• Home
  • News
  • સુરતના 4 ઘરોમાં જમીનમાંથી કાદવનો 'જ્વાળામુખી' ફાટ્યો, ફ્લોરિંગ જ ઉંચકાઈ જતા બે ઘર સીલ કરાયા, પરિવારને હોટલમાં શિફ્ટ કર્યા
post

મેટ્રોના અધિકારીઓએ અસરગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:03:31

સુરત: સુરતમાં વરાછા વિસ્તારની વિઠ્ઠલનગર સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમ્યાન વર્ષો જૂનો એક બોર તૂટી જતાં જમીનમાંથી જ્વાળામુખીની જેમ મોટાપ્રમાણમાં કાદવ સોસાયટીમાં ફૂટી નીકળી ફેલાઈ ગયો હતો. 4 મકાનમાં વોશબેઝિન, લીવીંગ રૂમ, ડ્રેનેજ-પાણી સહિતની લાઇનમાંથી પ્રેશર સાથે કાદ‌વ નિકળ્યો હતો. જેમાં 2 મકાનનું ફ્લોરિંગ ઉંચકાઇ જતા મોટું નુકસાન થતાં શિફટીંગની નોબત આવી છે. આ ઘટનાથી અંદાજે 50થી વધુ લોકો પ્રભાવિત થયા છે. મેટ્રોના અધિકારીઓએ અસરગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી.

સોસાયટીમાં અડધો ફૂટ જેટલો કાદવ ફેલાઈ ગયો હતો
ઘર નંબર ડી 121થી 124માં શરૂઆતમાં કીચડ નિક‌ળવાનું શરૂ થયું હતું. એક મકાનમાં પ્રેશર સાથે પહેલા માળ સુધી કીચડ પહોંચી ગયું હતું. જેથી રહીશોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ધીમે ધીમે આખી સોસાયટીમાં અડધો ફૂટ જેટલો કાદવ ફેલાઈ ગયો હતો. મેટ્રોની ટીમ સ્થળ પર 2 કલાકે પહોંચ્યા બાદ કાદવ નીકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો
સોસાયટીની પાસે મેટ્રોની કામગીરી થઇ રહી છે અને મેટ્રોની કામગીરીને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ આખી સોસાયટી અને રહીશોના ઘરમાં કાદવ જ કાદવ જોવા મળતા રહીશો રોષે ભરાયા હતા. આ ઘટના બાદ મનપા અને મેટ્રોના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ સમગ્ર મામલે મેટ્રો અને મનપાની અધિકારીઓની ટીમે આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

મેટ્રો પ્રોજેક્ટની ટેકનિકલ ટીમ દ્વારા ફોલ્ટ શોધવાની કવાયત
આજે મેટ્રો પ્રોજેક્ટની ટેકનિકલ ટીમ દ્વારા વિઠ્ઠલનગર સોસાયટીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બે મકાનોને સીલ કરીને આ સમસ્યાનું કારણ શોધવાની કવાયત શરુ કરવામાં આવી છે. જોકે હજુ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. પરંતુ જે હિસાબે સોસાયટીમાં કાદવનું સામ્રાજ્ય છવાયું છે. તેને લઈને રહીશોને ખુબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post