• Home
  • News
  • ટ્રમ્પ જ્યાં રોકાયા ત્યાંથી 20 કિમી દૂર બે જૂથ વચ્ચે હિંસા, હેડ કોન્સ્ટેબલ અને 4 નાગરિકના મોત, પોલીસ ઘટનાસ્થળે
post

જાફરાબાદ, મૌજપુર અને ભજનપુરામાં CAA સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 08:33:15

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ અને સમર્થનમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલ ઘર્ષણમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. માથામાં પથ્થર વાગતા હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં 4 નાગરિકોના પણ મોત થયા છે. તોફાન દરમિયાન લાલ ટી-શર્ટ પહેરીને જાહેરમાં ફાયરિંગ કરનારની ઓળખ દિલ્હી પોલીસે શાહરૂખ નામના શખ્સ તરીકે કરી છે. હિંસા દરમિયાન શહાદરાના DCP અમિત શર્મા, ACP અનુજ કુમાર સહિત 10 જવાન ઘાયલ થયા. તોફાની ટોળાએ ઘણી જગ્યાએ ગાડીઓને આગ ચાંપી હતી. ભજનપુરામાં પેટ્રોલ પંપને આગને હવાલે કરી દીધો હતો. જાફરાબાદમાં તોફાનીઓએ જાહેરમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ખજૂરી ખાસમાં પોલીસ પણ તોફાનીઓ પર પથ્થરમારો કરતી નજરે પડી. રવિવાર સાંજે આ વિસ્તારમાં પ્રથમવાર ત્યારે હિંસા ભડકી હતી જ્યારે ભાજપ નેતા કપિલ મિશ્રા રસ્તો ખુલ્લો કરાવવા પહોંચ્યા હતાં. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે.

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂ કરવા માટે વધારે સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે હેડ કોન્સ્ટેબલના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જાફરાબાદ, મૌજપુર સહિત આસપાસના વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી છે. જ્યારે ભજનપુરામાં એક પેટ્રોલ પમ્પને પણ આગ લગાવાવમાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહમંત્રી સાથે વાત કરી
રાજધાનીમાં હિંસાની ઘટનાઓ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીના અલગ અલગ હિસ્સાઓની હિંસાના સમાચાર ચિંતાજનક છે. બીજી બાજુ ઉપરાજ્યપાલ બૈજલે દિલ્હી પોલીસને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના આદેશ આપ્યા. તેમણે લોકોને શાંતિ જાળવવા અને સંયમ રાખવાની અપીલ કરી છે.

શાહીનબાગની જેમ જાફરાબાદમાં ધરણાં
જાફરાબાદમાં પણ મહિલાઓએ મેટ્રો સ્ટેશન પાસે શનિવાર રાતે CAA વિરુદ્ધ રસ્તા પર દેખાવો કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે બપોરે ચાંદબાગમાં પણ આવા જ દેખાવો થયા હતા. મહિલાઓના કહ્યાં પ્રમાણે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર CAA પાછો નહીં લે ત્યાં સુધી આ દેખાવ ચાલું રહેશે. આ દરમિયાન મૌજપુરમાં ભાજપ નેતા કપિલ મિશ્રા અને તેમના સમર્થક વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો છે. ત્યારબાદદેખાવના કારણે બંધ રસ્તાઓને ખોલવાની માંગ અંગે પણ લોકોએ દેખાવ કર્યા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post