• Home
  • News
  • કોંગ્રેસની ‘શક્તિ’જોખમમાં; કોંગ્રેસ માટે બે ક્ષત્રિયોમાંથી એકની પસંદગી કરવાનો પડકાર, ભાજપના પાટીદાર ફાવી જવાની સંભાવના
post

જયપુરિયા Vs અવસરિયા: બેમાંથી એક ઉમેદવારને અગ્રીમતા આપવા જતાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ભય

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 11:16:59

અમદાવાદ: કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ એકાએક નાટ્યાત્મક રીતે રાજીનામાં આપી દેતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે ભરતસિંહ અને શક્તિસિંહમાંથી એકને પ્રાથમિક્તા આપવી પડે એવી કફોડી સ્થિતિ સર્જાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અહેમદ પટેલના અને એ લેખે કોંગ્રેસના હાઇકમાન્ડના નજીકના મનાય છે, સામે બાજુ ભરતસિંહને વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જો શક્તિસિંહની પ્રથમ પસંદગી કરવામાં આવે તો ભરતસિંહ પ્રત્યે સહાનૂભૂતિ ધરાવતા કોંગ્રેસીઆ બળવો કરે અને ભરતસિંહની પ્રથમ પસંદગી થાય તો હાઈકમાન્ડના હાથ નબળા પડે. આ સંજોગોમાં કોંગ્રેસ હાઇકમાન્ડ આ બે નેતાઓમાંથી કોની પસંદગી કરે છે તે પર ગુજરાતમાં પક્ષના ભવિષ્યનો આધાર છે.

કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં ભાજપને તાત્કાલિક સીધો ફાયદો થાય તેના કરતા વધુ કોંગ્રેસને ટૂંકાગાળાનું અને લાંબાગાળાનું વધુ નુકસાન થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલના સંજોગો પ્રમાણે હજુ પણ ભાજપના ત્રણે ત્રણ ઉમેદવાર સીધા જીતી જાય એવી સ્થિતિ નથી. ભાજપને ત્રણે ત્રણ ઉમેદવાર જીતાડવા હોય તો 111 મત જોઈએ. જ્યારે અપક્ષો અને અન્યોનો સાથ મળે તો પણ ભાજપના કુલ 108 જ મત થાય છે. પરંતુ આ વ્યૂહરચનાને કારણે કોંગ્રેસમાં હજુ વધુ ફાડિયા પડે અથવા કોંગ્રેસી ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે એવી શક્યતા ઉભી થઈ છે.


કોંગ્રેસ બેમાંથી એક ઉમેદવારને પાછો ખેંચી લેશે તેવી શક્યતા કેટલાક રાજકીય પંડિતોએ વ્યક્ત કરી હતી જો કે ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટ કરી દીધું છે કે બન્ને ઉમેદવારો ચૂંટણી લડશે જ. રાજીનામું આપનારાં સોમાભાઇ કોળી પટેલે જ કોળી જ્ઞાતિની મિટિંગ બોલાવીને કોળી સમાજને રાજ્યસભામાં તક મળવી જોઇએ તેવું જણાવી દીધું, પરંતુ નામ જાહેર થયાં બાદ તેઓ નારાજ હતા. આ તરફ પટેલ ધારાસભ્યોએ પણ પટેલ ઉમેદવારનો આગ્રહ રાખ્યો અને સિદ્ધાર્થ પટેલ જૂથ આ માટે સક્રીય થયું હતું અને હવે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે લેઉવા પાટીદાર નેતા નરહરિ અમીનને ઉતાર્યા હોવાથી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો નારાજ થયા હોવાનું જાણમાં છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમાંના જ એક હોવાનું મનાય છે. જો કે એ જયપુર પહોંચ્યા છે.


રાજ્યસભાની ચૂંટણીનું ગણિત
રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે. અને ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 176 છે. જો 176ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35.2 આવે. તેમાં 1 ઉમેરતાં 36.2 થાય. અને પૂર્ણાંક ગણતા 37 થાય. આમ 37 કે તેથી વધુ મત મેળવનાર ઉમેદવાર જીતેલો જાહેર થાય. હવે કોંગ્રેસ પાસે 4 ધારાસભ્યોના રાજીનામા બાદ 69 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 74 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસ હાઇકમાન્ડે બેમાંથી એક ઉમેદવારની પસંદગી કરવી પડશે તે નિશ્ચિત છે.


