• Home
  • News
  • બેદરકારી / રાજકોટ-અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઓક્ટો.થી વધવા લાગ્યો હતો, છતાં આરોગ્ય તંત્ર ઊંઘતુ રહ્યું!
post

બંને સિવિલ હોસ્પિ.માં ઓક્ટો.થી ડિસે.-19 દરમિયાન 522 નવજાત શિશુના મોત થયા પછી તંત્રની આંખ ઉઘડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 08:37:11

અમદાવાદઃ રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં ગત ડિસેમ્બર મહિનામાં 219 નવજાત શિશુના મોત થવા મામલે અત્યારે સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચ્યો છે. દેશભરમાં વિકાસનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં નવજાત શિશુઓની આવી દુર્દશાના આંકડાએ સહુને હચમચાવી દીધા છે. પરંતુ તેના કરતાય વધુ આઘાતજનક બાબત છે કે રાજકોટ અને અમદાવાદમાં નવજાત શિશુનો મૃત્યુઆંક વધવાની શરૂઆત તો ઓક્ટોબરથી થઈ ચૂકી હતી. ગત વર્ષ 2019ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ માસના ગાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 269 અને અમદાવાદ સિવિલમાં 253 મળીને કુલ બંને હોસ્પિટલમાં ઓછામાં ઓછા 522 નવજાત શિશુના મોત થઈ ચૂક્યા છે.



ઓક્ટો.-19માં રાજકોટમાં 87, અમદાવાદમાં 91 શિશુના મોત થયા હતા :

ખુદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતા જણાવી ચૂક્યા છે કે, ગત ઓક્ટોબર-2019માં રાજકોટની સરકારી હોસ્પિટલમાં 87ના મોત થયા હતા. જ્યારે અમદાવાદના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડે કબૂલાત કરી હતી કે, ઓક્ટોબર-19 દરમિયાન અમદાવાદ સિવિલમાં પણ 91 નવજાત શિશુના મોત થયા હતા. આમ, જોઈએ તો નવજાત શિશુના ઊંચી સંખ્યામાં મોતનો સિલસિલો ત્રણ મહિના પહેલાથી શરૂ થઈ ચૂક્યો હતો. પરંતુ છેવટ સુધી રાજ્યનું આરોગ્ય તંત્ર નિદ્રાધીન અવસ્થામાં રહ્યું અને બાળકો મરતા રહ્યા, આંકડો વધતો રહ્યો.



નવેમ્બરમાં બંને શહેરમાં 145 નવજાતના મોત, છતાં કોઈના પેટનું પાણી હલ્યું :

સરકારી આંકડાઓ જોઈએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર- 2019 દરમિયાન 71 નવજાત શિશુના મોત થયા હતા. જ્યારે સમયગાળા દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આંક 74 બાળકોના મોતનો હતો. હદે પરિસ્થિતિ વણસી હોવા છતાં આરોગ્ય વિભાગ કે બંને સિવિલ હોસ્પિટલના સત્તાવાળામાંથી કોઈના પેટનું પાણી હાલ્યું નહોતું. નવેમ્બરમાં પણ આટલા મોટા મૃત્યુઆંક તરફ નજર નાંખી હોત તો રાજ્ય સરકાર પાસે આટલી મોટી સંખ્યામાં શિશુઓના મોત અટકાવવા પગલાં ભરવાનો પૂરતો સમય હતો.



ગુજરાત સરકાર કહે છે, બહારના રાજ્યોમાંથી કૂપોષિત બાળકોના ધાડા ઉમટે છે :

ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં નવજાત શિશુના મોત થવા બાબતે રાજ્ય સરકારને તો હજી પણ પોતાનામાં કોઈ ખામી દેખાતી નથી. ગુજરાત સરકાર ઊલટાનો દાવો કરે છે કે, કૂપોષણથી આટલી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ થાય છે. જ્યારે આમાંના મોટાભાગના મૃતક બાળકો બહારના રાજ્યોમાંથી સારવાર માટે અહીં આવનારા હોય છે. બહારના રાજ્યોમાંથી દર વર્ષે હજારો નવજાત શિશુને લઈને તેમના મા-બાપના ધાડેધાડા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા અને ઈલાજ કરાવવા આવે છે. આમાંના મોટાભાગના બાળકો જન્મથી કૂપોષિત હોવાથી તેઓ જીવી શકતા નથી, એવું રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post