• Home
  • News
  • આસામમાં પૂરના પાણીમાં ઘણાં કલાકો સુધી ફસાઈ ટ્રેન, વાયુસેનાએ 119ને બચાવ્યા
post

કછાર અને હોજઈ જિલ્લાઓમાંથી આશરે 2,200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 10:30:39

દિસપુર : ભારે વરસાદના કારણે આસામમાં તબાહી વધી રહી છે. આ બધા વચ્ચે વાયુસેનાએ કછાર વિસ્તારમાં અનેક કલાકો સુધી પૂરમાં ફસાયેલી એક ટ્રેનમાંથી સેંકડો મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા. અચાનક જ પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે તબાહી વ્યાપી છે. આ કારણે અનેક સ્થળોએ માર્ગ અને રેલ સંપર્ક તૂટી ગયા છે. ASDMAએ રવિવારે આગામી 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધોમાજી, મોરીગાંવ અને નગાંવ જિલ્લાઓ માટે પૂરનું એલર્ટ આપેલું છે. 

સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન ભારે વરસાદ અને પૂરના કારણે કછાર વિસ્તારમાં અટવાઈ ગઈ હતી. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે, ટ્રેન આગળ કે પાછળ પણ નહોતી જઈ શકતી. અનેક કલાકો સુધી ટ્રેન ફસાઈ રહી એટલે જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને રેસ્ક્યુ કરાવ્યા હતા. 

આસામના દીમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (ASDMA) દ્વારા શનિવારે રાતના સમયે બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે દીમા હસાઓના હાફલોંગ મહેસૂલી ક્ષેત્રમાં એક મહિલા સહિત 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના અન્ય હિસ્સાઓ સાથે રેલવે અને માર્ગ સંપર્ક ભાંગી પડવાના કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલન બાદ પહાડી જિલ્લો ખૂબ જ પ્રભાવિત થયો છે. 

ASDMAના કહેવા પ્રમાણે ન્યૂ કુંજંગ, ફિયાંગપુઈ, મૌલહોઈ, નામજુરંગ, દક્ષિણ બગેતાર, મહાદેવ ટીલા, કાલીબાડી, ઉત્તરી બગેતાર, સિય્યોન અને લોદી પંગમૌલ ગામમાં ભૂસ્ખલનની સૂચના મળી છે. ત્યાં આશરે 80 જેટલા મકાનો બહુ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ભૂસ્ખલનના કારણે જટિંગા-હરંગાજાઓ અને માહૂર-ફાઈડિંગ ખાતે રેલવે માર્ગ અવરોધિત થયો છે. ગેરેમલામ્બ્રા ગામમાં માઈબાંગ સુરંગ સુધી પહોંચતા પહેલા ભૂસ્ખલનના કારણે રોડ માર્ગ અવરોધિત થયો હોવાની આશંકા છે. 

વધુમાં જણાવ્યું કે, આસામના 5 જિલ્લાઓમાં પૂરના કારણે આશરે 25,000 લોકો પ્રભાવિત થયા છે. કછાર ક્ષેત્રમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને 21,000થી પણ વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યાર બાદ કાર્બી આંગલોંગ પશ્ચિમમાં આશરે 2,000 પીડિતો છે અને ધોમાજીમાં 600થી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 2 જિલ્લાઓમાં સ્થાપિત કુલ 10 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રોમાં ઓછામાં ઓછા 227 લોકો શરણ લઈ રહ્યા છે. 

સેના, અર્ધસૈનિક દળ, અગ્નિશામક દળ, ઈમરજન્સી સેવાઓ, SDRF, નાગરિક પ્રશાસન અને પ્રશિક્ષિત સ્વયંસેવકોએ કછાર અને હોજઈ જિલ્લાઓમાંથી આશરે 2,200 લોકોને રેસ્ક્યુ કર્યા છે. ગુવાહાટીના વિભિન્ન ક્ષેત્રોમાં પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post