• Home
  • News
  • વડોદરા માથે તોળાતુ પૂરનું સંકટ:વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટે પહોંચી, ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, નીચાણવાળા વિસ્તારોના 500 લોકોનું સ્થળાંતર
post

આજવા ડેમનીની સપાટી 212.45 ફૂટ અને પ્રતાપ સરોવરની સપાટી 227.30 ફૂટે પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:12:12

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફરી એકવાર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 24.75 ફૂટે પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 25 ફૂટ છે. ભયજનક સપાટીથી વિશ્વામિત્રી નદીની સપાટી હવે માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. પરંતુ આજવા સરોવરના ઉપરવાસમાં વરસાદ પડે તો સ્થિતિ વણસી શકે છે. રાત્રે 11 કલાકે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટે પહોંચી જતાં તંત્રએ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દીધા છે. ઇન્દ્રાડથી ગણેશપુરા ગામ વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પુલ ઉપરથી પાણી ફરી વળતા બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે.

500 લોકોનું સ્થળાંતર કર્યું
વિશ્વામિત્રી નદીની સપાટી 24.75 ફૂટ પહોંચતા ફાયર બ્રિગેડે સાયરન વગાડી કિનારાના લોકોને એલર્ટ કર્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા પ્રથમ એલર્ટ સાઇરન વગાડવામાં આવતા નદી કિનારાના લોકોએ સામાન સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી હતી. વિશ્વામિત્રી નદીની સપાટી ભયાનક નજીક પહોચતા તંત્ર દ્વારા નદી કિનારાના 500 જેકલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા પ્રમાણે જલારામ નગર અને મુજમહુડા સુભાષનગરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થઇ રહેલા વધારાના પગલે નદી કિનારા પાસે રહેતા ઝૂંપડાવાસીઓ અને સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા
વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થતા પોલીસ તંત્ર દ્વારા સયાજીગંજ તરફ અને અલકાપુરી તરફ બેરીકેટ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જોકે તંત્ર સંભવતઃ કોઇપણ સ્થિતીને પહોંચી વળવા માટે સજ્જ છે. સપાટી ભયજનકે પહોચતા જ સ્થળાંતર ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

નદી કિનારે રહેતા લોકોને સાવેત રહેવા તંત્રની અપીલ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નદી કિનારે રહેતા અને નદી કિનારાની આસપાસમાં આવેલી સોસાયટીના લોકોને સાવચેત રહેવું જરૂરી છે. વડોદરા શહેરના મેયર ડો જિગીષાબેન શેઠ અને શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટે આજવા સરોવર 62 દરવાજાની મુલાકાત લીધી હતી અને ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે તકેદારીના પગલે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.

ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે 31 ઓગસ્ટે આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ સુધી પાણી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ આજવા સરોવરમાં પાણી સંગ્રહ કરવામાં આવતું નથી. રાતે 8 કલાકે આજવા સરોવરની સપાટી 212.45 ફૂટ હતી. બીજી બાજુ આજવા સરોવર સાથે સલંગ્ન પ્રતાપ સરોવરની સપાટી 227.90 ફૂટ છે. પ્રતાપ સરોવરનું પાણી આજવા સરોવરમાં 212.50 ફૂટ સુધી લેવામાં આવશે. બાકીનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવશે.

બપોર સુધીમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી શકે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે આજવા સરોવરમાંથી 5620 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું હતું. જે વડોદરાના લોકો માટે ચિંતા જનક નથી. તેમ છતાં નદી કિનારે રહેતા લોકોને નદી કિનારે ન જવા અને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ થઇ ગયા બાદ પ્રતાપ સરોવરનું પાણી તબક્કાવાર વિશ્વામિત્રીમાં આવશે.

ઉપરવાસમાં વરસાદ પડે તો વિશ્વામિત્રી નદીની સ્થિતિ વણસી શકે છે
ઉલ્લેખનિય બાબત એ છે કે, જો આજે આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં અને તેના ઉપરવાસમાં વરસાદ પડે તો વિશ્વામિત્રી નદીની સ્થિતિ વણસી શકે છે. જોકે, વાદળો ખુલ્લા રહેતા છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ છે. તેમ છતાં સંભવતઃ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post