• Home
  • News
  • જિનપિંગ સાથે ઝૂલ્યા, હવે ટ્રમ્પ સાથે મોદી દાંડિયા રમશે, અમદાવાદમાં 13 કિલોમીટર લાંબો રોડ-શો કરશે
post

ડોનાલ્ડ ટ્રમ્પ શૉના કારણે બજેટ 2 દિવસ મોડું, 24ના બદલે 26મીએ આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 08:31:21

ગાંધીનગરચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદના રિવરફ્રન્ટ પર ઝૂલે ઝૂલતી તસવીર આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઇ હતી. હવે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે મોદી તેમની સાથે દાંડિયા રાસ રમે તેવું આયોજન છે. ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને મોદીની મુલાકાતની આઇકોનિક ઇવેન્ટ તરીકે એક છબિ લોકોના મનમાં યાદ રહે તે હેતુથી આવું એક આયોજન વિચારાઇ રહ્યું છે. ગુજરાતી લોકગીતોના કલાકારો કાર્યક્રમમાં ગરબો રજૂ કરે ત્યારે મોદી અને ટ્રમ્પ પ્રતીકાત્મક રીતે રાસ રમે તે દ્રશ્ય ખૂબ આકર્ષક બની રહેશે.

મેલેનિયા ટ્રમ્પને પાટણના પટોળા અને જામનગરી બાંધણીનો સ્કાર્ફ ભેટ અપાશે
દરમિયાન મોદી અને ટ્રમ્પ તથા અમેરિકાના પ્રથમ સન્નારી મેલેનિયા ટ્રમ્પને ગુજરાત સરકાર તરફથી ગુજરાતી સંસ્કૃતિ અને કલાકારીગરીના નમૂનારૂપ ભેટ સોગાદો આપવામાં આવશે. મેલેનિયા ટ્રમ્પને પાટણના પટોળા અને જામનગરી બાંધણીનો સ્કાર્ફ તથા કચ્છી ભરતનો રૂમાલ આપવામાં આવશે. ઉપરાંત ટ્રમ્પને ભાતીગળ ભરતકામવાળું એક જેકેટ અથવા અન્ય કોઇ ઉપવસ્ત્ર ભેટમાં અપાશે. સાથે સોના અને હાથીદાંતની બનેલી એક કાસ્કેટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ ભેટમાં અપાશે.


બજેટ બે દિવસ મોડું રજૂ થશે
વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને ગુજરાત વિધાનસભામાં રજૂ થનારું રાજ્ય સરકારનું નાણાંકીય વર્ષ 2020-21નું વાર્ષિક અંદાજપત્ર 24ને બદલે 26 ફેબ્રુઆરીએ રજૂ થશે. અગાઉ રાજ્યપાલે નોટિફિકેશન દ્વારા કરાયેલી તારીખમાં તબદીલી લાવવામાં આવી છે.


2000
બસો થકી મહેમાનો સ્ટેડિયમ પહોંચશે
કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો બસ દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચે તેવી વ્યવસ્થા કરાઇ રહી છે. સલામતી અને ટ્રાફિકમાં અડચણ ઊભી થાય તે માટે મોટેરા સ્ટેડિયમ ખાતે વિશેષ મહેમાનોના વાહનોના કાફલા સિવાય અન્ય કોઇ વાહનો સ્ટેડિયમ સુધી જવા દેવામાં નહીં આવે. આમંત્રિત મહેમાનોના વિવિધ જૂથને અમદાવાદ અને ગાંધીનગરમાં પોતાના ગ્રૂમાં ચોક્કસ સ્થળે એકત્રિત થવાનું રહેશે અને અહીં તેમનું સિક્યોરિટી ચેક કરીને બસમાં બેસાડી ચોક્કસ રૂટ મારફતે સ્ટેડિયમ લઇ જવાશે, જેથી સ્ટેડિયમ પર ફરીથી ફ્રિસ્કીંગ કરવાની પ્રક્રિયામાં વિલંબને કારણે અવ્યવસ્થા ખડી થાય. ગુજરાત સરકારે માટે 2000 ખાનગી બસો ભાડે કરવાનું આયોજન કર્યું છે.

અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. રોડ 2.13 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.


સુભાષબ્રિજથી મોટેરા સ્ટેડિયમ તરફનો રસ્તો પબ્લિકની અવરજવર વાળો છે. સ્ટેડિયમમાં એક લાખની મેદની એકઠી થશે. તમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ત્રણ કિમીના એરિયામાં તૈયાર કરાયેલા પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાવાશે અને ત્યાંથી પગપાળા સ્ટેડિયમ ખાતે લઈ જવાશે. રોડ પર લોકોની ભારે ભીડ એકઠી થાય તેમ હોવાથી ટ્ર્મ્પને રોડથી મોટેરા સ્ટેડિયમ ખાતે લઈ જવાશે નહીં. શહેરની વિવિધ હોટેલોમાં રોકાયેલા વિદેશી લોકોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મોટેરા, સાબરમતી અને ચાંદખેડામાં ભાડેથી રહેતા હોય અને પોલીસને જાણ કરી હોય તેવા લોકોને નોટિસ આપી છે. રોડ બનાવવા ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય કામગીરી કરનારા લોકોની તપાસ માટે પોલીસની 5 ટીમો મૂકી છે.

સિવિલના ડોક્ટરો, 21 વિભાગના સ્ટાફની 24 અને 25મીની રજા રદ
ટ્રમ્પની મુલાકાતને લઈને મંગળવારે સિવિલ હોસ્પિટલમાં મિટિંગ મળી હતી. જેમાં હાર્ટ, કિડની, ફિઝિશિયન, ઓર્થોપેડિક, ન્યૂરોસર્જરી, રેડિયોલોજિસ્ટ, ન્યૂરોફિઝિશિયન, ઇએનટી સહિતના 21 વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને તમામને આગામી 24-25 ફેબ્રુઆરીએ સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરાઈ છે અને તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.


ટ્રમ્પ અને મોદી બંને મહાનુભાવોના બ્લડગ્રૂપ પ્રમાણે જુદા જુદા યુનિટ પણ રાખવામાં આવશે. કોઈપણ કારણસર અચાનક સર્જરીની જરૂર પડે તો તે અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠકમાં વીવીઆઈપી મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં લોહીનો પૂરતો સ્ટોક રાખવા, વીઆઈપી વોર્ડ ખાલી રાખવા, ઓપરેશન થિયેટર તૈયાર રાખવા સહિત જરૂરી દવાનો જથ્થો રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત સ્ટેડિયમ ખાતે પણ 15 એમ્બુલન્સ તહેનાત કરવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post