• Home
  • News
  • 'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો
post

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મના અનેક સીન સામે વાંધો પ્રગટ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 18:18:22

મુંબઈ: પ્રભાસ, સૈફ અલી ખાન તથા ક્રિતિ સેનની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર બીજી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અલગ અલગ પાત્રોના લુક જોયા બાદ ફિલ્મનો બોયકોટ કરવાની માગણી થઈ છે. સો.મીડિયા યુઝર્સે ફિલ્મ તથા કેરેક્ટર્સને ટ્રોલ કર્યા છે અને આક્ષેપ કર્યો છે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવ્યાં છે.

સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણ બન્યો છે અને લુક અંગે ભાજપ, હિંદુ મહાસભા તથા યુઝર્સે ગુસ્સો ઠાલવ્યો છે. અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું, 'ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ 'આદિપુરુષ'માં સૈફ અલી ખાનને એ રીતે બતાવવામાં આવ્યો છે, જાણે કે તે આતંકી ખિલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ હોય. માથા પર ના તિલક કે ના ત્રિપુંડ છે. આપણાં પૌરાણિક પાત્રો સાથે છેડછાડ સહન થશે નહીં.'

મધ્યપ્રદેશના હોમમિનિસ્ટરે પત્ર લખ્યો
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મના અનેક સીન સામે વાંધો પ્રગટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં હિંદુ ધર્મની આસ્થા પર વજ્રાઘાત તથા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતા અનેક આપત્તિજનક સીન્સ છે. આ અંગે તેઓ ફિલ્મના પ્રોડ્યૂસર ઓમ રાઉતને પત્ર લખીને આપત્તિજનક સીન્સ હટાવવાનું કહે છે. જો સીન્સ હટાવવામાં નહીં આવ્યા તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે.

ભાજપની પ્રવક્તા પણ ભડકી
આ ઉપરાંત ભાજપ પ્રવક્તા તથા માલવિકાએ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'વાલ્મીકિના રાવણ, ઈતિહાસના રાવણ, લંકાધિપતિ, મહાશિવના ભક્ત 64 કળામાં માહેર હતા. તેમણે 9 ગ્રહોને પોતાના પગ તળે રાખ્યા હતા. થાઇલેન્ડના લોકો કેટલી સુંદરતાથી રામાયણ માટે નૃત્ય કરે છે. પછી આ કાર્ટૂન બનાવવાની શી જરૂર હતી. હું માનું છું કે આ તૈમુરના પિતા છે. બોલિવૂડના લોકો કેટલા મૂર્ખ છે. થોડું પણ સંશોધન કરી શકે તેમ નથી.'

સો.મીડિયામાં #Disappointingadipurush ટ્રેન્ડ થયું
'
આદિપુરુષ' રામાયણ પર આધારિત છે. ટીઝર જોઈને યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં સૈફે રાવણનો નહીં, પરંતુ મુઘલ શાસકનો રોલ પ્લે કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયામાં #SAIF અને #Disappointingadipurush ટ્રેન્ડ થયું છે.

રામે પાદુકાને બદલે ચંપલ પહેર્યાં
યુઝર્સે કહ્યું હતું કે રામને મૂછો નહોતી તો ફિલ્મમાં કેમ બતાવવામાં આવી? એક સીનમાં શ્રીરામ ચંપલ પહેરેલા જોવા મળે છે. આ અંગે પણ યુઝર્સે સવાલ કર્યો હતો કે શ્રીરામ ચંપલ નહીં, પરંતુ લાકડાની ચાખડી પહેરતા હતા.

હનુમાનજીને ચામડાનો પટ્ટો પહેરાવ્યો
ફિલ્મમાં દેવદત્ત નાગેએ હનુમાનનો રોલ ભજવ્યો છે. શરીર પર ચામડાનો પટ્ટો હોવાથી તે પણ ટ્રોલર્સના નિશાને છે. સો.મીડિયા યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું હતું અને અત્યાર સુધીનું સૌથી નબળું હનુમાનનું પાત્ર હોવાનું કહ્યું હતું.

સીતાની સાડીના રંગ પર પણ વિવાદ
યુઝર્સને સીતા બનેલી ક્રિતિનાં કપડાં પણ ગમ્યાં નથી. ટીઝરમાં તે લાઇટ પર્પલ રંગની સાડી, મેકઅપ તથા જ્વેલરીમાં જોવા મળે છે. યુઝર્સે કહ્યું હતું કે સીતા કેસરિયા રંગનાં કપડાં પહેરતાં હતાં.

ફિલ્મના VFX સામે પણ વાંધો
ટ્રોલર્સ ફિલ્મના VFXથી પણ ઇમ્પ્રેસ નથી. યુઝર્સે કહ્યું હતું કે આ કોઈ કાર્ટૂન કે એનિમેશન મૂવી કરતાં પણ ખરાબ છે. ત્યારબાદ અજય દેવગનની કંપનીએ ચોખવટ કરતી એક પોસ્ટ શૅર કરી હતી. ટ્રેડ એનાલિસ્ટે કંપનીનું નિવેદન શૅર કર્યું હતું. કંપનીએ કહ્યું હતું, 'લીડિંગ VFX સ્ટૂડિયો, VFXwaala ચોખવટ કરવા માગે છે કે અમે 'આદિપુરુષ'ના CG કે સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ કર્યું નથી અને ના તો આના પર કામ કરીએ છીએ. અમે આ વાત એટલા માટે કહીએ છીએ, કારણ કે કેટલાંક મીડિયાએ અમને આ અંગે સવાલ કર્યો હતો.'

આવતા વર્ષે ઉત્તરાયણ પર રિલીઝ થશે
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી 'આદિપુરુષ' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post