• Home
  • News
  • કેરળના ત્રાવણકોર બોર્ડ મંદિરોનું 1200 કિલો સોનુંં બેંકમાં રાખવામાં આવશે, 28 મંદિરોમાં ઓનલાઇન સેવા પૂજા થશે
post

પ્રાચીન મહત્ત્વ ધરાવતા ઘરેણા અને રોજ ઉપયોગમાં લેવાતાં વાસણોને આ યોજનાથી અલગ રાખવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:15:13

કેરળના 1248 મંદિરોની વ્યવસ્થાનું ધ્યાન રાખનાર ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોના લગભગ 1200 કિલો સોનાને આરબીઆઈ પાસે રાખવાની તૈયારી કરી રહ્યું છે. જેથી બોર્ડને દર વર્ષે લગભગ 13.5 કરોડની આવક થશે. આ સોનું હાલ મંદિરોમાં આભૂષણ અને વાસણો સ્વરૂપમાં છે.

બોર્ડ આ આભૂષણ અને વાસણને પીગાળીને સોનામાં બદલશે. આ સોનું 1200 કિલોથી પણ વધારે હોઇ શકે છે, જેની કિંમત લગભગ 540 કરોડ રૂપિયા છે. ત્રાવણકોર બોર્ડના અધિકાર ક્ષેત્રમાં પદ્મનાભમ્ સ્વામી, સબરીમાલા અને ગુરુવાયુર જેવા મોટા મંદિરો આવે છે.

દાનમાં મળેલાં સોનાના ઘરેણા અને વાસણોને પીગાળવામાં આવશેઃ-
કેરળના આ મંદિરો પાસે ખૂબ જ જૂના અને ઐતિહાસિક આભૂષણ પણ છે, બોર્ડ આ પ્રાચન મહત્ત્વ ધરાવતા આભૂષણોને અલગ જ રાખશે. આ આભૂષણોની કિંમત પણ કરોડોમાં છે અને આ પ્રાચીન ઘરેણા ઉત્સવોમાં ઉપયોગમાં આવે છે. આ યોજનામાં માત્ર તે ઘરેણા અને વાસણોનો ઉપયોગ થશે, જે થોડાં વર્ષોથી મંદિરોને દાનમાં મળ્યાં છે. સાથે જ, બોર્ડ 28 મુખ્ય મંદિરોમાં ઓનલાઇન દર્શન અને સેવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જેનાથી મંદિરોની આવકમાં વધારો થશે.

સેંકડો ટન તાંબાના વાસણોની હરાજી થશેઃ-
આ પહેલાં ત્રાવણકોર બોર્ડે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે મંદિરમાં રાખેલાં સેંકડો ટન તાંબાના દીવા અને વાસણોની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો, જોકે, ત્યાર બાદ વિવાદ ઊભો થયો અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણયને પાછો ખેંચી લીધો. આ મામલે કેરળ હાઇકોર્ટે પણ બોર્ડ પાસે જવાબ માંગ્યો છે. લોકોએ અપીલ કરી હતી કે, બોર્ડ મંદિરની સંપત્તિઓની આ પ્રકારે હરાજી કરી શકે નહીં.

કોરોનાના કારણે મંદિરોમાં દાન ઓછું આવ્યું-
કોરોનાવાઇરસ અને લોકડાઉનના કારણે મોટાભાગના મંદિરોમાં દાન રકમ ઓછી થઇ ગઇ છે. એવામાં મંદિરોએ પોતાના રોજિંદા ખર્ચ અને પૂજારીઓની આવકનો ખર્ચ કાઢવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હવે સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે.

અનેક જગ્યાએ મંદિર ખુલી જવાથી સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. મંદિરોમાં પહેલાં જેવું દાન અને આવક થતી હતી તે સ્થિતિએ પહોંચતાં થોડો સમય લાગી શકે છે. માત્ર સબરીમાલા મંદિરને ઓનલાઇન દરમિયાન 100 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.

લોકડાઉનમાં પદ્મનાભમ્ મંદિરમાં 7.5 લાખ રૂપિયાનું દાન આવ્યું-
પદ્મનાભમ્ મંદિરમાં 3 થી 5 કરોડ રૂપિયા માસિક દાન આવતું હતું, જે લોકડાઉનમાં માત્ર 7.5 લાખ રૂપિયા થઇ ગયું છે. આ રીતે ગુરુવાયુર મંદિરમાં પણ માસિક 5 કરોડના પ્રમાણે 5-7 લાખની આવક થઇ છે. ત્રાવણકોર બોર્ડમાં લગભગ 6500 કર્મચારી છે, જેમાં મંદિરોના પૂજારીઓ પણ સામેલ છે. બોર્ડે મંદિરોની વ્યવસ્થા સાથે સ્ટાફ મેનેજમેન્ટ માટે પણ દર મહિને સારી એવી ધનરાશિની જરૂરિયાત હોય છે.

બોર્ડની મીટિંગમાં નિર્ણય થશેઃ-
બોર્ડના અધ્યક્ષ એન. વાસુએ મીડિયાને જણાવ્યું કે, મંદિરમાં રાખવામાં આવેલ સોનાની માત્રાનો હિસાબ લગાવવામાં આવી રહ્યો છે. જે 1200 કિલોથી વધારે જ છે. તેનાથી 2.5 ટકા રિટર્ન પ્રમાણે બોર્ડને વાર્ષિક 13 કરોડથી વધારે રૂપિયા મળી શકે છે. જલ્દી જ બોર્ડની મીટિંગમાં આ પ્રસ્તાવને રાખીને નિર્ણય લેવામાં આવશે.

ગુરુવાયુર મંદિરનું 700 કિલો સોનું બેંકમાં-
એક રિપોર્ટ પ્રમાણે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડમાં આવતાં ગુરુવાયુર મંદિરનું લગભગ 700 કિલો સોનું 2019માં બેંકમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય પણ મંદિરના લગભગ 1500 કરોડ રૂપિયા બેંકમાં જમા છે. જેના દ્વારા 10 કરોડ રૂપિયા માસિક આવક મંદિરને થાય છે, જેથી મંદિરની વ્યવસ્થા જળવાયેલી રહે છે.

28 મુખ્ય મંદિરોમાં ઓનલાઇન પૂજા અને દર્શનઃ-
કેરળના 28 મુખ્ય મંદિરોમાં ઓનલાઇન પૂજા શરૂ કરવાની તૈયારી છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે સબરીમાલા મંદિરથી તેની શરૂઆત કરી હતી. જેમાં મંદિરને 3 લાખ રૂપિયાની આવક થઇ હતી. હાલ, લોકો મંદિર આવી શકતાં નથી અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે મોટા ઉત્સવો પણ આયોજિત થઇ શકતાં નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડે પોતાના 28 મંદિરોમાં વર્ચુઅલ પૂજા અને સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી મંદિરમાં આવી ન શકતાં ભક્તો ઓનલાઇન દર્શન અને સેવા કરી શકે. મંદિરોની આવક પણ વધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post