• Home
  • News
  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણીથી પહેલાં જ જૂના સાથીઓ કેમ છોડી રહ્યા છે મમતાનો હાથ? જાણો 5 કારણ
post

છેલ્લા કેટલાક સમયથી TMCની ડે-ટુ-ડે ફંક્શનિંગથી મમતા સંપૂર્ણપણે દૂર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 12:10:51

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત આગામી દિવસોમાં થઈ શકે છે. ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓમાં પક્ષપલટાનો દૌર જોવા મળી રહ્યો છે. મમતાની સાથે TMCને બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુકુલ રોય 2017માં અલગ થયા અને ભાજપમાં જોડાયા. એ બાદ તો જાણે આ એક પ્રથા જ બની ગઈ. છેલ્લા કેટલાક મહિનાઓમાં શુભેન્દુ અધિકારી, રાજીવ બેનર્જી અને વૈશાલી ડાલમિયા સહિત અનેક મોટા નેતાઓએ મમતાનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે.

TMCમાં અચાનક જોવા મળતી ભાગદોડની પાછળનું કારણ કોઈ ભાજપના પક્ષમાં ચાલી રહેલી હવા જણાવે છે તો કોઈ મમતાના ભત્રીજા અભિષેકનો વધી ગયેલો હસ્તક્ષેપ છે. તો પોલ મેનેજમેન્ટ ગુરુ પ્રશાંત કિશોરની બંગાળમાં એન્ટ્રીનું પણ કારણ માનવામાં આવે છે. અમે પશ્ચિમ બંગાળના રાજકારણ પર છેલ્લા કેટલાક દશકાઓથી નજીકથી અભ્યાસ કરતા કેટલાક રાજકીટ પંડિતો સાથે વાત કરી અને તેને સમજવાનો પ્રયાસ કર્યો. પાંચ કારણ નીકળીને સામે આવ્યાં, જે આ પ્રકારે છે-

1. મમતાના ભત્રીજા અભિષેકનું વધતું કદ
2017
માં મુકુલ રોય TMC છોડીને ભાજપમાં સામેલ થયા, જે એક શરૂઆત હતી. અનેક વર્ષો સુધી મુકુલ રોય પાર્ટીમાં નંબર બે પર રહ્યા. જ્યારે મમતાના ભત્રીજા અભિષેકની દરમિયાનગીરી વધી તો તેમનું પાર્ટીમાં કદ નાનું થવા લાગ્યું હતું. કરોડો રૂપિયાના શારદા સ્કેમના આરોપોમાં ઘેરાયા તો ધરપકડની તલવાર લટકી રહી હતી. ભાજપમાં સામેલ થયા, જે બાદ બધું જ શાંત થઈ ગયું.

બંગાળના કેટલાંક અંગ્રેજી અખબારોમાં પોલિટિકલ રિપોર્ટિંગ કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્યનું કહેવું છે કે પાર્ટીમાં અભિષેકનો રાઈઝ આ જૂના નેતાઓને ન ગમ્યો. તેમને થયું કે કોઈ જુનિયર તેમને પાર્ટીના મામલામાં કઈ રીતે ટિક્ટેટ કરી શકે છે. સ્નિગ્ધેન્દુએ 2019ની લોકસભા ચૂંટણી પછી 'મિશન બંગાળઃ અ સેફ્રોન એક્સપરિમેન્ટ' પુસ્તકમાં ભાજપના રાઈઝને જણાવ્યો છે. તેમનું એમ પણ કહેવું છે કે મમતા એ ભૂલ કરવાથી બચી રહ્યાં છે, જે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં કરી છે. હવે તેઓ માત્ર પોતાની સરકારની ઉપલબ્ધિઓ જ ગણાવી રહ્યાં છે. ભાજપના ગોઠવેલા વ્યૂહમાં નહીં ફસાય.

2. પ્રશાંત કિશોરની બંગાળમાં એન્ટ્રી
2014
ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોર હાલ તૃણુમૂલ કોંગ્રેસ માટે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. તેમનાં કામકાજની રીત અનેક લોકોને પસંદ નથી. દિનેશ ત્રિવેદીએ પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામાની જાહેરાત બજેટ પર ચર્ચા દરમિયાન કરી તો તેમનો ટાર્ગેટ 'કોર્પોરેટ કલ્ચર'ના બહાને પ્રશાંત કિશોર પર જ હતો. વરિષ્ઠ પત્રકાર દીપ હલદરનું કહેવું છે કે પ્રશાંત કિશોરની ટીમે આવતાંની સાથે જ TMCના નેતાઓને ફોર્મ આપી દીધાં. પૂછ્યું કે તેઓ પોતાના ક્ષેત્રમાં કોને-કોને મળે છે? શું કરે છે? તેમની સાથે કેટલા લોકો છે? આ જૂના નેતાઓને જરા પણ પસંદ ન આવ્યું. આ કારણે જ તેઓ પાર્ટીમાં મૂંઝવણ અનુભવવા લાગ્યા હતા.

