• Home
  • News
  • ત્રણ અધિકારીને કડક શબ્દોમાં ટકોર:રખડતાં ઢોરને કારણે કોઈનું મૃત્યુ કે ઇજા થવી ન જોઈએ, મિ. ભાટિયા, એકપણ મહત્ત્વના સ્થળે પોલીસ ઊભી નથી: ચીફ જસ્ટિસ
post

રખડતાં ઢોર મુદ્દે થયેલી સુનાવણીમાં DGP, શહેરી વિકાસ સચિવ, મ્યુનિ. કમિશનર હાજર રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 19:02:15

રખડતાં ઢોર મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠ સમક્ષ ડીજીપી આશિષ ભાટિયા, શહેરી વિકાસ સચિવ મુકેશ કુમાર, મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા. એમાં કોર્ટે ત્રણેયને કડક શબ્દોમાં કહ્યું હતું કે તહેવારોમાં રખડતાં ઢોરને કારણે કોઈનું પણ મૃત્યુ કે ઈજા થવી જોઈએ નહીં. વધુમાં ચીફ જસ્ટિસે સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે રઝળતાં ઢોર અંગેની કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી છે, અમારે તો અમલ જોઈએ છે. ચીફ જસ્ટિસે આશિષ ભાટિયાને ઉદ્દેશીને ટકોર કરી હતી કે મિ.ભાટિયા, મેં અત્યારસુધીમાં એકપણ મહત્ત્વની જગ્યા પર પોલીસકર્મચારી ઊભેલો જોયો નથી. બોડકદેવ, વસ્ત્રાપુર, પોલિટેક્નિકમાં તો ક્યાંય જોયા નથી. હાઇકોર્ટે વધુ સુનાવણી 15 નવેમ્બર પર મુકરર કરી છે.

નરોડાના યુવકના પરિવારને 2 લાખ નહીં, 5 લાખનું વળતર ચૂકવો : કોર્ટ
ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે મૃતક ભાવિન પટેલને એડહોક રૂ.2 લાખના વળતર ચૂકવવાનું તમે નક્કી કર્યું છે એ રકમ બહુ જ ઓછી છે? મ્યુનિ. 5 લાખનું વળતર ચૂકવે. આ રકમ કસૂરવાર પાસેથી વસૂલ કરાશે. એટલું જ નહિ, તમે ઘટના તો જુઓ, એ માણસ ફોટો કોપી લેવા નીકળેલો. આશરે એ 34-35ની ઉમરનો હતો? આ ઉંમર મૃત્યુની નથી. ખંડપીઠે કમિશનરને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે તમારો પ્રોબ્લેમ એ અમારો બનવો ન જોઈએ. તમે કેટલું વળતર આપવા માગો છો? કમિશનર તરફથી 2 લાખ વળતર આપવાની દલીલ કરાતાં કોર્ટે નારાજગી દર્શાવતાં ટકોર કરી હતી કે જે ઓફિસર આવા બનાવો માટે જવાબદાર છે એની પાસેથી વસૂલ કરો. તમારે રસ્તો શોધવાનો છે, તેના માટે તમારે જે કરવું પડે એ કરો. જ્યારે તમારા ખિસ્સામાંથી પૈસા જશે તો તમે વધુ સજાગ બનશો.

તહેવારમાં ઢોરને કારણે કોઈનું મૃત્યુ થવું ન જોઈએ
ચીફ જસ્ટિસે સરકારને ખખડાવતાં એવી ટકોર કરી હતી કે તમે બધા ભેગા થઈ વિચારો, મગજ દોડાવો અને એક સરળ ઉપાય શોધી કાઢો. અમારા માટે હુકમ કરી દેવો બહુ સહેલો છે, પણ અમે આશા રાખીએ કે તમે અમને હુકમ કરવા મજબૂર નહીં કરો. સરકારે ખાતરી આપી હતી કે આગામી મુદત સુધી રખડતાં ઢોરસંબંધી કોઈપણ અનિચ્છનીય ઘટના બનશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post