• Home
  • News
  • એ 6 વેક્સિન, જેની સમગ્ર વિશ્વ ભારે આતુરતાથી રાહ જુએ છેઃ મોટાભાગની વેક્સિન અમેરિકા કે ચીનની લેબમાં બની રહી છે
post

વેક્સિન તૈયાર કરવાની પ્રક્રિયા અટપટી અને ભારે ચોક્સાઈ માંગી લેતી હોવાથી દરેકના સંશોધન હજુ આરંભિક તબક્કામાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 10:24:30

અમદાવાદ: કોરોના મહામારીમાં ફસાયેલા વિશ્વના ભારત સહિતના વિભિન્ન દેશોમાં અત્યારે કોરોનાના મારણ અંગે સંશોધનો થઈ રહ્યા છે. કોરોના સંક્રમણ સામે કારગત નીવડે એવી દવાઓની સમાંતરે કોરોનાનો કાયમી ઈલાજ આપતી રસી શોધવા અંગે પણ દુનિયાભરમાં પ્રયોગો થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં નોંધાયેલા આ પ્રયોગો પૈકી 6 રસી અંગે WHO આશાવાદી છે. 

રસી તૈયાર કરવામાં વિલંબ કેમ

·         સૌ પ્રથમ તો એ સમજવું પડશે કે કોઈપણ રોગની રસી તૈયાર કરવી એ આસાન નથી. કારણ કે તેમાં અનેક તબક્કામાં પરીક્ષણ થતું હોય છે. ક્યારેક રસી તૈયાર કરવામાં વર્ષો લાગી જતાં હોય છે તો ક્યારેક વર્ષોની મહેનત પછી પણ રસી શોધી શકાતી નથી. 

·         હાલમાં જેને વૈશ્વિક માન્યતા મળી છે એ ઈબોલાની રસી શોધવામાં 16 વર્ષ લાગ્યા હતા. જ્યારે ડેન્ગ્યુ કે HIV જેવા રોગમાં દાયકાઓથી પ્રયોગો જારી હોવા છતાં તેનો ઈલાજ હજુ પણ મળ્યો નથી.

·         રસી તૈયાર કરવાનું પહેલું ચરણ લેબોરેટરીમાં સંશોધન સંબંધિત હોય છે. ત્યારબાદ જાનવરો પર તેનો પ્રયોગ કરવામાં આવે છે. જો એ સુરક્ષિત અને રોગ સામે પ્રતિકારક જણાય તો જ માણસ પર તેનો પ્રયોગ થાય છે. 

·         અલબત્ત, એમાં પણ ત્રણ પેટા તબક્કા હોય છે. પ્રથમ બહુ જ મર્યાદિત લોકો પર તેનો પ્રયોગ કરવામાં આવે છે, જે બિલકુલ સ્વસ્થ હોય. બીજા તબક્કામાં સંખ્યા વધુ હોય છે પરંતુ તેમને અન્ય લોકોથી અલગ રાખીને ચકાસણી કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં સંક્રમિતોના શરીર પર પ્રયોગ કરીને વેક્સિનનો ડોઝ નક્કી કરવામાં આવે છે. આ દરેક તબક્કામાં મહિનાઓનો સમય લાગી જતો હોય છે. 

mRNA-1273 વેક્સિન

·         કંપનીઃ મોડર્ન થેરાપ્યુટિક્સ એન્ડ બાયોટેક્નોલોજી, મેસેચ્યુસેટ્સ, અમેરિકા

·         વેક્સિનની પદ્ધતિઃ આ વેક્સિન મેસેન્જર RNA પર આધારિત છે, અર્થાત્ રંગસૂત્રમાં રહેલ રિબોન્યુક્લિઈક એસિડ સાથે જોડાઈને કોરોના વાયરસના સંક્રમણને કાયમ માટે રોકી શકાય એવો પ્રયત્ન છે. 