3. ભાજપની બંગાળમાં વધતી અસર
ભાજપ બંગાળમાં એક મોટી તાકાત તરીકે સામે આવી રહ્યો છે અને તે જ TMCના વિકલ્પ તરીકે જોવાઈ રહ્યું છે. 2017ની સ્થાનિક સ્વરાજ અને 2018ની પંચાયત ચૂંટણી પછી ભાજપ પશ્ચિમ બંગાળમાં TMCના મુખ્ય પ્રતિદ્વંદ્વી તરીકે સામે આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તો પરિણામો સંપૂર્ણ રીતે ભાજપની ફેવરમાં જ હતાં. TMC22, BJP18 અને કોંગ્રેસે સીટ જીતી હતી. ત્રણ દશકાથી વધુ સુધી સત્તા પર રહેનારા લેફ્ટને એકપણ બેઠક મળી ન હતી. TMC43% વોટ મેળવ્યા હતા, જ્યારે ભાજપે 40% તો કોંગ્રેસ-લેફ્ટે મળીને 13%થી વધુ વોટ મેળવી શક્યા ન હતા.

દીપ હલદરે ચૂંટણી પહેલાં સમગ્ર રાજ્યમાં ફરી-ફરીને ડાયરીની શકલમાં એક પુસ્તક લખ્યું છે- 'બંગાળ 2021.' જેમાં તેમણે ગ્રાઉન્ડ સિચ્યુએશનનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે એ વાતથી કોઈ ઈનકાર ન કરી શકે કે રાજ્યમાં ભાજપ મોટી તાકાત બનીને સામે આવી રહ્યો છે. લાંબા સમય સુધી બંગાળના પોલિટિક્સ પર લખી રહેલા રોબિન રોય કહે છે કે 2011માં જ્યારે મમતાએ લેફ્ટનો ગઢ ધ્વસ્ત કર્યો હતો, ત્યારે તેમને બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સાથ મળ્યો હતો. આજે આ કલાકાર BJPની સાથે જોવા મળે છે.

4. મમતાની પાર્ટી પર ઢીલી પડતી પકડ
છેલ્લા કેટલાક સમયથી TMCની ડે-ટુ-ડે ફંક્શનિંગથી મમતા સંપૂર્ણપણે દૂર છે. તેમના ભત્રીજા અભિષેક ભલે જ TMCના નેશનલ યુથ પ્રેસિડેન્ટ હોય, પાર્ટીને તેઓ જ ચલાવી રહ્યા છે. મમતાનું ફોકસ પણ સંપૂર્ણપણે સરકાર પર જ છે. સ્નિગધેન્દુ કહે છે કે મમતા હજુ સુધી ઈલેક્શન મોડમાં નથી જોવા મળ્યાં. BJPના પડકારોને પણ વધુ મહત્ત્વ નથી આપતાં. એક અન્ય વરિષ્ઠ પત્રકાર નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે મમતાની ગ્રાઉન્ડ લેવલ પર પકડ ઢીલી થઈ છે. અભિષેક અને પ્રશાંત કિશોર મળીને જે નક્કી કરે છે એ જ થઈ રહ્યું છે. તેની અસર એ થઈ કે દિલ્હીમાં કોંગ્રેસમાં જે સોનિયા-રાહુલની સાથે થયું, એ બંગાળમાં મમતા-અભિષેકની સાથે થઈ રહ્યું છે. પાર્ટીના મોટા નેતા નારાજ છે અને આ કારણ તેમનું પાર્ટી છોડવાનું
મોટું કારણ છે.

5. ધાર્મિક આધારે થઈ રહ્યું છે પોલરાઇઝેશન
સરસ્વતી પૂજાનો મામલો હોય કે જય શ્રીરામ કહેવાનો, બંગાળમાં ધાર્મિક આધારે પોલરાઈઝેશન થઈ ગયું છે. 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામ એનો સીધો-સીધો જ પુરાવો છે. એક વરિષ્ઠ પત્રકારનો દાવો છે કે મુસ્લિમ અપીઝમેન્ટની પોલિસીનો TMCને સીધેસીધું નુકસાન થયું છે. તો સ્નિગ્ધેન્દુ અને દીપ હલદર, બંને જ સ્વીકાર કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર ધાર્મિક આધાર પર પોલરાઈઝેશન સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલું જ નહીં, સંઘ પરિવારનાં અન્ય સંગઠનોની સાથે-સાથે ભાજપના નેતા પણ આ મુદ્દાને તૂલ આપવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. જો AIMIMના અસદુદ્દીન ઓવૈસી બિહાર સાથે સંલગ્ન સીમાંચલમાં મુસ્લિમ વોટર્સના મત પોતાની તરફ કરવામાં સફળ રહેશે તો મમતાની મુશ્કેલી વધી શકે છે.

TMCમાં જોવા મળેલી ભાગદોડનો લાભ કોને મળશે?
રાજકીય ચર્ચામાં એક મોટો સવાલ એ છે કે શું TMCમાં જોવા મળેલી ભાગદોડને BJP લાભ મેળવી શકશે? જવાબ કોઈની પાસે નથી. સ્નિગ્ધેન્દુ કહે છે કે જે નેતા છોડીને ગયા છેએનાથી TMC પર કોઈ મોટી અસર નહીં જોવા મળે. એવું નહીં કહી શકાય કે બિલકુલ નહીં પડે, પરંતુ પાર્ટી એના માટે પહેલેથી જ તૈયાર હતી. જે લોકો ગયા છે તેમાંથી કેટલાકની જ પોત-પોતાના પોકેટ્સમાં અસર પડી છે. દીપ હલદર એનાથી સહમત નથી. તેમનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ BJPની ફેવરમાં છે. ચૂંટણીપરિણામો શું આવશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એમ કહી શકાય છે કે આ વખતે બંગાળમાં કમળ ખીલી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post