• Home
  • News
  • શહેરમાં સરેરાશ દર પાંચમો ટેસ્ટ પોઝિટિવ, સતત ચોથા દિવસે 150થી વધુ કેસ, મૃત્યુદર 4.76 ટકા
post

રાજ્યના 29 જિલ્લામાં કોરોનાથી 47 મોત જ્યારે માત્ર અમદાવાદમાં 105 મોતથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:06:39

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં દર 7 દિવસની સરેરાશે કેસનું પ્રમાણ પણ બમણું થઈ રહ્યું છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગે કરેલા કુલ ટેસ્ટમાંથી 19 ટકા સુધી કેસ પોઝિટિવ આવ્યા છે. 12 દિવસ અગાઉ આ દર 6.67 ટકાની આસપાસ હતો. શહેરમાં કોરોનાનો મૃત્યુદર પણ 4.76 ટકાની આસપાસ છે. રવિવારે શહેરમાં સૌથી વધુ 19 લોકોના મોત થયા હતા. જ્યારે  નવા 178 કેસ નોંધાવા સાથે કુલ આંક 2181એ પહોંચ્યો છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 105 લોકોના મૃત્યુ થયા છે.  સતત ચોથા દિવસે શહેરમાં 150થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દર્દીઓ છેલ્લી ઘડીએ આવતાં હોવાથી મૃત્યુદરનું પ્રમાણ વધુ
અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કુલ 2181 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 105 વ્યક્તિના મૃત્યુ થયા છે. કુલ થયેલા મૃત્યુમાં 88 ટકા મોત કો-મોર્બિડ (વિવિધ પ્રકારની મલ્ટિપલ બીમારી હોય) કંડિશન્ડવાળા દર્દીના થયા છે. અડધોઅડધ મૃત્યુ 60 વર્ષથી ઉપરની ઉંમરના છે. જો કે, 50 ટકા મૃત્યુ ચિંતાજનક છે જે 60થી નીચેની વયજૂથ ધરાવતા લોકોના થયા છે. પરંતુ તેમને પણ ડાયાબિટીસ કે હાયપર ટેન્શન જેવી બીમારી હોવાના કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાથી થતાં મોતની ટકાવારી 4.76 ટકા જેટલી છે.

મહત્તમ મોત ત્રણ દિવસની ટૂંકી સારવારમાં થયા
કોરોના પ્રસર્યો ત્યારથી અત્યાર સુધીમાં રવિવારે એક જ દિવસમાં સૌથી વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ એક દિવસમાં 15 મોત થયા હતા.જો કે, મૃત્યુના કારણોમાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે, મોટાભાગના મૃત્યુ છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં દાખલ થતાં લોકોના થયા છે. ઈન્ફેકશન લોડ વધી જાય ત્યારે દર્દીઓ દાખલ થતા હોવાને કારણે મૃત્યુ પામે છે. કોરોનાના સૌથી વધુ ગંભીર લક્ષણો સાતમાંથી અગિયારમાં દિવસે શરીરમાં ફેલાય છે. મહત્તમ મોત માત્ર ત્રણ દિવસની ટૂંકી સારવારમાં થયા છે. જ્યારે 15 લોકોના મૃત્યુ 4થી 20 દિવસની સારવાર પછી થયા છે. જો કે રાજ્યમાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં સૌથી વધુ મોત થતા હોવાને કારણે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયો છે. 

માર્ચમાં 3, એપ્રિલમાં 101 મોત

·         શહેરમાં કોરોનાથી કુલ મૃત્યુની સંખ્યા 104 થઈ છે. એપ્રિલમાં 101 મોત થયા છે.

·         88 ટકા મૃત્યુ પાછળ કો-મોર્બિડ કંડિશન્ડ જવાબદાર હોવાનું હેલ્થ વિભાગનું તારણ.

·         50 ટકા મૃત્યુ 60 વર્ષથી ઉપરની વયજૂથના લોકોના થયા છે. 

·         શહેરમાં પોઝિટિવ સંખ્યાની તુલનામાં મોટાલિટી રેટ 4.76 ટકા થઈ ગયો છે.

