• Home
  • News
  • કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકી બનતા યુવાનોની સંખ્યા ઘટી
post

સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં દાવો- દર મહિને સરેરાશ 14થી ઘટીને 5 થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 08:53:26

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી ગત ઓગસ્ટમાં કલમ 370 હટ્યા બાદથી યુવાનો આતંકી બન્યાની ઘટનાઓમાં ઝડપભેર ઘટાડો થયો છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં દાવો કરાયો છે. કલમ 370 હટ્યા પહેલાની અને પછીની સ્થિતિની સરખામણી કરીને રિપોર્ટમાં જણાવાયું છે કે ઓગસ્ટ, 2019થી દર મહિને સરેરાશ 5 સ્થાનિક યુવકો આતંકી સંગઠનોમાં જોડાયા જ્યારે તે અગાઉ દર મહિને સરેરાશ 14 યુવાનો આતંકી બનતા હતા.


આતંકીઓના જનાજામાં મોટી ભીડ ઉમટતી હતી
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે અગાઉ સુરક્ષા દળો સાથે અથડામણમાં માર્યા જતા આતંકીઓના જનાજામાં મોટી ભીડ ઉમટતી હતી, જે ઘણી વાર તો 10 હજારથી વધુ રહી. તેના કારણે યુવાનો આતંકી બનવા માટે પ્રેરાતા હતા પણ સ્થિતિ હવે બદલાઇ છે. હવે સંબંધીઓ, પરિચિતો સિવાય ગણ્યાગાંઠ્યા લોકો આતંકીઓના જનાજામાં પહોંચે છે.


370
અંગે ઉશ્કેરણીજનક નિવેદનો બદલ ઓમર, મહેબૂબા મુફ્તીની અટકાયત: કેન્દ્ર સરકાર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લાને જન સુરક્ષા કાયદા (પીએસએ) હેઠળ અટકાયતમાં રાખવાનું કારણ આપ્યું છે. મંત્રાલયના ડોઝિયરમાં જણાવાયું છે કે ઓમરે કલમ 370 અને 35- અંગે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા. તેમનામાં એવી ક્ષમતા છે કે તેઓ અલગતાવાદીઓ, આતંકીઓના ચૂંટણી બહિષ્કાર છતાં લોકોને મતદાન કેન્દ્ર સુધી આવવા પ્રેરિત કરી શકે છે. તેઓ લોકોમાં ઉન્માદ પેદા કરી શકે છે. પોલીસે તેમના પર પીએસએ જરૂરી ગણાવ્યો છે. બીજી તરફ મહેબૂબા સામે રાષ્ટ્રવિરોધી ટિપ્પણીઓ અને પ્રતિબંધિત અલગતાવાદી સંગઠનોનું સમર્થન કરવા બદલ પીએસએ લગાવાયો છે.


અફઝલની વરસી પર કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ 8 કલાક બંધ રહ્યું
વર્ષ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલાના દોષિત અફઝલ ગુરુની વરસી પર વહીવટીતંત્રએ કાયદા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી. જોકે, 8 કલાક બાદ તે પૂર્વવત્ કરી દેવાઇ. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સે અફઝલની વરસી પર કાશ્મીર બંધનું આહ્વાન કર્યું છે. તદુપરાંત, પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પણ બંધનું એલાન આપ્યા બાદ રોક લગાવાઇ હતી. કાશ્મીરમાં 9 અને 11 ફેબ્રુઆરીએ બંધનું એલાન અપાયું છે. એલાન બાદ પોલીસે ખીણમાં હિંસા ભડકાવવા અને કાયદા-વ્યવસ્થાનો ભંગ કરીને જેકેએલએફ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી લીધી છે. તદુપરાંત, 11 ફેબ્રુઆરીએ નેશનલ લિબરેશન ફ્રન્ટના સંસ્થાપક મકબૂલ ભટ્ટની પણ વરસી છે, જેના કારણે તે દિવસે પણ બંધનું એલાન અપાયું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post