• Home
  • News
  • ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા:કોરોનાને કાબુમાં લેવા હવે સરકાર વેક્સિનેશન માટેનો એકશન પ્લાન ઘડી રહી છે, મહાનગરો અને જિલ્લાના વડાઓને સૂચના અપાઈ
post

ચૂંટણી પ્રચારમાં સુપર સ્પ્રેડેર બનેલા રાજકારણીઓને અટકાવ્યા નહીં, અને હવે પ્રજા અને અધિકારીઓ પર જોર લગાવતી સરકાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-15 10:56:46

રાજયભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પ્રચાર દરમ્યાન કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન બાદ મહાનગરોમાં કોરોનાના કેસોના થઈ રહેલા વધારા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, અગ્રસચિવ કે.કૈલાસનાથન, મહેસુલ સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓએ કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી અને મહાનગરના કમિશ્નર તેમજ કલેકટરોને કોઈપણ ભોગે કોરોનાના કેસો વધતા અટકાવવાની સાથે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી. તેની સાથે વેક્સિનેશન માટેનો એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

વેક્સિનેશનનો એક્શન પ્લાન ઘડાશે
ગુજરાતના શહેર અને જિલ્લામાં હાલમાં સરકારી, ખાનગી હોસ્પીટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે તેનો વ્યાપ વધારવા ટુંક સમયમાં એક એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં કોરોના રસીકરણની ઝુંબેશ વધુ વેગવંતી કરવા ખાસ કાર્યક્રમો કરવા માટે આશાવર્કરો, આંગણવાડી વર્કરો, ફીમેલ હેલ્થવર્કરો સહિતનાને કામે લગાડવાની તૈયારી શરુ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

સરકારે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી
રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાના કેસો જાન્યુઆરી માસમાં સિંગલ ડીઝીટમાં આવી ગયા બાદ ફરી કોરોનાએ ફુંફાડો માર્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજયભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગત માર્ચ માસમાં 18મી તારીખે ગુજરાતનો સૌ પ્રથમ કોરોના કેસ રાજકોટ અને સુરતમાં આવ્યા બાદ માર્ચ માસમાં ફરી કોરોના વકરે નહી તે મુદે મુખ્યમંત્રી સહીત ટોચના અધિકારીઓ સતત ચિંતીત થયા છે. તાજેતરમાં જ રાજયના ચાર મહાનગરના જીલ્લા કલેકટરો અને કમિશ્ર્નરો સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોના કેસ અટકાવવા માટે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી.

દર્દીઓની સારવારમાં કચાશ નહીં રાખવા સૂચના
રાજ્ય સરકારે અધિકારીઓને સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં બેડની સગવડતા ઉપલબ્ધ કરાવવા અને દવા તેમજ સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે આકરી ભાષામાં સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્ચ થી જૂન મહિના સુધીમાં કોરોનાના કેસો કાબુમાં રહે સાથોસાથ છેલ્લા બે માસથી દેશભરમાં કોરોના વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. તે મુદે પણ ચર્ચા કરી હતી. લોકોને કોરોના વેકસીન ઝડપભેર લેવા માટે સમજુત કરવાની પણ સૂચના આપી શહેરી પ્રજામાં કોરોના વેક્સિનેશન સરળતાથી લોકોને મળી રહે તે મુદે વેક્સિનેશન સેન્ટર વધારવા અને આમ પ્રજાજનો વધુ પ્રમાણમાં વેકસીન લેવા આવે તે માટે તમામ જરૂરી સગવડતાઓ ઉપલબ્ધ કરવાની સૂચનાઓ આપી હતી.

જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા વિગતો માંગી
ટોચના સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે હાલમાં 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ 45થી 60 વર્ષ વચ્ચેની કોમોર્બીડ વ્યક્તિઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે તેમાં તમામ વ્યક્તિઓને આવરી લેવા માટે અર્બન હેલ્થકેર સેન્ટરો, ખાનગી હોસ્પીટલો, સરકારી દવાખાના સહિતના અન્ય સેન્ટરો પણ શરુ કરવા મુદે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાના મુદે પણ વિગતો માંગી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 ડિસેમ્બર બાદ ફરી 810 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ નોંધાયા છે. આમ કોરોના મામલે ગુજરાત 76 દિવસ પાછું ધકેલાયું છે. જેને પગલે રાજ્ય દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાય રહ્યું છે.આ 24 કલાક દરમિયાન 586 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,424 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 96.82 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 22 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને હાલ 4422 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં 24 કલાકમાં 57, 194 લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 57, 194 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા 42,849 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 19 લાખ 77 હજાર 802 લોકોને પ્રથમ ડોઝ અને 5 લાખ 635 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post