• Home
  • News
  • ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વીફર્યા:યુનિ.માં પ્રવેશવા લોખંડની જાળીની ખેંચાખેંચી, 'વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો..'ના નારા સાથે વિરોધ
post

સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરનો ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાશે-રજિસ્ટ્રાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-17 17:40:40

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ માર્કશીટ ડિગ્રી વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે અને તેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આજે NSUI દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરીને ફી વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી.

ફીમાં 500થી 1000 ટકાનો વધારો
ગુજરાત યુનિવર્સિટીએ માર્કશીટ વેરિફિકેશન, ડિગ્રી વેરિફિકેશન માર્કશીટ ફી,માઇગ્રેશન ફી, પ્રોવિઝનલ સર્ટિફિકેટ ફી સહિતની ફીમાં 500થી 1000 ટકાનો વધારો કર્યો છે. આ અંગેની કામગીરી પણ એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે. ખાનગી કંપનીને કામ સોંપવામાં આવતા જ અલગ અલગ ફીમાં 200થી 1000% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

48 કલાકમાં ભાવવધારો પરત ખેંચવાની માગ
ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરીને કુલપતિને આવેદન આપી ફી વધારો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે NSUI દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. બંધ દરવાજે ધમપછાડા કરીને કાર્યકરો અંદર ઘૂસ્યા હતા, ત્યારે કાર્યકરોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કુલપતિની ઓફિસ બહાર પણ કાર્યકરોએ નારાબાજી કરીને વિરોધ કર્યો હતો. કુલપતિ હાજર ન હોવાથી રજિસ્ટ્રારને NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 48 કલાકમાં જ ભાવવધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.

ખાનગી કંપનીને ફાયદો કરાવવા ભાવવધારાનો આક્ષેપ
NSUI
ના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાનગી કંપનીને ફાયદો કરાવવા માટે ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. સિન્ડિકેટ સભ્યોના નજીકના માણસોને કામગીરી સોંપીને ભાવવધારો કરવામાં આવ્યો છે. જેનાથી સિન્ડિકેટ સભ્યોને પણ ફાયદો થાય છે. ગુજરાત યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા અમે આંદોલન કરશું. ભાવવધારો પરત નહીં ખેંચાય તો આગામી 48 કલાકમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરનો ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાશે-રજિસ્ટ્રાર
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પી.એમ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત માટે સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ શરૂ કર્યા બાદ અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત મળી રહી છે, તો તે અંગે યોગ્ય ચર્ચા-વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે. હાલ કઈ કંપનીને કામ સોંપ્યું છે તેની મને ખબર નથી તથા ટેન્ડર પ્રક્રિયા થઈ છે કે કેમ તે અંગે પણ મને કોઈ જાણકારી નથી, પરંતુ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ પ્રક્રિયા કરીને ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post