• Home
  • News
  • શંકર ચૌધરીની સર્વાનુમતે અધ્યક્ષ તરીકે વરણી, ઉત્તર ગુજરાતના જોશીલા નેતા અને મોટા ગજાના સહકારી અગ્રણી
post

બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી તરીકે બહુમાન અપાવવાનું ઉમદા અને ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 18:10:29

15મી ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શંકર ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં 15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

શંકર ચૌધરીને અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળતાં મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષ શંકર ચૌધરીને અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષોએ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન સતત મળતું રહેશે એવી અપેક્ષા દર્શાવી હતી. ગૃહના નેતા અને મુખ્યમંત્રીએ નવનિયુકત અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસ ડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવિકા માટે આપેલા મહત્ત્વપૂર્ણ પ્રદાનની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી 15મી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે 15મી વિધાનસભાના સૌ નવનિર્વાચિત સભ્યોને પણ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

શાસક-સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરીશું- અધ્યક્ષ
અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ વિધાનગૃહ મહાપુરુષો તથા નવરત્નોનું સાક્ષી રહ્યું છે. અનેક સપૂતોએ આ સભાગૃહને શોભાવીને દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવા રત્નોમાં આપણા સૌના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001થી 22મી મે 2014 સુધી એટલે કે 4604 દિવસ સુધી આ સભાગૃહને અજવાળીને આજે દેશના વડાપ્રધાનપદે બિરાજે છે, જે ગુજરાત વિધાનસભા ગૃહ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ કે જેઓ 9મી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને સૌપ્રથમ આ સભાગૃહમાં આવ્યા અને સતત 22 વર્ષ સુધી આ સભાગૃહના સન્માનીય સભ્ય તરીકે રહી ચૂક્યા છે એ પણ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. લોકશાહી અને સંસદીય પ્રણાલીને વધુ બળવત્તર બનાવવા માટે શાસક-વિપક્ષ તરીકે નહિ, પરંતુ શાસક-સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરીશું. સંવાદ વિવાદમાં ન પરિણમે એ રીતે સંવાદ સાધી પ્રજાના પ્રાણ પ્રશ્નોના વાચા આપવાની જવાબદારી માત્ર અધ્યક્ષની જ નહિ, પરંતુ ગૃહના તમામ સભ્યોની છે એમ ઉમેર્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ પાટણ જિલ્લાના રાધનપુરના વડનગરના
ખેતી અને સમાજસેવા સાથે જોડાયેલા શંકરભાઈ લગધીરભાઈ ચૌધરીનો જન્મ 1 જૂન 1970માં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામમાં થયો હતો. તેઓ રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ત્રણ વખત, વાવ બેઠક પરથી એક વખત અને 2022થી થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. આ ઉપરાંત ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારીઓ, શહેરી વિકાસ,આરોગ્ય, વાહનવ્યવહાર, પર્યાવરણ જેવાં મહત્ત્વનાં ખાતાં સંભાળી ચૂક્યાં છે.

રાજકીય અને સહકારી નેતા તરીકેનો બહોળો અનુભવ
ભારતીય જનતા પાર્ટીમાં પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે, પાર્ટીના યુવા મોરચામાં પ્રદેશ અધ્યક્ષ તરીકે, પાર્ટીના કોર ગ્રુપના સભ્ય તરીકે, 2009-2014માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે અને પાર્ટીના રાષ્ટ્રીય કારોબારી સભ્ય તરીકેની સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી છે. સહકારી ક્ષેત્રે અગ્રણી એવી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન તરીકે વર્ષ 2015થી કાર્યરત છે. ગુજરાત રાજ્ય સહકારી બેંક લિ.ના વાઇસ-ચેરમેન તરીકે વર્ષ 2009થી કાર્યરત છે. તેમણે વર્ષ 2006થી 2016 સુધી શ્રી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, પાલનપુરના ચેરમેન તરીકે સેવા આપી છે તેમજ ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા અને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ,ગાંધીનગરના ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી તરીકે બહુમાન અપાવવાનું ઉમદા અને ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું છે. બનાસ ડેરીને ઉત્તરપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં વિસ્તાર કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન તરીકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માસિક 250 કરોડની આવકને વધારી માસિક 1000 કરોડ રૂપિયા સુધી લઈ જવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ સિવાય સહકાર અને લોકભાગીદારીના માધ્યમથી ગોબરમાંથી ગેસ બનાવવા, મહિલા સશક્તીકરણની દિશામાં અને દૂધ સિવાય મધમાખી પાલનમાં પણ સીમાચિહ્ન રૂપ કામગીરી કરી છે.

સામાજિક સેવાનાં કાર્યોમાં અગ્રેસર રહી તેમણે વિચરતી જ્ઞાતિના 1000 નાગરિકને જમીન આપી સ્થાયી બનાવી તેમનાં બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવી. એ સાથે ભૂકંપ અને પૂરની સ્થિતિમાં યુદ્ધના ધોરણે કામગીરી, મતવિસ્તારનાં અંતરિયાળ ગામોમાં વિનામૂલ્યે નેત્ર કેમ્પ, રાધનપુર - સાંતલપુરમાં લોકજાગૃતિ કેળવવાનું અભિયાન, વિસ્ફોટકોની હેરાફેરી, ઘૂસણખોરી, વગેરે વિરુદ્ધ જાગૃતિ કેળવી રાષ્ટ્રીય સુરક્ષાનું અભિયાન હાથ ધર્યું છે. શિક્ષણ પ્રવૃત્તિઓમાં કન્યા વિદ્યાલય, કન્યા- કુમાર છાત્રાલય, પી.ટી.સી કોલેજ, મેડિકલ કોલેજ તેમજ સૈનિક શાળાની સ્થાપના પણ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post