• Home
  • News
  • સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ઉદ્ધવ જૂથ:કહ્યું- અસલી શિવસેના કોની; અત્યારે નક્કી કરી શકાય નહીં, ચૂંટણી પંચ ઉતાવળ કરી રહ્યું છે
post

ગત રવિવારે એક કાર્યક્રમ સમયે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 27 જુલાઈના રોજ તેઓ 62 વર્ષના થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-25 19:22:08

અસલી શિવસેના અંગે ચૂંટણી પંચના આદેશ સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. આ અંગે સોમવારે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હજુ બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાનો મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. આ સંજોગોમાં પંચ આ બાબત નક્કી કરી શકતું નથી કે અસલી શિવસેના કોણ છે. ચૂંટણી પંચે શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ પાસેથી 8 ઓગસ્ટ સુધીમાં શિવસેનાના અધિકારને લગતા દસ્તાવેજો રજૂ કરવા માટે કહ્યું હતું. આ આદેશને પણ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પંચનો આ નિર્ણય ગેરબંધારણીય છે અને તે ઉતાવળમાં લેવામાં આવ્યો છે.

ઉદ્ધવ જૂથે કહ્યું- શિંદે છાવણીએ કૃત્રિમ બહુમતિનું સર્જન કર્યું
અરજીમાં કહેવામાં આવ્યું છે કે શિંદે જૂથ ગેરકાયદેસર રીતે સંખ્યા વધારવા અને સંગઠનમાં કૃત્રિમ બહુમતિનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મુદ્દો અગાઉથી જ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર છે. જો ચૂંટણી પંચ આ મુદ્દે આગળ વધે છે તો આ પૂરી ન શકાય એટલા નુકસાનનું કારણ બનશે. જે કેસ કોર્ટમાં વિચારણા હેઠળ છે તેમા તપાસ કરવી તે ન્યાયિક કાર્યવાહીમાં દરમિયાનગીરી કરવા બરાબર છે.તે કોર્ટની અવમાનના કરવા બરાબર છે.

ચૂંટણી પંચે વિરોધ પાછળનું કારણ પણ માગ્યું
ચૂંટણી પંચે ઉદ્ધવ અને શિંદે બન્ને જૂથ પાસેથી પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધ પાછળના કારણો લેખિતમાં કહેવા જણાવ્યું છે. જોકે શિંદે જૂથે તાજેતરમાં ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો, જેમાં CM એકનાથ શિંદે અને તેમની સાથે 40 ધારાસભ્ય અને 12 સાંસદ હોવાનો દાવો કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી પાસે વિશ્વાસ માગ્યો
ગત રવિવારે એક કાર્યક્રમ સમયે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 27 જુલાઈના રોજ તેઓ 62 વર્ષના થઈ જશે. આ વખતે તેમના જન્મ દિવસ નિમિત્તે બૂકે માગતા નથી, પણ શિવસેના કાર્યકર્તાઓ પાસેથી સોગંદનામુ જોઈએ છે કે તેઓ પાર્ટી પ્રત્યે વિશ્વાસ ધરાવે છે અને વધુને વધુ લોકો પાર્ટીના સભ્ય તરીકે જોડાયેલા રહેશે. ઠાકરેએ કહ્યું કે લડાઈ હવે ચૂંટણી પંચ સમક્ષ પહોંચી છે, જેમાં બન્ને જૂથ મૂળ શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે. આપણને ફક્ત જોશની જ નહીં પણ પાર્ટીના સભ્યો તરીકે લોકોના મજબૂત સમર્થન અને રજિસ્ટ્રેશનની પણ જરૂર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post