• Home
  • News
  • સુરત આવેલા લોકો સવારે રઝળ્યા:એકપણ લક્ઝરી બસ સુરતમાં ન પ્રવેશી, મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા, MLA-બસ ઓપરેટરોની લડાઈમાં પ્રજાનો મરો
post

આજે વહેલી સવારે એક પણ બસ સુરતમાં પ્રવેશ ન કરવાથી તમામ બસો સુરત બહાર વાલક પાટિયા પાસે જ ઊભી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 18:00:48

સુરત: સુરતમાં આજથી એક પણ લક્ઝરી બસ વહેલી સવારથી શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીની ટ્રાફિક ડીસીપીને રજૂઆતને લઇ ખાનગી બસ ઓપરેટરો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઇ આજે વહેલી સવારે તમામ લક્ઝરી બસે શહેરની બહાર વાલક પાટિયા પાસે જ પેસેન્જર ઉતારી દઈ ખાલી કરી દીધી હતી. જેને લઇ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સાથે જ ઘર સુધી પહોંચવા સવારે પરિવારજનોને શહેર બહાર સુધી આવવું પડ્યું હતું તો ઘણાએ તો બસના ભાડા કરતાં અડધો ખર્ચ ઘર સુધી પહોંચવા વેઠવો પડ્યો હતો.

મુસાફરોને પારાવાર મુશ્કેલી
વહેલી સવારે સુરત બહાર ઉતારી દીધેલા મુસાફર વિનુભાઈએ જણાવ્યું હતું કે આ રીતે શહેર બહાર ઉતારી દેવાતા પૂરેપૂરી તકલીફ પડી છે. વહેલી સવારે અહીં વાહનો પણ નથી મળતાં. મુસાફરો નાનાં બાળકો જોડે આવ્યાં છે. 1500-2000 રૂપિયા ભાડું ખર્ચીને સૌરાષ્ટ્રથી સુરત આવે છે. સુરત આવીને બહાર ઉતારી દીધા છે. રિક્ષાવાળા 500થી 600 રૂપિયા ભાડું માંગે છે છતાં રિક્ષા મળતી નથી.

 

બે-પાંચ નહીં હજારો મુસાફરો પરેશાન થયા
બસ ઓપરેટરોના નિર્ણયથી પરેશાન થયેલા મુસાફર ખીમજીભાઇએ જણાવ્યું હતું કે વહેલી સવારથી હજારો મુસાફરોને હેરાનગતિ થઈ છે. આ કંઈ બે-પાંચ બસોના પેસેન્જર નથી. હજારો બસોના પેસેન્જર છે. તો એના માટે વિકલ્પ હોવો જોઈએ. સુવિધા કરવી જોઈએ. સવારના ચાર-પાંચ વાગ્યાના ઊભા છે. નાનાં બાળકો, છોકરાઓ, વડીલો બધાં અટવાઈ રહ્યાં છે. તમામની પાસે સામાન પણ ઘણો છે. શહેરની બાર ઉતારી દેતા હવે તમામે કેવી રીતે જવાનું... આવો વિચાર પહેલેથી કરવો જોઈએ અને સુવિધા ઊભી કરવી જોઈએ.

ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરોની લડાઈમાં પેસેન્જરનો મરો
શહેરમાં છેલ્લા બે દિવસથી ધારાસભ્ય કુમાર કાનાણી વર્સિસ ખાનગી બસ ઓપરેટરની લડાઈ જ ચર્ચાનો વિષય બની રહી છે. કુમાર કાનાણીના પત્રને સમર્થન આપતા શહેરમાં એકપણ ખાનગી બસ આજથી પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કર્યો હતો. ત્યારે કુમાર કાનાણી અને ખાનગી બસ ઓપરેટરોની લડાઈમાં મુસાફરો એ હેરાન થવાનો વારો આજે વહેલી સવારથી આવ્યો હતો. વહેલી સવારથી જ સુરત પહોંચી ચૂકેલા મુસાફરોને શહેર બહાર વાલક પાટિયા પાસે ઉતારી દેવાતા વિનુભાઈ નામના એક મુસાફરે કહ્યું હતું કે ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરોની લડાઈમાં પેસેન્જરનો મરો થયો છે. બેની લડાઈમાં ત્રીજો માણસ હેરાન થઈ રહ્યો છે.

