• Home
  • News
  • ક્રિકેટ / સચિને પણ ચાર દિવસીય ટેસ્ટ મેચનો વિરોધ કર્યો, કહ્યું- વર્તમાન ફોર્મેટમાં બદલાવથી નુકસાન થશે
post

ICCએ થોડા દિવસો પહેલા પાંચની જગ્યાએ ચાર દિવસની ટેસ્ટ મેચનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 09:47:33

સચિન તેંડુલકરે ચાર દિવસીય ટેસ્ટ મેચના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટ સાથે છેડછાડ કરવામાં આવી જોઈએ નહીં. સચિન અનુસાર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વ્યવસાયિક કારણોના લીધે આવું કરવા ઇચ્છતું હશે, પરંતુ તેનાથી ક્રિકેટની મૂળ ભાવનાને નુકસાન થશે. સચિનની પહેલા વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જસ્ટિન લેન્ગર અને શોએબ અખ્તર આનો વિરોધ કરી ચૂક્યા છે. પાંચ દિવસની ટેસ્ટનો ફોર્મેટ 143 વર્ષ પહેલા શરૂ થયો હતો. ICC તેને પાંચની જગ્યાએ ચાર દિવસ કરવા માંગે છે. જોકે વિરોધ કરનાર લોકોને હવે માસ્ટર બ્લાસ્ટરનો પણ ટેકો મળી ગયો છે.

એક દિવસ ઓછો થયો તો સ્પિનર્સને પણ નુકસાન થશે
સચિને કહ્યું કે, " હું ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં બદલાવનું સમર્થન કરતો નથી. તે હંમેશાની જેમ રહેવું જોઈએ. જો તેની સાથે છેડછાડ કરવામાં આવશે તો બીજા દિવસે લંચ સમયે બેટ્સમેન વિચારવા લાગશે કે હવે અઢી દિવસની રમત બાકી છે. તેમજ સ્પિનર્સને નુકસાન થશે. છેલ્લા દિવસે બોલ ટર્ન થતો હોય છે, જેનો ફાયદો સ્પિનર્સને થાય છે. પહેલા બે દિવસે સ્પિનર્સને ટર્ન અને બાઉન્સ મળતો નથી. ફાસ્ટ બોલર્સ તો એમપણ અંતિમ દિવસે બોલિંગ કરવા ઇચ્છતા નથી.

પ્રસ્તાવનું કારણ વ્યવસાયિક છે
સચિન અનુસાર, ICCના પ્રસ્તાવનું કારણ વ્યવસાયિક છે. પ્રસ્તાવ દર્શકોને આકર્ષવા માટે રજૂ કરવામાં આવ્યો છે. પહેલા ટેસ્ટમાંથી વનડે અને T-20 પર આવી ગયા છીએ. હવે T-10 ફોર્મેટ પણ છે. રમતનું મૂળ સ્વરૂપ તો ટેસ્ટ છે. એક ફોર્મેટ તો એવું રહેવું જોઈએ જ્યાં બેટ્સમેનની પ્રતિભા અને ટેકનીકની પરીક્ષા થાય. ઘણી વાર તેમને અઘરી પરિસ્થિતિમાં લાંબી બેટિંગ કરવાની હોય છે.

સારી વિકેટ તૈયાર કરવામાં આવે
ટેસ્ટ અને વનડેમાં સર્વાધિક રન કરનાર સચિને ટેસ્ટ ક્રિકેટમાં સુધારો કરવા સલાહ આપી છે. સચિને કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં સુધારો કરવો હોય તો સારી વિકેટ બનાવવી જોઈએ. પિચ સારી હશે તો મેચ બોરિંગ નહીં થાય. વિકેટ્સ એવી બનવી જોઈએ કે જેમાં બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળે. બેટ્સમેનને લાગવું જોઈએ કે ભૂલ નહીં કરું તો આઉટ નહીં થાવ. જ્યારે બોલરને લાગવું જોઈએ કે, હું બેટ્સમેનને ભૂલ કરવા મજબૂર કરીશ.

ઈરફાન પઠાણે ચાર દિવસીય ટેસ્ટની તરફેણ કરી
ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ચાર દિવસીય ટેસ્ટની તરફેણ કરતા કહ્યું કે, રણજી ટ્રોફીમાં ફોર્મેટ (4 દિવસની રમત)થી રિઝલ્ટ આવે છે, તો ટેસ્ટ ક્રિકેટમાં કેમ નહીં? હું છેલ્લા બે વર્ષથી કહેતો આવ્યો છું કે ચાર દિવસની ટેસ્ટ મેચ રમાવવી જોઈએ. આજકાલ પહેલાની સરખામણીએ ટેસ્ટમાં રિઝલ્ટ વધારે આવે છે, પરંતુ ટેસ્ટને ચાર દિવસની કરવાથી દરેક મેચ પરિણામ લક્ષી થઇ જશે.

adv

Related News

post
post
post
post
post
post
post