• Home
  • News
  • દેશમાં ક્યાં છે બેરોજગારી?:ઘરે કામવાળી અને ઓફિસમાં પટાવાળા નથી મળતાં, BJP નેતાનું રોજગાર મેળામાં વિવાદાસ્પદ નિવેદન
post

આ રોજગાર મેળામાં કુલ 203 લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-16 18:08:04

રાજકોટ: રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કુંડારિયા તેમજ રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિત ભાજપના સ્થાનિક નેતાઓ હાજર રહ્યાં હતાં. આ રોજગાર મેળામાં કુલ 203 લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 174 પોસ્ટ વિભાગના અને બાકીના 29 એઇમ્સ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. આ તકે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી, ઘરે કામવાળી, ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી.

હેમુ ગઢવી ઓડિટોરિયમમાં રેલવેનો રોજગાર મેળો
રાજકોટ સહિત અનેક સ્થળોએ પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે. એમાં દેશભરનાં 45 સ્થળે 71 હજાર યુવાનોને PMની વર્ચ્યુઅલ હાજરીમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. એ અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રેલવે દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલવેના રોજગાર મેળામાં વિવાદાસ્પદ નિવેદન
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા પોતાની સ્પીચ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે. આમ, દેશમાં બેરોજગારી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતુ

વડાપ્રધાનનાં વખાણ
તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશ યુદ્ધવિરામ જાહેર કરે છે. અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પ્રધાનમંત્રી દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ, જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરી શકે.

પોસ્ટ વિભાગમાં 174 GDSની નિમણૂક
તો આ તકે લોકસભાના સાંસદ કુંડારિયા અને રેલમંત્રી દર્શનાબેન જરદોસે પણ રોજગાર મેળા બદલ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટના પોસ્ટ વિભાગમાં GDS (ગ્રામીણ ડાક સેવક) અને ડાક નિરીક્ષકની જગ્યા પર 174 લોકોને નિમણૂક અપાઈ હતી.

દિવ્યાંગ દીકરીને પોસ્ટ વિભાગમાં BPOની નોકરી
આ તકે રોજગાર મેળા દ્વારા પોસ્ટ વિભાગમાં BPO (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર)નોકરી મેળવનાર જૂનાગઢ જિલ્લાની દિવ્યાંગ દીકરી એકતાબેન પરમારે જણાવ્યું હતું કે હું અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું છતાં મને આ નોકરી મળી છે. એને લઈને પરિવારની સાથે જ હું સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આભારી છું. આ રોજગાર મેળાનો લાભ લઈને એ વાતે આનંદ થયો છે કે મારા જેવા દિવ્યાંગ લોકો છે, તેમને પણ ઘણો સપોર્ટ મળે છે. આપણે પણ ભવિષ્યમાં સરકારી જોબ કરીને લોકોની સેવા કરી શકીએ છીએ. આ જોબ દ્વારા હું લોકોને બચત કરવા માટે પ્રોત્સાહન આપીશ.

adv

Related News

post
post
post
post
post
post
post