વહેલી સવારે એક પણ બસે સુરતમાં પ્રવેશ કર્યો નહીં
સુરત લક્ઝરી બસ ચેરિટેબલ એસોસિયેશન દ્વારા 21 તારીખથી એક પણ બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શહેરના 400થી વધુ બસ ઓપરેટરો સહમત થયા હતા અને ગતરોજથી સમગ્ર શહેરમાં માત્ર એક જ મુદ્દો ચર્ચા તો હતો કે સુરતમાં લક્ઝરી બસ આવશે નહીં તો મુસાફરોનું શું થશે. ત્યારે ખાનગી બસ ઓપરેટરો પોતાના નિર્ણયને વળગી રહેતા આજે વહેલી સવારે એક પણ બસ સુરતમાં પ્રવેશ કરી નહીં.

મુસાફરોને સુરત બહાર છોડી મુકાયા
ખાનગી બસ ઓપરેટરો દ્વારા આજથી એક પણ બસ સુરતમાં પ્રવેશ ન કરવાના નિર્ણયને લઈ પોલીસ કમિશનરના જાહેરનામામાં છૂટના સમયની અવધિમાં પણ વહેલી સવારે 5:00 વાગે આવી ગયા હોવા છતાં સુરતમાં પ્રવેશ કર્યો ન હતો. અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ વગેરે જગ્યાએથી આવતી બસો સુરત શહેરની બહાર જ ઊભી રહી હતી. અને તમામ મુસાફરોને સુરત શહેરની બહાર જ ઉતારી દીધા હતા. જેને લઇ મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રોડ પર બસોના ખડકલા થયા હતા
આજે વહેલી સવારે એક પણ બસ સુરતમાં પ્રવેશ ન કરવાથી તમામ બસો સુરત બહાર વાલક પાટિયા પાસે જ ઊભી રહી હતી. વહેલી સવારે પાંચથી સાત વાગ્યા દરમિયાન 400થી 500 બસો ત્યાં આવી પહોંચી હતી. જેને લઇ સુરત શહેર બહાર વાલક પાટિયાથી કામરેજ તરફના રોડ સુધી ખાનગી લક્ઝરી બસોના રોડ પર ખડકલા લાગી ચૂક્યા હતા અને વહેલી સવારે સુરત શહેરની બહાર વાલક પાટિયાથી કામરેજના મુખ્ય રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મોટી સંખ્યામાં મુસાફરોને હાલાકી
લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા શહેરમાં એક પણ બસ પ્રવેશ થઈ ન હતી. જેને લઇ શહેરમાં દૂર દૂરથી આવતા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને લઇ તમામ મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરિવાર સાથે વહેલી સવારે પાંચથી છ વાગ્યા દરમિયાન શહેરની બહાર ઉતારી દેવાતા મુસાફરો ભારે અટવાયા હતા. 10થી 20 કિલોમીટર દૂર મુસાફરોને ઉતારી દેવાતા તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં પણ તેઓને ખૂબ જ મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ સુરતમાં મહેમાન તરીકે આવ્યા હોય તેવા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાતા તેમનાં સ્વજનોને ત્યાં પહોંચવામાં પણ ખૂબ જ તકલીફ પડી હતી.

ધારાસભ્યની ફરિયાદને લઇ બસ ઓપરેટરોનો નિર્ણય
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને શહેરમાં હેવી વ્હીકલ્સ અને લક્ઝરી બસો પોલીસ કમિશનરના જાહેરનામાના સમયનો ભંગ કરીને શહેરમાં ફરી રહી છે. જેને લઇ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને આમ જનતાએ હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. જે અંગેની લેખિતમાં ફરિયાદ કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને કરી હતી અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જેને લઇ તમામ બસ ઓપરેટરો એક થઈ ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદને સમર્થન આપીને શહેરમાં ટ્રાફિક ન થાય તે માટે એક પણ બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કર્યો હતો. અને કુમાર કાનાણીની ફરિયાદ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post