• Home
  • News
  • કોણ હશે AAPનો CM પદનો ચહેરો?:4 નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરશે, મેસેજ-મેઇલ કરી લોકો પસંદ કરી શકશે
post

અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 17:20:56

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અત્યારસુધીમાં 86 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પંજાબની પેર્ટન પ્રમાણે જ ચૂંટણી લડવા જઈ રહી છે. પંજાબમાં પણ ચૂંટણીના 28 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી પદની જાહેરાત કરવામાં આવી હતી. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ મોબાઈલ નંબર પર મેસેજ, વોટ્સએપ મેસેજ, વોઈસ કોલ અને ઈમેલ દ્વારા મુખ્યમંત્રીના ઉમેદવાર કોને બનાવી શકાય તેવો અભિપ્રાય મંગાવ્યા હતા. પાર્ટીએ આ જ પદ્ધતિ ગુજરાત માટે પણ એપ્લાય કરી છે. ગુજરાતમાં ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થાય તેવો અંદાજ છે ત્યારે આમ આદમી પાર્ટી 4 નવેમ્બરે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની છે.

ઇમેલ દ્વારા પણ પસંદગી કરવા અપીલ
AAP દ્વારા જાહેર કરવામાં આવેલા ફોનનંબર 6357000360 પર એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અને ઇમેલ પર પણ મેલ કરવા કેજરીવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોનનંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે
આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે. સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપે મુખ્યમંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

ભાજપ AAPથી ડરે છે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભાજપનો ડર બતાવે છે. તાજેતરમાં મનીષ સિસોદિયા પર દારૂ પોલિસીને લઈને મોટો ઘટાડો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમે તો પોતે કહીએ છીએ કે જો તેમણે કોઈ મોટું કૌભાંડ કર્યું હોય તો તેમને જેલમાં પૂરી દો. તમે કેમ તેમને જેલમાં પૂરતા નથી. હજી આગામી દિવસોમાં ઘણા આક્ષેપો કરવામાં આવશે અને ડરાવવામાં આવશે, પરંતુ અમે ગુજરાતની જનતાની વચ્ચે જઈએ છે. પ્રજાને અમારામાં વિશ્વાસ છે.

યમુનામાં છઠપૂજા થશે
દિલ્હીમાં જે પ્રકારે પ્રદૂષણે માઝા મૂકી છે એને કારણે સમગ્ર દેશભરમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. અરવિંદ કેજરીવાલે યમુના સફાઈની વાત કરી હતી ત્યારે તેમણે સ્વીકાર્યું છે કે 2025 સુધીમાં યમુના સફાઈ કરવાની વાત મેં કરી હતી. દિલ્હીમાં જે રીતે દર વર્ષે છટપૂજા થાય છે એ જ રીતે આ વર્ષે પણ છઠપૂજા થશે. આ દિલ્હીની નગરપાલિકાની ચૂંટણીનો મુદ્દો છે.

આપ દ્વારા કુલ 86 ઉમેદવારો જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ગત રોજ સાતમી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post