• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે, ટ્રમ્પ હેલિકોપ્ટરથી પહોંચશે મોટેરા સ્ટેડિયમ, 3થી 5.30 સુધી ચાલશે શૉ
post

સ્ટેડિયમમાં કામ કરતા અને કામ માટે આવતા વ્યક્તિના નામ, મોબાઈલ નંબર અને આઈકાર્ડ સાથે રજીસ્ટરમાં નોંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 10:32:37

અમદાવાદ: ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ જે રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. ભાટ રોડથી શરૂ કરીને સાબરમતી ટોલનાકા, પરિમલ અને કોટેશ્વર વાળો રોડ, મોટેરા ગામ અને સ્ટેડિયમ સહિત અંદાજે 10 કિલો મીટર જેટલા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

મ્યુ.કમિ. વિવિધ વિભાગોને કામગીરી સોંપી, સાબરમતી આશ્રમનો પણ ઉલ્લેખ
મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો પરિપત્ર કરી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વડાઓને સોંપાઇ છે. પરિપત્રમાં કોઇ ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. મોટેરા સ્ટેડીયમ ઉપરાંત ગાંધી આશ્રમનો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે. આમ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે તે વાત પણ નક્કી થઈ ગઈ છે. કોર્પોરેશનના અધિકારીઓને મોટેરા સ્ટેડિયમને જોડતા તમામ રોડ તથા ગાંધી આશ્રમ અને મહાનુભાવોની મુલાકાતના રૂટના તમામ રોડ રિપેર કરવાની અને સાફ-સફાઈ કરવાની કામગીરી, સ્ટેડિયમની આસપાસ બસો માટે અન્ય લોકો માટે તથા અન્ય જિલ્લામાંથી આવનાર બસો અને વાહનોના પાર્કિંગ પ્લોટની ઓળખ કરી તેના લેવલિંગ સહિતની કામગીરી, કાર્યક્રમ સ્થળે જરૂરી બસની વ્યવસ્થા, મહાનુભાવોની મુલાકાત સંદર્ભે એરપોર્ટ સર્કલથી ગાંધી
આશ્રમ સુધીના રૂટ પર જાહેર અભિવાદન સહિતની કામગીરી સોંપવામાં આવી છે.

ટ્રમ્પ હેલિકોપ્ટરથી પહોંચશે મોટેરા સ્ટેડિયમ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે. જેમાં મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત નિશ્ચિત કરાઈ છે. જયારે મોટેરાના કાર્યક્રમનો સમય બપોરે ત્રણ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીનો નક્કી થયો હોવાનું અધિકારી સૂત્રોનું કહેવું છે. બંન્ને દેશના વડાઓની મુલાકાતને પગલે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ (એસપીજી)ના ઈન્સ્પેકટર જનરલ રાજીવરંજન ભગતના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સુરક્ષાને લઈને એરપોર્ટ ખાતે મિટીંગ યોજવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાના અધ્યક્ષસ્થાને લોકલ અધિકારીઓ સાથે ચાર કલાક સુરક્ષા સમીક્ષા બેઠક મળી હતી. આગામી ચાર દિવસમાં સુરક્ષાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરાશે.

બે સ્થળોએ મુલાકાત હોવાના કારણે ટ્રાફિકની વ્યવસ્થા સહિત સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓનૈ કયા સ્થળે તૈનાત કરવા સહિતની બાબતો અંગે મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.


બીજી તરફ, ચીફ સેક્રેટરીએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ કમિશનર અને ક્રાઈમબ્રાંચના સ્પેશિયલ જોઈન્ટ કમિશનર સાથે મિટીંગ યોજી પ્લાનીંગની ચર્ચા કરી હતી. એરપોર્ટ ખાતેથી ટ્રમ્પ હેલિકોપ્ટરમાં મોટેરા સ્ટેડિયમ જશે અને ત્યાંથી રોડ મારફતે ગાંધી આશ્રમ જશે તેને અનુલક્ષીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ઉપરાંત બંન્ને દેશના વડાઓના થ્રેટ એસેસમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓ પણ આગામી ત્રણ દિવસમાં અમદાવાદ આવે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે સહિતની તપાસ
સ્ટેડિયમની આસપાસના તમામ બંગલોઝ, સોસાયટી, ફ્લેટ, ચાલી અથવા તો સિંગલ મકાન હોય તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે ચાંદખેડા પોલીસ, સાબરમતી પોલીસ તેમજ ઝોન 2નો પોલીસ સ્ટાફ ઘરે ઘરે જઈ કરી રહી છે. ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે, ભાડૂઆત છે કે પોતાનું મકાન છે?, ભાડૂઆત છે તો કેટલા સમયથી રહે છે તેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે કે કેમ તે તમામ વિગતો મેળવી તેનો ડેટા બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત પોલીસ 1-2 મહિનામાં કે 15 દિવસથી ભાડે રહેવા આવ્યા હોય તો તેવા તમામ લોકોની સઘન તપાસ ચલાવી રહી છે.

 

સ્ટેડિયમમાં આવેલા હનુમાનજીના મંદિરના દર્શનાર્થીઓની નોંધ કર્યા બાદ પ્રવેશ
ઉપરાંત સ્ટેડિયમમાં કામ કરતા અને કોઈપણ કામ માટે આવતા વ્યક્તિના નામ, મોબાઈલ નંબર અને આઈકાર્ડ સાથેની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. સ્ટેડિયમની અંદરના ભાગે આવેલા હનુમાનજીના મંદિરે પણ દર્શન કરવા જતા ભક્તોને એન્ટ્રી કરાવી મંદિર પાસ લઈને પ્રવેશવા દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને પાસ વગર અંદર જોવા મળે તો તેને બહાર મોકલી દેવામાં આવે છે.

સ્ટેડિયમથી સાબરમતી ટોલનાકા સુધીના રોડ અને ફૂટપાથ પર દિવાલોને રંગરોગાન
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બાય રોડ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચવાના છે. એરપોર્ટથી તેઓ ઇન્દિરાબ્રિજ થઈ ભાટ કોટેશ્વર રોડ પર આવશે. કોટેશ્વરથી મોટેરા ગામ રોડ પરથી સ્ટેડિયમ સુધી તેઓ પહોંચવાના છે. ભાટ-કોટેશ્વર તરફના રોડને નવો બનાવવામાં આવી રહ્યો છે. આખા રોડ પર કામગીરી કરવામાં આવી રહી છે. રોડની બંને સાઈડ નવી ફુટપાથ બનાવવામાં આવી રહી છે. કોટેશ્વર, મોટેરા ગામ, કેના બંગલોઝ, મનાલી ફ્લેટ, પરિમલ હોસ્પિટલ સુધીના રસ્તા અને બંને બાજુની ફૂટપાથને નવી બનાવવામાં આવી રહી છે. સ્ટેડિયમથી સાબરમતી ટોલનાકા સુધીના રોડ અને ફૂટપાથ પરની દિવાલોને કલર કરવામાં આવી રહ્યા છે. રોડની વચ્ચે રેલિંગ પણ નાખી કલર કરવામાં આવી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post