• Home
  • News
  • અમીર દેશોની મનમાની:કોણ ખરીદી રહ્યું છે કોરોનાની બધી વેક્સિન અને શું છે ભારતની સ્થિતિ?
post

અમીર દેશો અને વિકાસશીલ દેશોની વેક્સિન ખરીદીમાં એક મોટો તફાવત જોવા મળ્યોઃ US સ્ટડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 10:08:21

ભારતે દુનિયામાં 1.6 બિલિયન ડોઝની સાથે કોવિડ વેક્સિનની વધુમાં વધુ માત્રામાં આગોતરી ખરીદી કરી છે, પરંતુ તે ભારતની 59 ટકા વસતિને જ આવરી શકશે. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના એક સ્ટડી અનુસાર, અમીર દેશો અને વિકાસશીલ દેશોની વેક્સિન ખરીદીમાં એક મોટું અંતર જોવા મળ્યું છે. વધુ આવકવાળા દેશોએ પોતાની સમગ્ર વસતિને અનેકવાર આવરી લેવા માટે પોતાની વસતિ કરતાં ઘણા વધારે ડોઝ ખરીદી લીધા છે. મધ્યમ અને નિમ્ન-મધ્યમ આવકવાળા દેશો અત્યારે તમામને રસી લગાવવાની સ્થિતિમાં નથી.

સ્ટડી દ્વારા ખ્યાલ આવે છે કે એક વાર કોવિડ માટે રસી જ્યારે બજારમાં આવશે તો મોટા ભાગના ઉચ્ચ આવકવાળા દેશો જ એને ખરીદી લેશે. નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશો માટે એ વેક્સિન પૂરતી નહીં હોય. ડોઝના સંદર્ભમાં જોવામાં આવે તો ભારત 1.6 અબજ ડોઝ સાથે યાદીમાં સૌથી ઉપર છે. તેના પછી યુરોપિયન સંઘ છે, જેમાં 6 અલગ-અલગ ફર્મ્સ પાસેથી અત્યારસુધીમાં 1.36 બિલિયન ડોઝ લીધા છે. એ પછી અમેરિકા છે, જેણે કુલ 1.1 બિલિયન ડોઝ ખરીદ્યા છે, એ પછી કોવેક્સ-વેક્સિન ગઠબંધન-અને પછી કેનેડા તેમજ યુકે છે, પરંતુ જો જનસંખ્યાને ધ્યાનમાં રાખીને જોઈએ તો કેનેડા જેવા દેશોએ પોતાની જનસંખ્યા કરતાં પાંચ ગણી વધુ રસીકરણ માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન ખરીદી છે. અભ્યાસથી ખ્યાલ આવે છે કે કેનેડાએ પોતાની વસતિના પ્રમાણમાં 601 ટકા, અમેરિકાએ 443 ટકા, યુકે 418 ટકા, ઓસ્ટ્રેલિયા 266 ટકા અને યુરોપિયન સંઘે 244 ટકાને કવર કરવા માટે પૂરતા પ્રમાણમાં રસી ખરીદી લીધી છે.

વિકાસશીલ દેશોમાં ભારત પોતાની જનસંખ્યાના માત્ર 59 ટકા, મેક્સિકો 84 ટકા, બ્રાઝિલ 46 ટકા અને કઝાકિસ્તાન 15 ટકા ખરીદી શકશે. ફિલિપિન્સ પોતાની વસતિના માત્ર 1 ટકા માટે પૂરતા પ્રમાણમાં રસી સાથે આ યાદીમાં સૌથી નીચે છે.

હાલમાં જ ભારત સરકારની તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે દેશમાં તમામ લોકોને વેક્સિન નહીં આપવામાં આવે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે સરકારે સમગ્ર દેશમાં રસીકરણ વિશે ક્યારેય કહ્યું નહોતું. સરકારનો પ્રયાસ છે કે વેક્સિનના સહયોગથી સંક્રમણ દરને અટકાવવામાં આવે.

આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે સરકાર તરફથી આ વાતની યાદી તૈયાર કરવામાં આવી રહી છે કે સૌપ્રથમ રસી કોને આપવામાં આવશે. પ્રાથમિકતા યાદીમાં લગભગ 1 કરોડ આરોગ્યકર્મીઓને સૌથી ઉપર રાખવામાં આવ્યા છે, જેના પછી પોલીસ અને સશસ્ત્ર દળોનાં જવાનો, 50 વર્ષથી વધુ વયના લોકોને રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં 260 વેક્સિન ઉમેદવાર રસી બનાવવામાં વ્યસ્ત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post