• Home
  • News
  • તોડકાંડનો મામલો:યુવરાજસિંહ જાડેજાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર, બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરાયા
post

1 કરોડ રૂપિયાની ખંડણી માગવા મામલે યુવરાજસિંહ અને તેના માણસો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:09:01

ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસમાં તોડકાંડ સામે આવ્યા બાદ પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ કરાયા બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે આજરોજ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીને પણ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા જે બંનેને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી
1 કરોડ રૂપિયાની ખંડણી માગવા મામલે યુવરાજસિંહ અને તેના માણસો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરવામાં સફળતા મળી હતી. બાકીના રૂપિયા રિકવર કરવાના બાકી હોય પોલીસ દ્વારા આજે વધુ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તોડકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 73.50 લાખ રિકવર કર્યા
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.

યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો હતો
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે બપોરે 12 વાગ્યે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે આઈપીસી કલમ 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધ્યો હતો.

'ડમી વિદ્યાર્થીનો વીડિયો બતાવી 1 કરોડ રૂપિયા લેવાયા'
ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસોએ રૂષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત જણાયેલ જેના સમર્થનો કરતા નિવેદનો તથા અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવેલ છે. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે.

બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લીધાના આક્ષેપ કર્યો હતો
14મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપિન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાઈરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમીકાંડમાં ચોક્કસ વ્યકિતને લઈ યુવરાજસિંહે 55 લાખમાં ડીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post