• Home
  • News
  • નગા શાંતિ સમજૂતી મુદ્દે તણાવ યથાવત્:નગાલેન્ડના અલગતાવાદી સંગઠને કહ્યું- સમજૂતીની શક્યતા ખતમ; તૂટવાના આરે
post

કેન્દ્રએ પ્રસ્તાવ આપ્યો હતો- નગા ધ્વજ સાંસ્કૃતિક ધ્વજ તરીકે સ્વીકારીશું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-20 11:45:00

ઐતિહાસિક નગા શાંતિ સમજૂતિને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. નગા સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નગાલેન્ડ-ઈસાક મુઈવાહ (એનએસસીએન-આઈએમ)એ કહ્યું છે કે, 2015માં થયેલી શાંતિ સમજૂતિના ડ્રાફ્ટ એગ્રિમેન્ટ હવે દમ તોડી શકે છે. આ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

આ પહેલા સંગઠને રાષ્ટ્રીય સભામાં પણ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નગાલિમના સભ્યો, અધ્યક્ષ ક્યુ ટુક્કુ, ઉપાધ્યક્ષ તોંગમેથ વાંગનાઓ અને મહાસચિવ ટી.એચ. મુઈવાના નેતૃત્વમાં નગાઓના અદ્વિતિય ઈતિહાસ અને નગા રાષ્ટ્રીય સિદ્ધાંતને જાળવી રાખીને તેની રક્ષા કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. આ સંગઠનના નેતાઓના મતે, આ ડ્રાફ્ટ એગ્રિમેન્ટમાં સંગઠનના જુદા ધ્વજ અને જુદા બંધારણની માંગ વિશે કોઈ ઉલ્લેખ નથી, જે હવે નવી કેન્દ્ર સરકાર સાથે બે દસકા લાંબી શાંતિવાર્તામાં વિવાદનો વિષય બની ચૂક્યો છે.

ટુકુ કહે છે કે, ‘રાજકીય ઉકેલના નામે અમે નગા રાષ્ટ્રીય ધ્વજ અને નગા બંધારણને કેવી રીતે જતું કરી શકીએ?’ સૂત્રોના મતે, એવું પણ કહેવાયું છે કે, કેન્દ્રએ પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ નગા ધ્વજને સાંસ્કૃતિક ધ્વજ તરીકે સ્વીકારવા તૈયાર છે, જેને એનએસસીએન-આઈએમએ ફગાવી દીધો છે. સંગઠન ઈચ્છે છે કે, નગાલેન્ડ-નગાલિમ પાસે પોતાનું સાર્વભૌમ ક્ષેત્ર, એક બંધારણ અને એક રાષ્ટ્રીય ધ્વજ પણ હોવો જોઈએ, જેની અંદર બંને સાર્વભૌમત્વ શક્તિ વહેંચાવી જોઈએ.

આ અલગતાવાદી સંગઠનનો દાવો છે કે, 2015ની ફ્રેમવર્ક સમજૂતિમાં તેની સંમતિ છે. એવો પણ દાવો છે કે, કેન્દ્ર તેમની સાથે ફ્રેમવર્ક સમજૂતિમાં સૈદ્ધાંતિક રીતે ગ્રેટર નગાલિમની માંગ સ્વીકારી ચૂકી છે. સૂત્રોના મતે, હવે તેઓ પાછળ હટવા તૈયાર નથી. જોકે, કેન્દ્ર તરફથી અત્યાર સુધી ડ્રાફ્ટ ગુપ્ત રખાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, નગા અલગતાવાદી સંગઠન ભારતને આક્રમણકારી, સમસ્યાનું મૂળ અને નગા વસતીના સમગ્ર વિસ્તારને જુદો દેશ માને છે.

વિવાદનું મૂળઃ નગા સંગઠન સમાંતર સરકાર ચલાવી રહ્યું છે
એનએસસીએન-આઈએમ નગાલેન્ડ અને ભારતને જુદો દેશ માનવાની થિયરીમાં વિશ્વાસ રાખે છે. ગવર્મેન્ટ ઓફ પીપલ્સ રિપબ્લિક ઓફ નગાલિમ (જીપીઆરએન)ના નામે રચાયેલી તેમની સમાંતર સરકારના આદેશો હજુ પણ નગા વસતી ધરાવતા વિસ્તારોમાં અસર કરે છે. આ સંગઠન જબરદસ્તીથી ટેક્સ પણ ઉઘરાવે છે. ફ્રેમવર્ક સમજૂતિમાં તમામ નગા ક્ષેત્રના એકીકરણ માટે નગા લોકોનો કાયદેસરનો હક મનાયો છે. સુરક્ષા દળોની બાજનજરના કારણે અહીં તમામ ઉગ્રવાદી સંગઠનો હજુ મ્યાંમાર અને ચીનની સરહદમાં શરણ લે છે. લોજિસ્ટિક્સ અને બીજી જરૂરિયાતો માટે તેઓ બીજા દેશો પર નિર્ભર છે. નગા સંગઠન નગાલેન્ડથી લઈને આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશના નગા વસતી ધરાવતા વિસ્તારોને જોડીને એક સાર્વભૌમ વૃહત્તર નગાલિમ અને અલગ રાષ્ટ્રીય ધ્વજની માંગ કરી રહ્યું છે.

વારંવાર દોહરાવી રહ્યા છેઃ નગા દેશ અમારી ઓળખ, તેની સાથે બાંધછોડ નહીં
અલગતાવાદી સંગઠનના નેતાઓનું કહેવું છે કે, નગા લોકો સ્વર્ગ અને પૃથ્વીના નિર્માતા ભગવાન દ્વારા નગા સામગ્રી સાથે બનાવાયા છે. તેમને નગાના રૂપમાં જ રહેવું જોઈએ. હુમલાખોર (ભારત) તેને ઓળખે કે નહીં, નગા બધા દેશો જેવો એક દેશ છે. નગા દેશ અમારી ઓળખ છે.

1950થી નગાલેન્ડમાં સશસ્ત્ર સંઘર્ષ ચાલે છે, ચીને તાલીમ-શસ્ત્રો આપ્યા
નગાલેન્ડમાં 1950ના દસકાથી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ 1975માં એક સમજૂતિ પછી સૌથી મોટા નગા વિદ્રોહી જૂથ નગા નેશનલ કાઉન્સિલે આત્મસમર્પણ કર્યું હતું. બીજી તરફ, બીજા જૂથ એનએસસીએન-આઈએમને ચીન તાલીમ અને શસ્ત્રો આપી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post