• Home
  • News
  • વાત એ ગુજરાતી સાહસિકોની, જેમણે 30 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશથી ઓખા સુધી 9000 કિમીની સાઈકલયાત્રા કરી હતી
post

5 યુવાનો અને 3 યુવતીઓ સહજ રીતે જ એક આહ્વાનને સ્વીકારીને સાડા પાંચ મહિના સુધી ચાલનારી મુશ્કેલ સાહસયાત્રાએ નીકળી પડ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:30:15

અમદાવાદ. વેપારી સાહસમાં દુનિયાભરમાં ડંકો વગાડતાં ગુજરાતીઓ શારીરિક, માનસિક સાહસમાં પાછા પડે છે એવું કાયમી મ્હેણું ખોટું પાડતી આ કથાના નાયકો છે આઠ ગુજરાતી યુવાઓ, જેમાં 3 યુવતીઓ પણ સામેલ છે. 20-22 વર્ષની હણહણતી ઉંમરે કોલેજમાં એક નાનકડી ચર્ચામાંથી મૂકાયેલા પ્રસ્તાવને આ થનગનતા યુવાઓએ ઝીલી લીધો અને શરૂ થઈ એક એવી સાહસયાત્રા, જેણે પૂર્વથી પશ્ચિમ છેડાના 9000 કિલોમીટરના ભારતને સાઈકલના પેડલ તળે ધમરોળી નાંખ્યું. વાત છે એક એવી સાહસયાત્રાની જેણે એમાં જોડાયેલા સૌ કોઈનો આજીવન દૃષ્ટિકોણ બદલી નાંખ્યો. વાત છે એક એવી સાહસયાત્રાની, જેણે સાઈકલયાત્રીઓને જિંદગીભર જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદ ભૂંસીને 'ભારતીય' અટક અપનાવવા પ્રેર્યા.

એ સાહસયાત્રામાં સામેલ વિજય ભારતીય (અમદાવાદ), રાજેશ ભાતેલીયા (રાજકોટ), વંદના ગોરસીયા (જૂનાગઢ, હાલ જામ ખંભાળીયા), નયના પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), પરીષા પંડ્યા (જામનગર), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), મુસ્તુફા કોટવાલ (રાજકોટ), સ્વ. મહેરાઝ મીરઝા (જેતલસર જંકશન) એ આઠ સાહસિકો સાથે થયેલી વાતચીતના આધારે પ્રસ્તુત છે એક અભૂતપૂર્વ કથાનો અનુભવ અને અભૂતપૂર્વ અનુભવની કથા.

બસ, સાવ રમતમાં જ અમે તો તૈયાર થઈ ગયેલાં
આમ તો ઉંમરનો એ પડાવ જ એવો હોય. કંઈક નવું, કંઈક નોંખું કરવાના સાદના દોરવાયા અમે સૌ કોલેજમાં NCC/NSS જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. દરેકના ગામ, કોલેજ, પારીવારિક વાતાવરણ અલગ, પણ કંઈક કરવાની હામ એકસરખી. એવામાં સૌરાષ્ટ્ર યુનિ.ના ત્યારના NSS કો-ઓર્ડિનેટર વસંતભાઈ વ્યાસે અચાનક અમારી વચ્ચે આહ્વાન રમતું મૂક્યું, 'જાણીતા સમાજસેવક બાબા આમ્ટે ભારત જોડો યાત્રા યોજી રહ્યા છે. અરુણાચલ પ્રદેશથી ઓખા સુધીના 9000 કિલોમીટરના સાઈકલ પ્રવાસમાં જોડાવું છે, બોલો?' એ આહ્વાન અમે તરત સ્વીકારી લીધું, અને ત્યારે અમને એ પરવા સુદ્ધાં ન હતી કે સાડા પાંચ મહિના લાંબા એ સાહસમાં કેવી કેવી મુશ્કેલી પડશે?

