• Home
  • News
  • સુરતમાં ફરી ભીષણ આગ:દ્વારકા હાઉસમાં સાડીઓના જથ્થામાં આગથી 3 કરોડથી વધુનું નુકસાન, બાજુનું કાબરા હાઉસ પણ લપેટમાં; ફાયરની 17 ગાડીઓએ 5 કલાકે આગ પર કાબૂ મેળવ્યો
post

દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 12:06:19

શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસ (તૈયાર કરેલો સાડીનો જથ્થો સંગ્રહ કરવાનું સ્થળ)માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર દોડતું થઈ ગયું હતું. સાત ફાયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને 5 કલાકમાં જ ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં સફળ રહી હતી. જોકે આ આગમાં 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર ઓફિસર પરીખે જણાવ્યું છે. એટલું જ નહીં, પણ આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યા બાદ સળગી ગયા હતા. આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે.

ધડાકાનો અવાજ સંભળાયો હતોઃ નજરે જોનાર
દીપકભાઇ (પૂઠાના વેપારી) એ જણાવ્યું હતું કે રાત્રે મારો માલ આવ્યો હતો, જેની ડિલિવરી લેતા હતા. અચાનક એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો, દોડીને ગયા તો દ્વારકા હાઉસમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી. તાત્કાલિક ફાયર અને વીજ કંપનીને ફોન કરીને જાણ કરી. ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ પાર્કિગમાં પાર્ક સાડી ભરેલા બે ટેમ્પા પર પડતાં બન્ને ટેમ્પા મારી નજર સામે જ બળી ગયા હતા. ત્યાર બાદ ફાયર ગાડી આવે એ પહેલાં બાજુનું કાબરા હાઉસ આગની લપેટમાં આવી ગયું હતું. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર ગાડી દોડી આવતાં ખૂબ જ મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.

7 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે રવિવારની મધરાત્રે લગભગ સવાબે વાગ્યાના અરસામાં ફાયર વિભાગને કોલ મળ્યો હતો. બેગમપુરામાં ગ્રાઉન્ડ સાથેના 3 માળ ભડભડ સળગી રહ્યા હોવાની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગના 7 ફાયર સ્ટેશનની 17 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં દ્વારકા હાઉસમાં ગ્રાઉન્ડ સાથે 3 માળ અને ટેરેસ ભડભડ સળગી રહ્યા હતા. આગ એટલી ઉગ્ર હતી કે તમામ ફાયરફાઇટરના જવાનોએ એકસાથે પાણીનો મારો ચલાવતા 5 કલાકે આગ કાબૂમાં આવી હતી.

આગમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ
વધુમાં ઉમેર્યું હતું કે દ્વારકા હાઉસની આગની લપેટમાં સાડી ભરેલા બે ટેમ્પા અને બાજુના કાબરા હાઉસના બે માળ પણ આવી ગયા હતા, જેને લઈ બન્ને હાઉસમાં અને ટેમ્પામાં મૂકેલો સાડીઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 3 કરોડથી રૂપિયાનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે.જોકે, આ આંકડો વધવાની શક્યતાઓ છે. આગને કાબૂમાં લીધા બાદ તપાસ કરતાં દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post