• Home
  • News
  • કોણ બનશે મેયર:10થી 12 માર્ચ સુધીમાં અમદાવાદ સહિત 6 મનપાને મળશે નવા મેયર, આ નામોની ચાલી રહી છે ચર્ચા
post

ડાબેથી અમદાવાદના મેયરપદ માટેની રેસમાં રહેલા કિરીટ પરમાર અને સુરતના મેયરપદના દાવેદાર દર્શિની કોઠીયાની તસવીર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 10:47:10

ગુજરાતનાં છ મહાનગરપાલિકાના 23 ફેબ્રુઆરીએ પરિણામ આવી ગયા છે. જેને પગલે હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરને નવા મેયર મળશે. આ તમામ મનપામાં આગામી સપ્તાહમાં મેયર નક્કી થઈ જશે. અમદાવાદ અને ભાવનગરને 10 માર્ચે નવા મેયર મળશે જ્યારે રાજકોટ તથા વડોદરાને 11 માર્ચે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ નવા મેયર મળી જશે. તેમજ સુરત, જામનગરમાં 12 માર્ચે મેયરની નિયુક્તિ કરવામાં આવશે. આ તમામ મનપાના મેયર નક્કી કરવા માટે 8મી માર્ચે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

અમદાવાદમાં કિરીટ પરમાર અથવા હિમાંશુ વાળા મેયર પદની રેસમાં
અમદાવાદમાં હાલ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદની રેસમાં ચાલી રહ્યું છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. કિરીટ પરમારને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભાજપનો મેયર બની શકે છે એવો મેસેજ આપવા માગે છે. બીજી તરફ, RSSમાં ઘણા સમયથી સક્રિય રહેલા હિમાંશુ વાળાનું પણ મેયર તરીકે ચર્ચાતું નામ છે. તેઓ બેંકની નોકરી છોડીને સક્રિય રાજકારણમાં આવ્યા છે અને તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર તરીકે સરસપુરના ભાસ્કર ભટ્ટ અને જતીન પટેલનાં નામ ચર્ચામાં છે, જેમનાં નામની હાલ ઉચ્ચ લેવલે ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.

સુરતમાં દર્શિની કોઠીયા સહિત ત્રણમાંથી એકનું નામ નક્કી થઈ શકે
સુરત મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે. જે મુજબ પ્રથમ સામાન્ય સભા 12મી માર્ચના રોજ મળશે. જેમાં મહિલા મેયર,ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની વરણી કરવામાં આવશે. ભાજપ બહુમતીમાં છે. તેમજ પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હોવાથી ત્રણ મહિલા દાવેદારોના નામ ચાલી રહ્યાં છે. ચૂંટાયેલી મહિલા કાઉન્સિલરમાંથી ત્રણથી ચાર મહિલાઓ હાલ મેયર પદના રેસમાં ચાલી રહી છે. જેમાં દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાલા અને ઉર્વશી પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

વડોદરામાં ડો.હિતેન્દ્ર પટેલ સહિત 5 કોર્પોરેટર મેયરપદની રેસમાં
વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. વડોદરા માટે 11 માર્ચે મેયરનું નામ નક્કી કરવામાં આવશે. હાલ શહેરના પ્રથમ નાગરિકની રેસમાં ડો. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, કેતન પટેલ, કેયુર રોકડિયા અને પરાક્રમસિંહ જાડેજાના નામની ચર્ચા ચાલી રહી છે.

રાજકોટના મેયર પદ માટે ડોક્ટર સહિત 4 નામ ચર્ચામાં
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારબાદના અઢી વર્ષ માટે મેયરનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ ડવ અને બાબુભાઇ ઉધરેજાના નામ ચર્ચામાં છે.

જામનગરમાં બીના કોઠારી-કુસુમ પંડ્યા સહિત ત્રણના નામ ચર્ચામાં
જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શેડ્યૂલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપને 50 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે. જામનગરમાં મેયરના પદ માટે બીનાબેન કોઠારી, કુસુમ પંડ્યા અને અને ડિમ્પલ રાવલના નામની ચર્ચા ચાલી રહી છે.

ભાવનગરમાં વર્ષા બા અથવા યોગીતા ત્રિવેદી બની શકે છે મેયર
ભાવનગરમાં પહેલાં મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપને 44 અને કોંગ્રેસને આઠ બેઠક મળી છે. ભાવનગર કોર્પોરેશનમાં મેયરપદ માટે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે ત્યારે ભાજપમાંથી યોગીતાબેન ત્રિવેદી અને વર્ષાબા પરમારની શક્યતા વધુ રહે છે અને જો બક્ષીપંચ બેઠક પરથી હાલમાં લડી રહેલા કીર્તિબેન દાણીધારીયાને માત્ર મહિલા તરીકે મેયર માટે પક્ષ નક્કી કરે તો પણ નવાઈ નહીં.

કઈ મનપામાં કોને કેટલી બેઠક મળી

કોર્પોરેશન

બેઠક

ભાજપ

કોંગ્રેસ

અન્ય

અમદાવાદ

192

160

24

8

સુરત

120

93

0

27(આપ)

વડોદરા

76

69

7

રાજકોટ

72

68

4

જામનગર

64

50

11

3

ભાવનગર

52

44

8

 

adv

Related News

post
post
post
post
post
post
post