• Home
  • News
  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડનાર તથ્ય પટેલની મુશ્કેલી વધી, થાર અકસ્માતમાં ધરપકડ થશે
post

સિંધુભવન રોડ પર થાર ગાડી એક રેસ્ટોરન્ટમાં ઘૂસાડી દીધી હતી ત્યાર બાદ સમાધાન થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:19:59

અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભેલા લોકોને જેગુઆર કારથી કચડીને 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તથ્ય પટેલે આ પહેલા અમદાવાદના સિંધુભવન રોડ પર એક રેસ્ટોરન્ટમાં થાર ગાડી ઘૂસાડી દઈને અકસ્માત સર્જ્યો હતો. જેમાં રેસ્ટોરન્ટના માલિક અને તથ્ય વચ્ચે સમાધાન થયું હતું. આ કેસમાં ઈસ્કોનના અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. હવે સરખેજ પોલીસે જિલ્લા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને તથ્યની કસ્ટડી લેશે. 

તથ્ય પટેલ સામે 1684 પાનાની ચાર્જશીટ 

અમદાવાદના સિંધુભવન રોડ પરની એક રેસ્ટોરન્ટમાં થાર ગાડી ઘૂસાડી દઈને દિવાલ તોડવાના કેસમાં પોલીસે તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે મંજુરી આપતાં હવે પોલીસે અમદાવાદ સેન્ટ્રલ જેલથી તથ્ય પટેલની કસ્ટડી મેળવશે. ત્યાર બાદ સરખેજ પોલીસ તથ્યને અકસ્માતના સ્થળે તપાસ અર્થે લઈ જશે. આ કેસમાં તથ્ય પટેલ જામીન મેળવવા અરજી કરશે તેવી પણ માહિતી સુત્રો દ્વારા મળી છે.ઈસ્કોન બ્રિજ કેસમાં પોલીસે તથ્ય પટેલ સામે 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યાર બાદ તેને કોર્ટે જેલ હવાલે કર્યો હતો. 

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીનની સુનાવણી ત્રીજી ઓગસ્ટે

પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ નહીં થતાં મુદ્દત પડી છે. હવે આગામી સુનાવણી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે. આગામી ત્રીજી ઓગસ્ટે આ કેસની સુનાવણી યોજાશે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે. જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી.પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post