• Home
  • News
  • Tauktae Cyclone: ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, વિનાશકારી વાવાઝોડું આજે રાત્રે આ જગ્યાએ ત્રાટકશે!
post

કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-17 09:41:16

નવી દિલ્હી: કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ તે 18મી મેના રોજ સવારે પોરબંદર અને ભાવનગર જિલ્લાના મહુઆ વચ્ચેથી પસાર થશે. 

હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું તૌકતે વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયું છે અને ગુજરાત તરફ વળ્યું છે. હાલ તે મુંબઈથી 160 કિમી દૂર, વેરાવળથી 290 કિમી દૂર અને દિવથી 260 કિમી દૂર છે. પૂરેપૂરી શક્યતા છે કે આ વાવાઝોડુ આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પહોંચે અને ગુજરાતના પોરબંદર અને મહુવા વચ્ચે રાતના લગભગ 8થી 11 વાગ્યા સુધીમાં ટકરાય. વાવાઝોડું ત્રાટકશે તે વખતે 155થી 165ની પ્રતિ કલાકની સ્પીડ પર પવન ફૂંકાય તેવી શકયતા છે જે 185ની સ્પીડ ઉપર પણ પહોંચી શકે છે. 

તોફાનને લઈને સરકારની તૈયારીઓ પૂરેપૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી સતત આ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. હવામાન ખાતું આ વાવાઝોડું વિનાશક રૂપ ધારણ કરી ચૂક્યું છે તેવું જણાવી ચૂક્યું છે. જેને લઈને ગુજરાત સહિત અનેક રાજ્યો હાઈ અલર્ટ પર છે અને એનડીઆરએફ, કોસ્ટગાર્ડ સહિત અન્ય રાહત દળોએ મોરચો સંભાળી લીધો છે. 

ગુજરાતમાં તબાહી સર્જી શકે છે વાવાઝોડું
IMD
એ ગુજરાત અને દમણ દિવ માટે યલો અલર્ટ જાહેર કરી છે. IMD ના વાવાઝોડા ચેતવણી વિભાગના જણાવ્યાં મુજબ 18 મે સુધી 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાંથી દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 54 ટીમો તૈનાત કરાઈ છે. 

સરકારે કોવિડ-19 દર્દીઓના ઉપચાર કરી રહેલી હોસ્પિટલોને વીજળી બેકઅપ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આઠ વિનિર્માણ શાખાઓમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન અને તેની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે  પણ વ્યવસ્થા થઈ રહી છે. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળોને તૈયાર રહેવાનું કહેવાયું છે. 

વેક્સિનેશન બે દિવસ માટે બંધ
સમીક્ષા બેઠક બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તોફાનના કારણે કોઈનો જીવ નહીં જાય. અમારી પાસે પૂરેપૂરો સમય છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં તથા કાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. અનુમાન છે કે લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત  કાઢવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં સોમવારે અને મંગળવારે રસીકરણ રોકવાનો નિર્ણય લેવાયો છે. 

ચક્રવાતનું વિકરાળ સ્વરૂપ જોતા બંદરો, જહાજરાની અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે દેશના પશ્ચિમ કાઠા વિસ્તારોના તમામ રાજ્યોમાં બંદરો અને સમુદ્રી ક્ષેત્રના બોર્ડની તૈયારીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે નુકસાનને ઓછામાં ઓછું રાખવાની સંભાવના સાથે લોકોની સુરક્ષા માટે દરેક શક્ય પગલા લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંદરોને પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર રહેવાનું આશ્વાસન અપાયું. 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાએ તૌકતે તોફાનના પગલે આજે મહારાષ્ટ્રના મુંબઈ, ઉત્તર કોંકણ, થાણા અને પાલઘરના ભાગોમાં મૂસળધાર વરસાદની સંભાવના જતાવી છે. માછીમારોને સમુદ્ર કેનારે ન જવાની સલાહ અપાઈ છે. ત્યારબાદ મહારાષ્ટ્રની તમામ 4526 નૌકાઓ અને ગુજરાતની 2258 નોકાઓ સુરક્ષિત રીતે બંદરો સુધી પહોંચી ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ બાજુ મળતી માહિતી મુજબ મુંબઈમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં વડાલામાં તોફાનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને રિમઝિમ વરસાદ ચાલુ છે. તોફાનના જોખમ વચ્ચે મુંબઈમાં 5 જગ્યાએ હંગામી શેલ્ટર બનાવવામાં આવ્યા છે. 

અત્યાર સુધીમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકમાં 4 લોકોએ, ગોવામાં 2 અને કેરળમાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અનેક ઝાડ ઉખડી ગયા છે અને ઘરોને પણ નુકસાન થયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post