19 વર્ષની નયનાને તેનાં પપ્પાએ કહ્યું...
વાત ત્રીશ વર્ષ પહેલાંની છે. ત્યારે કંઈ આજની જેમ મોબાઈલ, ઈન્ટરનેટ, વોટ્સએપ ચેટ કે વીડિયો કોલ ક્યાં હતા? લેન્ડલાઈન ફોન પણ મધ્યમવર્ગિય પરિવારમાં સુલભ ન હતા એવા માહોલમાં પરિવારજનોએ આ લબરમૂછિયાઓને આટલી લાંબી, આવી અઘરી સાહસયાત્રાની પરવાનગી કઈ રીતે આપી? યુવાનો તો ઠીક, આ સાહસયાત્રામાં જોડાયેલ ત્રણ યુવતીઓને ય મા-બાપે હા પાડી દીધી? આઠે ય યુવાઓમાં સૌથી નાની વયના હતા નયના પાઠક. હાલ રાજકોટમાં રહેતાં નયનાબહેન ત્યારે માત્ર 19 વર્ષના હતા. એમણે જ્યારે ઘરમાં આ પ્રવાસ વિશે બીતાં-બીતાં વાત કરી કે તરત એમનાં પપ્પા બોલી ઊઠ્યા, 'તારે જવું જ જોઈએ નયના... મારે સંતાનમાં ત્રણ દીકરી જ છે, પણ આ સાહસ કરીને તું દીકરાથી ય અદકેરી સાબિત થઈશ અને ત્યારે સૌથી વધુ ગૌરવ હું અનુભવીશ' વંદનાબહેન, પરિષાબહેનની કથા પણ આવી જ કંઈક છે, જેમના મા-બાપે બહુ હોંશપૂર્વક તેમને આ સાહસ માટે પ્રોત્સાહિત કર્યાં.

1 નવેમ્બર, 1988... એ આઠ યુવાઓ કદી નહિ ભૂલે
અમે આસામના નોર્થ લખીમપુર પહોંચ્યા ત્યારે પહેલી નવેમ્બર હતી. એ દિવસથી જ અમારો સાઈકલ પ્રવાસ શરૂ થવાનો હતો. દેશના 15 રાજ્યોમાંથી આવેલા 87 સાહસવીરો સાથે અમારો પ્રવાસ શરૂ થયો. રોજ સવારે 4 વાગ્યે ઊઠી જવાનું. પ્રાતઃક્રિયાથી પરવારીને તરત અમે સાઈકલ લઈને નીકળી પડીએ. સૂર્યાસ્ત સુધીમાં દરરોજ 80થી 100 કિલોમીટરનું અંતર કાપવાનું હોય. 1 નવેમ્બર, 1988થી શરૂ થયેલો એ ક્રમ લગાતાર 146 દિવસ સુધી અમારી દિનચર્યા બની રહ્યો. રસ્તાની બંને તરફ ઊંડી ખાઈ હોય, આગળ ચાલ્યા જતાં ટ્રકમાંથી ઓઈલ ઢોળાતું હોય અને અમે મહામુસીબતે સંતુલન જાળવતાં, એકમેકને સાબદા કરતાં આગળ વધતાં રહીએ. ક્યારેક અમે થાકી ગયા, ક્યારેક અમે માંદા પડ્યા, ક્યારેક પડ્યા-આખડ્યા અને ગોઠણ છોલ્યાં... પણ તોય અટક્યા વગર અમે આગળ વધતાં રહ્યા.

ભારત જોયું, જીવનભર ભારતીય બની ગયા
માત્ર સાઈકલ લઈને નીકળવું એ નહિ, પરંતુ સાઈકલપ્રવાસના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના, વિવિધ સંસ્કૃતિના લોકોને ઓળખવા, એમની સાથે હળવુ-ભળવું અને 'એક ભારત'નો સંદેશ આપવો એ આ સાહસનો મુખ્ય ઉદ્દેશ હતો. જ્યાં જ્યાં અમારું રોકાણ થાય ત્યાં અમે સ્થાનિકો સાથે વાર્તાલાપ કરીએ. એમની દિનચર્યા જોઈએ. એમનાં ઘરોમાં જઈએ. આસામના આદિવાસીઓ સાથે અમે રહ્યાં. મિઝોરમમાં એ વખતે અલગતાવાદ ચરમસીમાએ હતો તેની આગ પણ અનુભવી. મણિપુર, નાગાલેન્ડના ભોળા લોકોના કૂબામાં પણ અમે રહ્યા. સાવ સહજ ક્રમમાં અમારામાં એવું પરિવર્તન આવ્યું કે એ પ્રવાસના ત્રીશ વર્ષ પછી આજે પણ અમે દરેક અમારી ઓળખ તરીકે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રાંત ભૂલીને ભારતીય બની રહ્યાં છીએ. અમારામાંથી કેટલાંકે તો આજીવન પોતાની મૂળ અટક ભૂંસીને ભારતીય અટક અપનાવી લીધી છે.

