2019માં પીએમ મોદીને UAE દ્વારા તેના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ઝાયદ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફ્રાન્સની બે દિવસની
મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે UAE પહોંચી ગયા છે. અહીં
તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. UAEના રાષ્ટ્રપતિ મહેલ 'કસ્ર અલ વતન' ખાતે રાષ્ટ્રપતિ
મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ
પીએમ મોદીના કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ પણ બાંધ્યો હતો.
બંને દેશ વચ્ચે
દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. આ પછી સંયુક્ત નિવેદનમાં, પીએમ મોદીએ કહ્યું-
બંને દેશના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. દરેક ભારતીય હવે UAEને સાચા મિત્ર તરીકે
જુએ છે. PM મોદીની મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે એકબીજાના ચલણમાં
વેપાર અંગે પણ સમજૂતી થઈ છે.
આ પહેલાં અબુ ધાબી
એરપોર્ટ પર UAEના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના
સ્વાગતમાં બુર્જ ખલીફા પર તિરંગા અને તેમની તસવીર સાથે સ્વાગત માનનીય વડાપ્રધાન
નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું હતું.
પીએમ મોદીના નિવેદનની
મોટી વાતો...
·
અમારો દ્વિપક્ષીય વેપાર 20% વધ્યો છે. બંને દેશ
વચ્ચેનો વેપાર 85 અબજ ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ ટૂંક સમયમાં 100 અબજ ડોલર એટલે કે 8 લાખ કરોડ રૂપિયા સુધી
પહોંચી જશે.
·
હું તમને મળીને ખૂબ જ ખુશ છું. તમે મને જે સન્માન આપ્યું છે
એ અમારી વચ્ચેનો ભાઈચારો દર્શાવે છે.
·
આપણ આપણી ભાગીદારીને મજબૂત કરવા નવી પહેલ કરી રહ્યા છીએ.
વેપારમાં એકબીજાના ચલણના ઉપયોગ અંગે આજે થયેલા કરાર બંને દેશ વચ્ચેના મજબૂત આર્થિક
સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે.
·
ગયા વર્ષે અમે બંને દેશ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર
પર હસ્તાક્ષર થયા હતા.
પીએમ મોદીએ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં UAEમાં યોજાનારી COP-28 સમિટ ઓન ક્લાઈમેટ ચેન્જ માટે મળેલા આમંત્રણનો આભાર માન્યો હતો.
PM મોદીની UAEની 5મી મુલાકાત
પીએમ બન્યા બાદ તેમની UAEની આ 5મી મુલાકાત છે. 2019માં પીએમ મોદીને UAE દ્વારા તેના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ઝાયદ'થી સન્માનિત કરવામાં આવ્યા
હતા. બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી અને અનેક એમઓયુ પર
હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ UAEની નેશનલ ઓઈલ કંપનીના સીઈઓ સુલતાન અલ-જાબેર સાથે મુલાકાત કરી હતી. રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક પછી UAE ભારતનો ચોથો સૌથી મોટો ઓઇલ
સપ્લાયર છે.