·         વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કોરોના વાયરસનો જિનેટિક કોડ તૈયાર કર્યો છે, જેના બહુ જ નાના અંશને સંક્રમિત વ્યક્તિના શરીરમાં વેક્સિન સાથે દાખલ કરવામાં આવશે. 

·         અંદાજઃ 8થી 10 મહિના ઓછામાં ઓછા

INO-4800 

·         કંપનીઃ ઈનોવિયો ફાર્માસ્યુટિકલ્સ, પેન્સિલવેનિયા, અમેરિકા

·         વેક્સિનની પદ્ધતિઃ સંક્રમિત વ્યક્તિના શરીરના કોષમાં પ્લાઝ્મિડના માધ્યમથી ડીએનએ ઈન્જેક્ટ કરવામાં આવે, જેથી વાઈરસની સામે એન્ટીબોડી (રોગપ્રતિકારક દ્રવ્યો) ઝડપથી ઉત્પન્ન થવા લાગે. 

·         અંદાજઃ આશરે 6થી 8 મહિના ઓછામાં ઓછા

AD5-nCoV

·         કંપનીઃ કેન્સિનો બાયોલોજિક્સ, ચાઈનીઝ એકેડેમી ઓફ મિલિટ્રી સાયન્સિઝ, ચીન

·         વેક્સિનની પદ્ધતિઃ એડેનોવાયરસ નામના વિષાણુઓના સમૂહનો વેક્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વેક્ટર એટલે એવો એજન્ટ જે કોષિકાઓને ડીએનએ પહોંચાડે છે. તેની મદદથી પ્રોટિન સક્રિય થાય છે અને રોગપ્રતિકારશક્તિ વધે છે. 

·         અંદાજઃ 4થી 6 મહિના ઓછામાં ઓછા

LV-SMENP-DC

·         કંપનીઃ શેન્જેન જીનોઈમ્યુન મેડિકલ ઈન્સ્ટિટ્યુટ, ચીન

·         વેક્સિનની પદ્ધતિઃ એચઆઈવી જેવા રોગો માટે કારણભૂત લેન્ટીવાયરસ દ્વારા તૈયાર કરાયેલી કોશિકાઓની મદદથી શરીરમાં એન્ટીબોડી દાખલ કરાય છે. જે સંક્રમણ સામે આપોઆપ પ્રતિકાર શરૂ કરશે. 

·         અંદાજઃ આશરે 6થી 8 મહિના ઓછામાં ઓછા

VB-COV-9-P

·         કંપનીઃ વુહાન બાયોલોજિકલ પ્રોડક્ટ્સ ઈન્સ્ટિટ્યુટ, ચીન

·         વેક્સિનની પદ્ધતિઃ નિષ્ક્રિય વાયરસના બંધારણમાં એવો ફેરફાર કરવામાં આવે છે જેનાંથી તે બિમારી ફેલાવવાને બદલે સક્રિય વાયરસના પ્રોટિન રેપ્લિકેશનને રોકવા માંડે. રસી તૈયાર કરવાની આ સૌથી જૂની પદ્ધતિ છે. 

·         અંદાજઃ આશરે 8થી 10 મહિના ઓછામાં ઓછા

ChAdOx1

·         જેનર ઈન્સ્ટિટ્યુટ, ઓક્સફર્ડ યુનિ., બ્રિટન

·         વેક્સિનની પદ્ધતિઃ ચિમ્પાન્ઝીના શરીરમાંથી મેળવેલ એડોનાવાયરસના અત્યંત નબળા વિષાણુનો ઉપયોગ થાય છે, જેની બાહ્ય સપાટી પર કોરોના વાયરસ સાથે મેચ થાય એવું પ્રોટિન છે, જેના વડે માનવશરીરમાં સંક્રમણનો પ્રતિકાર કરવાની સક્રિયતા વધે છે. 

·         અંદાજઃ આશરે 8થી 10 મહિના ઓછામાં ઓછા

 

adv

Related News

post
post
post
post
post
post
post