકી મારી; જિલ્લાની સીમાઓ સીલ, ઇન્ટરનેટ બંધ; કલમ 144 લાગુ
post

સીએમ મનોહર લાલના ઓએસડી જવાહર યાદવે કહ્યું હતું કે પોલીસ પોતાનું કામ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:39:38

હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન સોમવારે હોબાળો થયો હતો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

જેમાં અનેક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ગોળી વાગવાથી બે લોકોના મોતનાં સમાચાર પણ છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નૂહ જિલ્લા વહીવટીતંત્રે પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દળને બોલાવ્યા છે, સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે 2 ઓગસ્ટે બે દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

બ્રજમંડળ યાત્રા નૂહના નલ્હાદ શિવ મંદિરથી ફિરોઝપુર-જીરકા તરફ શરૂ થઈ હતી. યાત્રા તિરંગા પાર્ક નજીક પહોંચી ત્યાં પહેલાથી જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સામસામે આવતાં જ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો અને થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો.

અત્યારે પણ નૂહના નલ્હાદ શિવ મંદિરની આસપાસ મોટી સંખ્યામાં બદમાશો એકઠા થયા છે. જ્યાં પથ્થરમારાની માહિતી મળતાં પોલીસ દળને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું છે.

3 જિલ્લામાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી
નૂહમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાડોશી પલવલ, ફરીદાબાદ અને રેવાડી જિલ્લામાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. સોમવારે બપોરે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. નૂહ અને આસપાસના વિસ્તારોમાં હોડલ બાયપાસ પર પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. અહીં બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

ગામડાંમાંથી હથિયારો સાથે આવેલા બદમાશોએ લૂંટ ચલાવી
બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળતાંની સાથે જ નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી યુવાનોનાં જુદાં જુદાં જૂથો નૂહ શહેર તરફ કૂચ કરી ગયાં હતાં. હથિયારોથી સજ્જ આ લોકોએ રસ્તામાં આવતાં વાહનોની તોડફોડ કરી હતી. બદમાશોએ ઘણી જગ્યાએ પોલીસ ટીમો પર પણ હુમલો કર્યો હતો. તેમના તોફાન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

નૂહ શહેરમાં હંગામા બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે વેપારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. નૂહ અનાજ માર્કેટમાં કેટલાક વેપારીઓ પાસેથી લૂંટનો મામલો સામે આવ્યો હતો. જોકે સત્તાવાર રીતે કોઈપણ સ્તરેથી એની પુષ્ટિ થઈ શકી નથી.

સરકારે કહ્યું- તોફાનીઓને છોડાશે નહીં
સીએમ મનોહર લાલના ઓએસડી જવાહર યાદવે કહ્યું હતું કે પોલીસ પોતાનું કામ કરી રહી છે. આસપાસના જિલ્લાઓની પોલીસ નૂહ પહોંચી ગઈ છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, જેથી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરી શકાય. જો સામાન્ય લોકો ઘરમાં રહે તો પોલીસ-પ્રશાસન માટે તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post