• Home
  • News
  • આંદોલન ‘જીવી’ ગયું:પંજાબ નગર નિગમ ચૂંટણીમાં 7 નગર નિગમ અને 109 નગર પરિષદમાં કોંગ્રેસની પ્રચંડ જીત; ભાજપ, અકાલી, આપનો સફાયો
post

સની દેઓલની બેઠક પર ભાજપનું ખાતું પણ ખૂલ્યું નહીં, તમામ 29 બેઠકો કોંગ્રેસે જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 10:08:55

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત જીત હાંસલ કરી છે. 2022માં થનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણાતી સાત મ્યુનિસિપલ કાઉન્સિલ, 109 મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. અકાલી દલ, ભાજપ અને આપના દાવા પોકળ સાબિત થયા છે. કોંગ્રેસે સાતેય નિગમમાં જીત મેળવી છે. આ પરિણામોમાં ખેડૂત આંદોલનની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. મ્યુનિ. કાઉન્સિલના 1815 વૉર્ડમાંથી કોંગ્રેસે 1199 બેઠક પર જીત મેળવી છે, જ્યારે અકાલી દલના ભાગે ફક્ત 289 બેઠક આવી છે. એવી જ રીતે, ભાજપને 38, આપને 57, બસપાને 13, સીપીઆઈને 12 અને અપક્ષોને 203 બેઠક મળી છે. આમ, આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની જીતનો આંકડો ભાજપ અને આપથી પણ મોટો છે.

મ્યુનિ. કોર્પોરેશનના કુલ 350 વૉર્ડમાં કોંગ્રેસના 281 ઉમેદવાર જીત્યા છે, જ્યારે અકાલી દલના 33, ભાજપના 20, આપના 9 અને અપક્ષે સાત બેઠક જીતી છે. આ ચૂંટણીઓમાં .કુલ 2165 બેઠકમાંથી કોંગ્રેસે 68.3%, અકાલી દલે 14.87%, ભાજપે 2.67%, આપે 3.04% અને અપક્ષોએ 9.69% બેઠક જીતી છે. નોંધનીય છે કે, પંજાબમાં આઠ કોર્પોરેશન, 109 કાઉન્સિલ-પંચાયતો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જેમાં 2302 વૉર્ડમાં કુલ 9222 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 71.39% મતદાન થયું હતું.

પંજાબમાં ટ્રેન્ડ, આંદોલન અને એનડીએની ફૂટનો કોંગ્રેસને ફાયદો મળ્યો
પંજાબમાં હમેશા ટ્રેન્ડ રહ્યો છે કે રાજ્યમાં જેની સરકાર હોય છે તે જ ફાયદામાં રહે છે. ગઇ વખતે ભાજપ અને અકાલી દળની સંયુક્ત સરકાર હતી ત્યારે તે વિવિધ ચૂંટણીઓમાં ફાયદામાં રહી હતી. આ વખતે કોંગ્રેસની સરકાર છે. આ ઉપરાંત ખેડૂત આંદોલનના કારણે ભાજપ વિરુદ્ધ ગુસ્સો પણ છે જ્યારે એનડીએમાંથી અકાલી દળ અલગ થતાં તેમની મત બેન્ક પણ વહેંચાઈ ગઈ છે. આમ, સત્તા વિરોધી મત વહેંચાઈ જવાનો સીધો ફાયદો કોંગ્રેસની અમરિન્દર સરકારને મળ્યો.

સન્ની દેઓલના વિસ્તારમાં પણ ભાજપના સુપડાં સાફ
અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસે 200થી વધારે વોર્ડ સીટ પર જીત મેળવી લીધી છે અને ઘણી સીટ પરથી આગળ ચાલી રહી છે. જ્યારે સન્ની દેઓલના સંસદીય વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે. સન્ની દેઓલના સંસદીય વિસ્તાર ગુરુદાસપુરથી કોંગ્રેસે સ્ટ્રાઈક કરી દીધી છે. ગુરુદાસપુરની દરેક 29 સીટ પર ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, અહીં ખેડૂત આંદોલન દરમિયાન સન્ની દેઓલનો પણ ખૂબ વિરોધ થયો હતો. જ્યારે 26 જાન્યુઆરીએ હિંસાના મુખ્ય આરોપીમાંથી એક દિપ સિદ્ધુ સાથેની તેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા પછી સન્ની દેઓલે ખુલાસો કરવો પડ્યો હતો કે, દીપ સાથે તેના કોઈ પારિવારિક સંબંધો નથી.

નગર નિગમની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની અસર
નોંધનીય છે કે આ વખતે નગર નિગમની ચૂંટણીમાં ખેડૂત આંદોલન છવાયેલું રહ્યું હતું. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ પંજાબથી જ શરૂ થયો હતો. અહીં અકાલી દળ અને ભાજપનો પણ ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં 14 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થઈ હતી. તેમાં અંદાજે 71 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં 9222 ઉમેદવારો હતા.
રાજ્યમાં સૌથી વધારે ઉમેદવારો અપક્ષના હતા. જ્યારે રાજકીય પક્ષોમાં સૌથી વધારે ઉમેદવારો કોંગ્રેસના 2037 હતા. જ્યારે અહીં બીજેપીએ માત્ર 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા. પંજાબમાં વર્ષ 2022માં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી આ સંજોગોમાં નગર નિગમના પરિણામો ખૂબ મહત્વના માનવામાં આવે છે.

ભટિંડામાં કોંગ્રેસની જીત
કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આવું અંદાજે 53 વર્ષ પછી થયું છે કે જ્યારે ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીનો મેયર બનશે. આ પહેલાં ભટિંડા નગર નિગમમાં શિરોમણી અકાળી દળનો કબજો હતો.

કૃષિ કાયદા માટે મોદી સરકાર સંબંધ તોડ્યા પછી પણ પોતાનો ગઢ ન બચાવી શક્યા હરસિમરત કૌર
કૃષિ કાયદા માટે મોદી સરકાર સાથે સંબંથ તોડનાર હરસિમરત કૌર પણ તેમનો ગઢ બચાવી શક્યા નથી. ભટિંડા નગર નિગમ ચૂંટણીમાં 50 સીટોના પરિણામ આવી ગયા છે. જેમાંથી 43 સીટ પર કોંગ્રેસને જીત મળી છે.અહીં સાત સીટો પર જ અકાલી દળની જીત થઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તેમનું ખાતું ખોલી જ નથી શકી. આ સિવાય વોર્ડ નંબર-1થી નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલના ખાસ કોંગ્રેસ નેતા ટહલ સિંહ સંધૂની પત્ની મનદીપ કૌરને 25 વોટથી હરાવીને અકાળી દળના ઉમેદવાર અમનદીપ કૌર વીજેતા બન્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post