• Home
  • News
  • ઉદ્ધવ ઠાકરેના 3 સાંસદ અને 8 MLA એકનાથ શિંદે જૂથમાં જોડાશે: શિંદે સમર્થક સાંસદ પ્રતાપરાવ જાધવનો દાવો
post

ગજાનન કીર્તિકર બાદ 3 સાંસદ શિંદે જૂથના સંપર્કમાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-22 18:32:28

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. તેમના જૂથના સાંસદ ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. તેમણે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના જૂથના બદલે એકનાથ શિંદેની પાર્ટી બાલાસાહેબની શિવસેનામાં જવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં આ દરમિયાન એકનાથ શિંદે સમર્થક સાંસદ પ્રતાપરાવ જાધવે દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરેના સમર્થક 3 સાંસદો અને 8 ધારાસભ્યો પણ તેમનો સાથ છોડી દેશે. શિંદે જૂથમાં સામેલ થયેલા બુલઢાણા જિલ્લાના સાંસદ પ્રતાપરાવ જાધવે ફરી સનસનીખેજ દાવો કરતા આ વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે, ચૂંટણી પહેલા વધુ 3 સાંસદો અને 8 ધારાસભ્યો બાલાસાહેબની શિવસેનામાં 100% સામેલ થઈ જશે.

જાધવના નિવેદન બાદ એ ચર્ચા તેજ થઈ ગઈ છે કે, અંતે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા સાંસદો અને ધારાસભ્યો કોણ હોઈ શકે છે. જાધવે કહ્યું કે, ગજાનન કીર્તિકર બાદ 3 સાંસદ શિંદે જૂથના સંપર્કમાં છે. અમારી વચ્ચે રહેનારા નેતા છે. કેટલાક લોકો અમારા સંપર્કમાં છે. જિલ્લામાં કેટલીક સ્થાનિક સમસ્યાઓ છે. કેટલાક કામ બાકી છે. નેતૃત્વને પ્રેમના કારણે તેઓ ત્યાં અટકી રહ્યાં છે. પ્રતાપરાવ જાધવે દાવો કર્યો છે કે, ચૂંટણી જાહેર થતાં જ ઠાકરે જૂથ ખાલી જોવા મળશે. આ દરમિયાન સાંસદ પ્રતાપરાવ જાધવ મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે પરંતુ જાધવ પરિવારમાં રાજકીય ભંગાણ નજર આવી રહ્યું છે.

કારણ કે પ્રતાપરાવના નાના ભાઈ અને મહેકરના ભૂતપૂર્વ મેયર સંજય જાધવે ઉદ્ધવ ઠાકરેનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે. સાંસદના જ પરિવારમાં ભંગાણના કારણે બુલઢાણા જિલ્લામાં રાજકીય પારો ગરમ છે. સંજય જાધવ પ્રતાપરાવ જાધવના નાના ભાઈ છે. તેઓ ઉદ્ધવ ઠાકરેની સાથે હોવાથી બંને ભાઈઓ વચ્ચે મતભેદ હોવાની વાત થઈ રહી છે. સંજય જાધવે પણ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે અખબારમાં છપાયેલી જાહેરાતમાં ઠાકરેને શિવસેના પક્ષ પ્રમુખ કહ્યા હતા. આ ઉપરાંત બુલઢાણા જિલ્લામાં શિવસેનાના અન્ય નેતાઓ સાથે પણ તેમની તસવીરો જોવા મળે છે. સંજય જાધવે એમ પણ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરે મારા ભગવાન છે અને ઉદ્ધવ સાહેબ મારા નેતા છે.

adv

Related News

post
post
post
post
post
post
post