• Home
  • News
  • મેડલ જીતવો સૌથી મોટી ઉપલબ્ધિ નહીં, પેરા સ્પોર્ટ્સ માટે જાગૃતિ લાવી શકીએ સૌથી મોટી સફળતા: દીપા
post

રિયો પેરાલિમ્પિકની મેડલિસ્ટ દીપા મલિકે નિવૃત્તિ લીધી, હવે પીસીઆઈ અધ્યક્ષ તરીકે કામ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:51:41

ચંદીગઢ: દિગ્ગજ પેરા એથ્લિટ-પેરાલિમ્પિક મેડલિસ્ટ દીપા મલિકે નિવૃત્તિની જાહેરાત કરી છે. 49 વર્ષીય દીપા હવે પીસીઆઈ અધ્યક્ષ તરીકે યુવા ખેલાડીઓ માટે કામ કરવા માગે છે. દીપાને ભારતના પેરા સ્પોર્ટ્સ માટે એક મોટો ચેહરો માનવામાં આવે છે અને તે હવે પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ની અધ્યક્ષ તરીકે કામ કરવા તૈયાર છે. તેમણે આ પણ સંકેત આપ્યો છે કે જો તેમને શરીર સાથ આપશે તો તેઓ 2022માં એશિયન ગેમ્સમાં કમબેક કરી શકે છે. તેમના ઈન્ટરવ્યૂના મુખ્ય અંશ....


સવાલ: નિવૃત્તિનો નિર્ણય ચોંકાવનારો છે, કોઈએ આ અંગે વિચાર્યું પણ નહીં હોય?
દીપા મલિક: મને નથી સમજાતું કે આ નિર્ણયથી લોકો શા માટે ચોંકી રહ્યાં છે. કારણ કે આ નિર્ણય તો સપ્ટેમ્બરમાં જ લઈ લેવાનો હતો. પેરાલિમ્પિક કમિટીની અધ્યક્ષ બન્યા બાદ તો નિવૃત્તિ લેવાની જ હતી.


સવાલ: હવે અધ્યક્ષ તરીકે તમારી આગળની યોજનાઓ શું છે?
દીપા મલિક: અમારું પ્રથમ કામ આ જ છે કે અમે રમત મંત્રાલયથી માન્યતા મેળવીએ. આ મોટું કામ છે. કોઈ એક્ટિવ ખેલાડી અધિકારી તરીકે પદ પર ના રહી શકે. મે પોતાના દેશ માટે અત્યારસુધી મેડલ જીતી સેવા કરી છે. એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ, પેરાલિમ્પિકમાં દેશને માન અપાવ્યું. હવે મારો વારો છે કે હું અલગ રીતે દેશની સેવા કરું. બીજા ખેલાડીઓને મેડલ જીતવાની તક આપું. 

સવાલ: શું પેરા સ્પોર્ટ્સને આગળ લઈ જવા દીપાએ પોતાના વ્હીલ્સ રોક્યા છે?
દીપા મલિક: આ કોઈ પ્રકારનો ત્યાગ નથી. હું 50 વર્ષની થઈ ગઈ છું. મમને લાગે છે કે પેરા સ્પોર્ટ્સને આગળ લઈ જવા મારો અનુભવ કામ આવશે. હું હવે પોતાની ડ્યૂટી પર ધ્યાન આપી રહી છું. બધુ બરાબર રહે અને શરીર સાથ આપે તો હું 2022 એશિયન ગેમ્સમાં કમબેક કરી શકું છું.


સવાલ: તમે પોતાના કરિયરને કઈ રીતે જુઓ છો?
દીપા મલિક: મે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે આ રમતમાં યોગદાન આપ્યું. જે ટાર્ગેટ વિચાર્યું તેને મહેનત સાથે પૂર્ણ કર્યું. કોઈ ફેનને, કોઈ સ્પોન્સરને નિરાશ નથી કર્યા. જે મેડલની દેશ રાહ જોઈ રહ્યું હતું, તે મહિલા પેરાલિમ્પિક મેડલ પણ દેશ માટે જીત્યો. મે વિમેન ડિસેબિલિટિ અંગેની વિચારધારા બદલી. સાબિત કર્યું કે તેની સાથે પણ જીવી શકાય છે. કરિયરમાં મે પેરા સ્પોર્ટ્સને ઘણું આપ્યું અને સામે છેડે મને પણ ઘણું મળતું રહ્યું છે. આ યાત્રા આગળ વધતી જ રહેશે, માત્ર ભૂમિકા બદલાશે માર્ગ નહીં.


સવાલ: તમે કરિયરની કઈ સફળતાને સૌથી મોટી ઉપલબ્ધિ માનો છો?
દીપા મલિક: સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ મેડલ નથી, કારણ કે દરેક મેડલ સ્પેશિયલ હોય છે. સૌથી મોટી સફળતા એ છે કે હું પેરા સ્પોર્ટ્સ માટે સંપૂર્ણ દેશમાં જાગૃકતા લાવી શકી. આ જાણીને સારું લાગે છે કે લોકો દીપા મલિકના નામને યાદ કરે છે ત્યારે પેરા સ્પોર્ટ્સને પણ યાદ કરવામાં આવે છે. આ ગર્વની વાત છે. મને આનંદ છે કે ડિસેબિલિટીને ઓળખ અપાવી શકી. મારી ઈચ્છા છે કે ઘણી યુવા દીપા મલિક દેશ માટે મેડલ્સ જીતે.


સવાલ: કરિયરમાં પરિવારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, શું કહેશો?
દીપા મલિક: જે મેડલનું સ્વપ્ન તમારું હોય છે એ આખી ટીમનું હોય છે. કોચ, જીમ ટ્રેનર, ન્યૂટ્રીશિયનિસ્ટ, સપોર્ટ સ્ટાફ તમામ પરિવારનો ભાગ હોય છે, જેમણે મારી સાથે આકરી મહેનત કરી છે. માતા-પિતા, પતિ, બાળકોએ મારા ડ્રીમમાં મને સાથ આપ્યો. મારા ફેન્સ જેમણે મારી માટે પ્રાર્થનાઓ કરી. તમામ મારા પરિવારનો ભાગ છે અને તેમનો આ સંપૂર્ણ કરિયરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
સૌથી મુશ્કેલ કાર રેલીમાં પણ ભાગ લઈ ચૂકી છે દીપા

·         પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. 2016 ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો.

·         ખેલ રત્ન એવોર્ડ (2019) મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લિટ.

·         જેવલિનની એફ-53 કેટેગરીમાં વિશ્વની નંબર-1 મહિલા.

·         2012માં અર્જુન એવોર્ડ, 2017માં પદ્મશ્રી સન્માનિત થઈ.

·         મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા તરફથી ઓફિશિયલ રેલી લાઈસન્સ મેળવનારી દેશની પ્રથમ દિવ્યાંગ હતી.

·         દેશની સૌથી મુશ્કેર કાર રેલી રેડ ડિ હિમાલયા અને ડેઝર્ટ સ્ટ્રોર્મમાં ભાગ લઈ ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post