• Home
  • News
  • ગુજરાતી કંપનીની કમાલ:દેશના 50 લાખથી વધુ વેપારીઓના મોબાઇલ સીધા જ કાર્ડ સ્કેનર બની જશે, વર્ષે અંદાજે રૂ. 10,000 કરોડ બચશે
post

ભારતમાં પહેલીવાર ઈન્ફિબીમ એવન્યુ સોફ્ટ POS ટેક્નોલોજી લોન્ચ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:48:41

અમદાવાદ: ગુજરાત સ્થિત ફિનટેક કંપની ઈન્ફિબીમ એવન્યુ ટૂંક સમયમાં સોફ્ટ POS ટેક્નોલોજી લોન્ચ કરવા જઈ રહી છે. આ ટેકનોલોજીને કારણે કંપની સાથે સંકળાયેલા 50 લાખથી વધુ મર્ચન્ટના સ્માર્ટફોન સીધા જ કાર્ડ સ્કેનર બની જશે, એટલે કે હાલમાં વેપારીઓ પેમેન્ટ મેળવવા માટે જે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન રાખે છે એની જરૂર નહીં રહે. કોઈપણ ગ્રાહક મોબાઈલ પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ રાખી ખરીદ કરેલી વસ્તુઓનું પેમેન્ટ કરી શકશે. આ ટેકનોલોજીને કારણે નાના વેપારીઓના કરોડો રૂપિયાની બચત થશે.

મોબાઈલ જ બની જશે POS મશીન, QR કોડ
ઈન્ફિબીમ એવન્યુના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતાએ જણાવ્યું હતું કે પેમેન્ટ ગેટવે કંપની તરીકે અમારી સાથે 50 લાખથી વધારે મર્ચન્ટ જોડાયેલા છે. તેઓ પોતાનો માલ વેચે ત્યારે કાર્ડથી પેમેન્ટ મેળવવા માટે POS મશીનનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત QR કોડ પણ રાખવો પડતો હોય છે. સોફ્ટ POS ટેકનોલોજીના કારણે આ બંને બાબતો વેપારીના મોબાઈલમાં જ આવી જશે. તેમણે અલગથી POS મશીન કે QR કોડ રાખવાની જરૂર રહેશે નહીં. એક એપ્લિકેશન માત્રથી જ કોન્ટેક્ટ-લેસ પેમેન્ટ કરી શકશે. આને કારણે ગ્રાહકોને પિનનંબર ચોરાઇ જવાની કે પછી કાર્ડના ક્લોનિંગ થવાનો ભય પણ નહીં રહે.

વેપારીઓના હજારો કરોડની બચત થશે
ઈન્ફિબીમ એવન્યુના જણાવ્યા પ્રમાણે, POS મશીન અને QR કોડ માટે એક વેપારીને પ્રિન્ટિંગ પેપર, બેટરી, મેઇન્ટેનન્સ, રેન્ટ સહિતની બાબતો માટે સરેરાશ રૂ. 18,000-20,000 જેવો વાર્ષિક ખર્ચ કરવો પડે છે. સોફ્ટ POS ટેકનોલોજીને કારણે તેમનો આ ખર્ચ બચી જશે. ખાલી ઈન્ફિબીમ એવન્યુ સાથે જોડાયેલા વેપારીઓનો જે ખર્ચ બચશે એની વાત કરીએ તો અંદાજે વાર્ષિક રૂ. 10,000 કરોડની બચત થશે. આ ઉપરાંત ઈન્ફિબીમ આ ટેકનોલોજીને વ્હાઇટ લેબલિંગ કરી અન્ય કંપનીઓને સર્વિસ આપવાનું પણ વિચારી રહી છે.

સોફ્ટ POS લોન્ચ કરનારી ઈન્ફિબીમ ભારતની પહેલી કંપની
વિશાલ મહેતાએ કહ્યું હતું કે ભારતમાં હજુ સુધી સોફ્ટ POS ટેકનોલોજી આવી નથી. ભારતમાં ઈન્ફિબીમ પહેલી કંપની હશે, જે મર્ચન્ટ માટે આ ટેકનોલોજી લોન્ચ કરશે. પેમેન્ટ ટેકનોલોજી કંપની યુવીક (UVIK) ટેકનોલોજીસે મોબાઈલમાં કાર્ડ સ્કેન કરી શકાય એવી NFC-બેઝ્ડ ટેકનોલોજી વિકસાવી છે. ઈન્ફિબીમ એવન્યુએ આ વર્ષે જ યુવિકને ટેકઓવર કરી છે. શરૂઆતમાં અમારી સાથે જોડાયેલા મર્ચન્ટને સોફ્ટ POS ટેકનોલોજી આપવામાં આવશે અને ત્યાર બાદ અન્ય કંપનીઓને પણ તેની સર્વિસ આપવાની અમારી વિચારણા છે.

ઈન્ફિબીમ પરથી વાર્ષિક રૂ. 1.70 લાખ કરોડનાં ટ્રાન્ઝેક્શન
ઈન્ફિબીમ વૈશ્વિક ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપનીમાંની એક છે, જે સમગ્ર ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સમાં બિઝનેસિસ અને સરકારોને વ્યાપક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્લેટફોર્મ ઓફર કરે છે. કંપનીના પેમેન્ટ ગેટવે પર વાર્ષિક રૂ. 1.70 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થાય છે. ઈન્ફિબીમે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા અને કતારમાં પેમેન્ટ ગેટવે તરીકેની સર્વિસ આપવાના કરાર કર્યા છે. આ ઉપરાંત કંપની ઈન્ડોનેશિયા, મલેશિયા સહિત આસિયાન દેશોમાં પોતાનું નેટવર્ક વધારવા પર કામ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post