જમાલપુર એપી સેન્ટરઃ જમાલપુર વોર્ડમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સૌથી વધુ મૃત્યુ 30 જેટલા મૃત્યુ માત્ર આ એક જ વોર્ડમાં થયા છે.

દર 10 લાખે 3300 ટેસ્ટ સાથે અમદાવાદ દેશમાં પ્રથમ નંબરે
કોરોનાના ટેસ્ટિંગમાં દેશમાં અમદાવાદ શહેર પ્રથમ નંબરે છે. દર 10 લાખની વસતીએ  અમદાવાદમાં 3300 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. જે દિલ્હીની સરખામણીએ 3 ગણા વધુ છે. િદલ્હીમાં 1100 જેટલા ટેસ્ટ થાય છે. અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનામાં કુલ 20028 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1989 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે 17,240 કેસ નેગેટિવ મળ્યા છે. રેપિડ એન્ટિ બોડી ટેસ્ટમાં પણ હાલમાં 1743 ટેસ્ટ થયા છે. જેમાંથી 13 પોઝિટિવ મળ્યા છે. શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવતા પોઝિટિવ કેસની સંખ્યામાં પણ અધધધ વધારો થયો છે. હજુ પણ મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને સેમ્પલો લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 70 ટકા કેસ એવા છે કે જેમને કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો નથી. પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હજુ પણ મ્યુનિ. આ સ્ટ્રેટેજીથી કેસો શોધી રહ્યું છે.

શહેરમાં 10 દિવસમાં પોઝિટિવ કેસનો દર ત્રણ ગણો વધી ગયો
એપ્રિલ મહિનાની 13મીથી 23 સુધી એમ કુલ 10 દિવસમાં પોઝિટિવ કેસનો દર 6.67 ટકાથી વધી 19.13 ટકા સુધી પહોંચ્યો છે. જો કે, છેલ્લા બે દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા સ્થિર થઈ હોવાનો દાવો મ્યુનિ. હેલ્થ વિભાગે વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં 17 માર્ચથી કોરોનાના કેસની શરૂઆત થઈ હતી. એપ્રિલની સરખામણીમાં માર્ચ મહિનાના કેસમાં ઘટાડો હતો. પરંતુ ત્યારબાદ લોકલ ટ્રાન્સમિશન ખૂબ જ વધી જતાં એપ્રિલથી કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. દિલ્હીમાં મરકજમાંથી આવીને કોટ વિસ્તારમાં જુદી જુદી મસ્જિદમાં રહેલા લોકોને કારણે સંક્રમણ વધી ગયું હતું. છેલ્લા 10 દિવસમાં પોઝિટિવ કેસના રેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પરંતુ તે ચિંતાજનક હોવાનું તબીબોનું કહેવું છે. 15 એપ્રિલે સૌથી વધુ 19.13 ટકા પોઝિટિવ કેસનો દર નોંધાયો હતો. જ્યારે 20 એપ્રિલે 17.72 ટકા અને 21 એપ્રિલે 15.56 ટકા થયો હતો. કેસની સંખ્યા પ્રમાણે આ ટકાવારી  કાઢવામાં આવી હતી.  મ્યુનિ. કમિશનર વિજય નેહરાના કહેવા પ્રમાણે શહેરમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ 8 દિવસનો ચાલી રહ્યો છે. અર્થાત્ દર 8 દિવસે શહેરમાં કેસની સંખ્યામાં ડબલગણો વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહ પહેલાં આ રેટ 4 દિવસનો હતો. પરંતુ છેલ્લા 3 દિવસમાં કેસની સંખ્યા સ્થિર થઈ છે અને વત્તા-ઓછા પ્રમાણમાં વધારો ઘટાડો થઈ રહ્યો હોવાને કારણે ડબલિંગ રેટ 8 પર સ્થિર થયો છે. હજુ પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ડબલિંગ રેટ 12 દિવસનો લાવી શકાય. જો આ રેટ આવે તો આગામી દિવસમાં કેસની સંખ્યા ઓછી થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post