સદાકાળ ગુજરાત
અમે આસામના ગૌહાટી પહોંચ્યા ત્યારે ત્યાં વસતાં કેટલાંક ગુજરાતી પરિવારોને ખબર પડી કે ગુજરાતથી 8 છોકરાં-છોકરી સાઈકલયાત્રાએ નીકળ્યા છે અને અહીંથી પસાર થઈ રહ્યા છે. એ સૌ ભેગા મળીને અમારા કેમ્પમાં આવ્યા અને 'કેમ છો ભાઈ? કેમ છો બહેન? ક્યાં છે અમારા ગુજરાતીઓ?' એમ ગુજરાતી બોલીને અમને શોધ્યાં. બહુ જ આગ્રહપૂર્વક પોતાના ઘરે જમવા લઈ ગયા અને ગુજરાતી વાનગીઓ ખવડાવી. જમ્યા પછી કહ્યું કે, 'દીકરા-દીકરીને ખાલી હાથે ન મોકલાય...' એમ કહીને અમારા સૌના હાથમાં 100-100 રૂ. થમાવ્યા. વતનથી દૂર વતનની આ મહેંક અમે કોઈ કદી ભૂલી શકીએ એમ નથી. સો રુપિયાની એ નોટ અમે કદી વટાવી નથી કારણ કે પ્રેમનું એ સંભારણું આજે લાખો-કરોડોમાં ય આંકી શકાય એમ નથી.

એક એક ગામનો અનુભવ યાદગાર
એ પ્રવાસની એક એક ક્ષણ અમારા માટે જિંદગીભરનું અણમોલ સ્મરણભાથું છે. બિહારના એક ગામમાં અમારી સાહસયાત્રાથી પોરસાયેલા સાવ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ ફાળો ઉઘરાવીને અમને 2000 રૂ. આપવાનો આગ્રહ કર્યો એ ક્ષણ કદી નહિ ભૂલાય. એ રકમ તો અમે સ્વીકારી નહિ, પણ તેમાંથી એક લાઈબ્રેરી બનાવવાનો પ્રયાસ કરવા તેમને કહ્યું ત્યારે એ સૌની આંખોમાં ભરાઈ આવેલી ભીનાશ હજુ ય યાદ છે. વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ સાંભળીને ત્યાં બેઠેલો છાત્રાલયનો નિરક્ષર રસોઈયો અમારી પાસે આવ્યો અને રીતસર હાથ જોડીને બોલ્યો, 'અહીં નજીકમાં જ મારું ઝુંપડું છે. તમે સૌ દેશ ખુંદવા નીકળ્યા છો. ભારતની મીટ્ટીથી રગદોળાયેલા તમારા પગ મારા ઘરમાં પડે તો મારું ખુશનસીબ સમજીશ' અમે એ અભણ રસોઈયાના ઘરે ગયા અને તેનાં પરિવારે જે ભાવથી અમને જમાડ્યા એવો સ્વાદ, એવી મીઠાશ પછી જીવનમાં ક્યારેય અનુભવી નથી.

આમાં તમને શું મળશે? શું ખોટાં પગ તોડો છો?
અમે 9000 કિલોમીટરના સાડા પાંચ મહિના ચાલનારા સાહસે જઈ રહ્યાં છીએ એવી ખબર જેમ જેમ પ્રસરતી ગઈ ત્યારે ઘણાંએ અમને હતોત્સાહ કર્યા હતા. 'આવી રખડપટ્ટીથી તમને શું મળશે? સાઈકલ ચલાવવાના કોઈ રુપિયા આપવાનું હોય તો બરાબર, બાકી ખોટાં પગ તોડવાનો શું અર્થ?' અમે ત્યારે એ કોઈને જવાબ આપ્યો ન હતો. આજે ય ક્યારેક આવા સવાલો કોઈક કરી બેસે છે. આજે ય અમે કશો જવાબ નથી વાળતાં. કારણ કે અમને ખબર છે કે અમે તમામ અજાણી અડચણો સામે લડવાની એવી હામ, એવી હિંમત મેળવી છે જે બીજે કશેથી મળી શકે નહિ. પરંતુ આજે ત્રીશ વર્ષે કોઈક અમારી સાહસયાત્રા સામે શંકા કરીને પૂછે કે, 'આવડું મોટું સાહસ કર્યું હતું તો પછી સરકારે તમને સર્ટિફિકેટનું એક પતાકડું ય આપ્યું છે?' ત્યારે અમારા ચહેરા જરાક ઝૂકી જાય છે. સરકારે ત્રીશ વર્ષેય અમને નાનકડા સન્માનનેય લાયક હજુ સુધી નથી ગણ્યાં એનો વસવસો અમને અમારા માટે નથી, પરંતુ એમાંથી પ્રેરણા લઈને નવી પેઢી આવા સાહસ માટે તૈયાર થાય એ માટે અમને થાય છે. કાશ, કોઈ સંસ્થા કે કોઈ જનપ્રતિનિધિ એ સાંભળે, સમજે અને સ્વીકારે.

 

adv

Related News

post
post
post
post
post
post
post