• Home
  • News
  • ગુજરાત કોંગ્રેસના મૂળીયા હલી ગયા:પુત્રની ટિકિટ માટે 50 વર્ષે પિતાનો પક્ષ પલટો, આદિવાસી મતો કબજે કરવા ભાજપનો મોટો દાવ
post

કોંગ્રેસમાંથી ગુજરાતના સિનિયર નેતા એવા મોહનસિંહ રાઠવાના રાજીનામાંથી છોટાઉદેપુર પંથકની આદિવાસી બેઠકો પર કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 17:39:30

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ હવે જામી રહ્યો છે. અત્યારસુધી તો ઉમેદવારો માટે જ જ્ઞાતિના સમીકરણો લાગતા હતા, પરંતુ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે તો પોતાના સમાજ માટે મુખ્યમંત્રીપદની જ ઈચ્છા જાહેર કરી છે. તો બીજીતરફ ચૂંટણી પહેલા કોંગેસને મોટો ઝટકો લાગ્યો છે. 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. અને કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા. તેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા જેમાંથી તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આગાઉ છોટા ઉદેપુરના ધારાસભ્ય અને રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી હતી. સાથે સાથે યુવાનોને તક આપવાની પણ વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યો. જેમાંથી 10 વખત જીત્યો છું. જેતપુર પાવી, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાનાં મતદારો મને ગુજરાતની વિધાનસભામાં સૌથી વધારે વખત જીતાડીને લાવ્યા છે. હવે મારી 79 વર્ષની ઉંમર થઈ છે.

તેમણે કહ્યું કે, હવે એવા યુવા નેતાઓની જરૂર છે જે ગામડે ગામડે જઈ શકે, લોકો માટે દોડી શકે. તેમણે કહ્યું કે, છોટા ઉદેપુર તાલુકાના 3 ગામોમાં નાના બાળકોને પ્રાથમિક શાળામાં જવા માટે કોઈ રસ્તો નથી, મેં આ અંગે વિધાનસભામાં અનેક વખત માંગણી કરી છે. પરંતુ હવે જ્યારે નવા યુવા ઉમેદવારો તૈયાર છે અને બાકીના પ્રશ્નોના ઉકેલ સાથે આવ્યા છે, ત્યારે મને લાગે છે કે યુવાનોને તક આપવી જોઈએ.

છોટાઉદેપુર ગુજરાત ચૂંટણીમાં હંમેશાથી મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. જેમાં 'રાઠવા ત્રિપુટી'નો દબદબો રહ્યો છે. આ મોટા ગજાના નેતા એટલે મોહનસિંહ રાઠવા, નારણ રાઠવા અને સુખરામ રાઠવા. આ ત્રણેય નેતા અત્યારસુધી ખૂબ જ મહત્ત્વના પદ પર પણ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં ટિકિટની વહેંચણી થઈ રહી છે, તેમ-તેમ આમાં હવે રાજકીય ગરમાવો વધતો જાય છે. મોહનસિંહ રાઠવા અને નારણસિંહ રાઠવાની નજર હવે તેમના દિકરાઓ ઉપર છે. તેઓ હવે તેમના પુત્રને ટિકિટ મળે તે ઇચ્છી રહ્યા છે. નારણસિંહ રાઠવા હાલ રાજ્યસભાના સાંસદ છે, ત્યારે તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થઈ રહ્યો છે. તેના કારણે હવે તેઓ પોતાના પુત્રને આગળ લાવવા માગે છે. તો બીજી બાજુ મોહનસિંહ રાઠવાએ તો 2017માં જ જાહેર કરી દીધું હતું કે તેઓ પોતાના પુત્રને છોટાઉદેપુરથી વિધાનસભા માટે લડાવવા માગે છે. એટલે કે નારણસિંહ રાઠવા અને મોહનસિંહ રાઠવા, બન્નેને પોતાના પુત્રને છોટાઉદેપુરથી ટિકિટ મળે, તેવી ઇચ્છા ધરાવી રહ્યા છે.

નારણસિંહ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંગ રાઠવાને, તો મોહનસિંહ રાઠવા તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને આ મેદાનમાં ઉતારવા માગે છે. ગત શુક્રવારે રાત્રે જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને જાહેર કર્યા, ત્યારે સંખેડાની સીટ પર પોતાનો ઉમેદવારે જાહેર કર્યો હતો. પરંતુ છોટા ઉદેપુર અને પાવીજેતપુરની સીટ પર ઉમેદવારો જાહેર ના કરતા, આ બન્નેને એક્ટિવ કરી દીધા હતા. તો બીજીબાજુ, સુખરામસિંહ રાઠવા, કે જેઓ હાલ વિપક્ષના નેતા છે, તેમને જણાવવામાં આવ્યુ કે તેઓ પોતાની સીટ ખાલી કરીને લોકસભામાં જવા માટે જણાવ્યું હતું.

નારણસિંહ રાઠવાનું માનવું છે કે તેમનો પુત્ર સંગ્રામને છોટા ઉદેપુરથી ટિકિટ મળે, જ્યારે મોહનસિંહના પુત્રને પાવીજેતપુરથી ટિકિટ મળે, કે જે હાલ સુખરામસિંહ રાઠવા ધારાસભ્ય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુખરામસિંહને વચ્ચે લઈ આવવામાં આવ્યા છે. વધુમાં રાજેન્દ્રસિંહ, સુખરામસિંહના જમાઈ પણ થાય છે. બન્ને દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા અને સુખરામસિંહનું કેમ્પ પાવીજેતપુર છે. તો બીજીબાજુ નારણસિંહનું કેમ્પ એમ કહે છે કે પહેલાં મોહનસિંહ પાવીજેતપુરથી જ લડતા હતા.

સુખરામસિંહને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હાઈકમાન્ડ જે કહેશે તે હું કરીશ. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકો ઇચ્છતા હશે કે હું ના લડુ, તો હું લડીશ નહિ જ. તો મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે આમાં બધાને ચૂંટણી લડવાનો હક છે. જેમ સંગ્રામને હક છે, તેવી જ રીતે મારા પુત્ર રાજેન્દ્રસિંહને પણ હક છે.

મોહનસિંહ રાઠવાની રાજકીય સફર
છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા 1972થી વિધાનસભાની ચૂંટણીથી 1998ની વિધાનસભા ચૂંટણી સુધી સળંગ 7 ટર્મ સુધી જેતપુર પાવી બેઠકના ધારાસભ્ય રહ્યાં હતા. જોકે 2002માં ગોધરાકાંડના વાવાઝોડામાં તેમને ભાજપના વેચતભાઈ બારિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ 2007માં તેઓ ફરી જેતપુર પાવીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

છેલ્લી બે ટર્મ એટલે કે 2012 અને 2017ની ચૂંટણી તેઓ છોટાઉદેપુર બેઠકથી લડ્યા હતા અને આ બન્ને ટર્મમાં તેમનો વિજય થયો હતો. આમ તેમની રાજકીય કારકિર્દી પર નજર ફેરવીએ તો, તેઓ 10 વિધાનસભા ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસમાંથી ગુજરાતના સિનિયર નેતા એવા મોહનસિંહ રાઠવાના રાજીનામાંથી છોટાઉદેપુર પંથકની આદિવાસી બેઠકો પર કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતુ. જો કે તે પછી અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post