આંતરિક જૂથવાદને કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જ સાચવી શકતી નથી
કોંગ્રેસમાં પહેલેથી જ જેટલા નેતા તેટલાં જૂથનો પ્રશ્ન છે અને તે ગુજરાતમાં માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી અને ચીમનભાઇ પટેલના વખતથી ચાલે છે. તે પછી પણ આ સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, અહેમદ પટેલ જેવાં જૂથોનો ઊમેરો થયો. હાલ પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે પણ કોલ્ડવોર ચાલતું હોવાની વાત છે. જૂથવાદને કારણે અમુક જૂથ બીજા પર હાવિ થતાં નબળા પડેલાં જૂથના નેતાઓ અને ધારાસભ્યો ભાજપ તરફ સરકવા લાગ્યાં. રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસ સતત ઘસાતી હોવાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં સતત હતાશા જ વ્યાપી છે. આ તરફ ભાજપ સામ,દામ, દંડ, ભેદની નીતિથી કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના ફાયદા માટે પોતાની તરફ આકર્ષી લે છે.


માધવસિંહનો વધુ એકડાનો આગ્રહ હતો
1994માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી વખતે માધવસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર હતા જ્યારે ભાજપના આનંદીબેન પટેલ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ કનકસિંહ માંગરોળાને અપક્ષ ઊભા રાખ્યા હતા. તે વખતે તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના માનીતા જેવી શાહ પણ ઉમેદવાર હતા. આવા સમયે માધવસિંહે વધુ એકડા માટે ચીમનભાઈ પર દિલ્હીથી દબાણ કરાવ્યું હતું. જેથી જેવી શાહ હારેલા.


ભરતસિંહની બીજી પસંદગી કરવી એટલે બળવાને આમંત્રણ
આ તરફ રાજ્યસભામાં જ્યારે ગુજરાતના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ સાથે રાજીવ શુક્લાનું નામ જાહેર થાય તેવી સ્થિતિમાં હતું ત્યારે જ પાંત્રીસેક ધારાસભ્યોએ બળવાનો મૂડ દર્શાવ્યો હતો અને ભરતસિંહના નામની માગ કરી હતી. તે જ દર્શાવે છે કે મહત્તમ ધારાસભ્યો ભરતસિંહ જીતે તેવું ઇચ્છે છે. પરંતુ જો હાઇકમાન્ડ તમામ ધારાસભ્યો શક્તિસિંહને જ પ્રાથમિકતા આપવાનું કહે તો ઘણાં ધારાસભ્યો પોતાનો મત ફેરવી નાખે અથવા ભરતસિંહને જ પ્રાથમિકતાનો મત આપે તેવું પણ થાય. આ જોતાં ગુજરાત કોંગ્રેસમાં ભરતસિંહ જૂથ વધુ સબળ બનીને બહાર આવે. તેની સામે કોંગ્રેસના અન્ય નેતાઓના જૂથ ખૂબ નબળાં સાબિત થાય અને તેમાં હાઇકમાન્ડના નેતાઓના પણ શક્તિ પરિક્ષણ થઇ જાય.


શક્તિસિંહ હારે તો કોંગ્રેસ હાઇકમાન્ડની પ્રતિષ્ઠાને પડકાર
શક્તિસિંહ ગોહિલ હાલ અહેમદ પટેલ અને સોનિયા ગાંધીના ખાસ ગણાય છે. 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે બાર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં અને ક્રોસવોટિંગ થયા પછી પણ અહેમદ પટેલને જીતાડવા માટે ભાજપ સામે થયેલાં દાવપેચમાં શક્તિસિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પહેલેથી જ શક્તિસિંહ રાજ્યસભાના એક ઉમેદવાર તરીકે પાક્કા મનાતા હતા. પરંતુ તેમની સામે માટે સૌથી મોટો પડકાર એ છે કે તેમણે ગુજરાત કોંગ્રેસમાં પોતાના વિશ્વાસુ લોકોનું જૂથ બનાવ્યું નથી. હાલના ધારાસભ્યો પૈકી ખૂબ ઓછા શક્તિસિંહ માટે લાગણી ધરાવે છે. આથી જો આ ધારાસભ્યો શક્તિસિંહને મત ન આપે તો કોંગ્રેસ હાઇકમાન્ડની પ્રતિષ્ઠા માટે જ પડકાર ઊભો થાય.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post