• Home
  • News
  • 64 કેસનો આરોપી જામીન પર હતો, જેના લીધે યુપીએ ભોગવ્યું: CJI
post

યુપીના કાયદા વ્યવસ્થા સામે સુપ્રીમકોર્ટનું કડક વલણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 10:42:14

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે યુપીમાં વધતાં ગુના અંગે મંગળવારે કડક ટિપ્પણી કરી હતી. સીજેઆઈ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ વી.રામાસુબ્રમણ્યમની બેન્ચે એક એવા આરોપીના કેસ પર સુનાવણી કરી હતી જેની સામે 8 ગુનાઈત કેસ ચાલી રહ્યા હતા. સીજેઆઈએ ગેંગસ્ટર વિકાસ દુબેના કેસનો ઉલ્લેખ કરતા આ આરોપીના વકીલને કહ્યું કે તમારો અસીલ એક ખતરનાક વ્યક્તિ છે. અમે તેને જામીન પર મુક્ત ના કરી શકીએ. જુઓ બીજા કેસમાં થયું છે. 64 ગુનાઈત કેસનો આરોપી જામીન પર મુક્ત હતો. જેના લીધે યુપી ભોગવી રહ્યું છે. વિકાસ દુબે કેસ ફક્ત એક ઘટના નથી પણ હવે યુપીની સંપૂર્ણ સિસ્ટમ દાવ પર છે. તેને યાદ રાખો. અરજદારે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન માગ્યા હતા. તેના પર ફરિયાદ પક્ષે કહ્યું કે આરોપી સામે આઠ કેસ એક જ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે એટલા માટે તેને જામીન ન આપવા જોઈએ.

વિકાસ દુબે કેસ- પૂર્વગ્રહના આધારે કોઈને હટાવી ના શકાય
સુપ્રીમકોર્ટે વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ માટે રચાયેલા પંચના સભ્યોમાં ફેરફાર કરવાની માગ કરતી અરજી ફગાવી હતી. સીજેઆઈ બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે અમે પૂર્વગ્રહના આધારે કોઈને પંચમાંથી હટાવી ના શકીએ. અમે હાઈકોર્ટના નિવૃત્ત જજ શશિકાંત અગ્રવાલને હટાવી તેમના સ્થાને અન્ય જજની નિમણૂક કરવાની માગ સાથે સંમત નથી. જ્યારે જો પૂર્વ ડીજીપી કે.એલ.ગુપ્તાએ ઘટના અંગે મીડિયા સમક્ષ કોઈ અભિપ્રાય આપ્યો છે તો તે યોગ્ય નથી. તેમણે જવાબ આપવો જોઇએ. ખરેખર અરજદાર ઘનશ્યામ ઉપાધ્યાયે આરોપ મૂક્યો હતો કે ગુપ્તાએ પોતાના નિવેદનથી પોલીસને ક્લિનચીટ આપી દીધી છે. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ગુપ્તાએ પોતાના નિવેદનમાં ફક્ત એટલું કહ્યું હતું કે આ મામલે તપાસ થવા દો, બધું સામે આવી જશે.

પ્રિયંકા ગાંધીએ યોગીને પત્ર લખી એક વેપારીના અપહરણની શંકા વ્યક્ત કરી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી કહ્યું કે કાયદો વ્યવસ્થામાં સુધારો કરો. પ્રજા પરેશાન છે. કાનપુર, ગોંડા, ગોરખપુરની ઘટનાઓ તમારા ધ્યાનમાં હશે. ગાઝિયાબાદના એક બિઝનેસમેન વિક્રમ ત્યાગી પણ એક મહિનાથી ગુમ છે. તેમના પરિવારને આશંકા છે કે તેમનું અપહરણ થઇ ગયું છે. વારંવાર આગ્રહ કરવા છતાં પોલીસ કોઈ મજબૂત કાર્યવાહી કરી રહી નથી.

માયાવતીએ કહ્યું- યુપીમાં સ્થિતિ સુધારવી હોય તો સીએમ અમારાથી શીખે
બસપા પ્રમુખ માયાવતીએ પણ પત્રકાર પરિષદ કરી કાયદો વ્યવસ્થા અંગે યુપી સરકાર સામે નિશાન તાક્યું હતું. માયાવતીએ કહ્યું કે રાજ્યની કાયદો વ્યવસ્થા કથળેલી સ્થિતિમાં છે. રાજ્યને અપરાધીઓ ચલાવી રહ્યા છે. જો સરકાર સ્થિતિ સુધારવા માગતી હોય તો યુપીના મુખ્યમંત્રીએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના બસપાથી શીખવું જોઈએ. બસપાએ યુપીમાં ચાર વખત શાસન કર્યુ છે, જે દરમિયાન કાયદો વ્યવસ્થા સ્થિર રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post