• Home
  • News
  • દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું મોત:લોકો પોતાના હાથથી ભાત-ગોળનો પ્રસાદ આપતા, 70 વર્ષથી કેરળના મંદિરમાં રહેતો હતો
post

મગરમચ્છનાં અંતિમ દર્શન માટે નેતાઓ અને હાજર લોકો ઊમટી પડ્યા. સંખ્યા વધવા લાગી તો મૃતદેહને તળાવથી હટાવીને ખુલ્લી જગ્યામાં રાખી દેવાયો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 18:52:31

દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું કેરળમાં નિધન થઈ ગયું. 70 વર્ષથી આ મગર કાસરગોડ જિલ્લાના શ્રીઅનંતપદ્મનાભસ્વામી મંદિરના તળાવમાં રહેતો હતો. આ અનંતપુરા તળાવમાં રહીને મંદિરની રખેવાળી કરતો હતો. પૂજારીઓએ હિન્દુ રીતિ-રિવાજથી મગરમચ્છની અંતિમ યાત્રા કાઢી અને મંદિર પરિસરની પાસે દફનાવવામાં આવ્યો.

મગરને પ્રેમથી બાબિયા કહેવામાં આવતું હતું. એ મંદિરમાં ચઢાવવામાં આવતા ભાત-ગોળના પ્રસાદને ખાતો હતો. બાબિયા શનિવારથી ગુમ થયો હતો. રવિવાર રાત્રે અંદાજિત 11:30 વાગ્યે એનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળ્યો. ત્યાર બાદ મંદિર તંત્ર દ્વારા પશુપાલન વિભાગ અને પોલીસને સૂચના આપી.

મગરમચ્છને જોવા માટે ઊમટ્યા લોકો
મગરમચ્છનાં અંતિમ દર્શન માટે નેતાઓ અને હાજર લોકો ઊમટી પડ્યા. સંખ્યા વધવા લાગી તો મૃતદેહને તળાવથી હટાવીને ખુલ્લી જગ્યામાં રાખી દેવાયો.

અંતિમ દર્શન કરવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી પહોંચ્યાં
બાબિયાને જોવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે પણ પહોંચ્યાં. તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે મગર 70 વર્ષથી મંદિરમાં રહેતો હતો. ભગવાન એને મોક્ષ આપે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રએ કહ્યું હતું કે લાખો ભક્તોએ મગરનાં દર્શન કર્યા. બાબિયાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

મગરને ભાત-ગોળ પસંદ હતા
પૂજારીઓનો દાવો છે કે મગર શાકાહારી હતો અને તળાવમાં માછલીઓ અથવા અન્ય જીવોને ખાતો નહોતો. બાબિયા એક ગુફામાં રહેતો હતો. દિવસમાં બે વખત મંદિરનાં દર્શન માટે ગુફાથી નીકળતો હતો અને થોડીવાર ફર્યા બાદ અંદર ચાલ્યો જતો હતો.

મગર મંદિરમાં ચઢાવાતો ભોગ-પ્રસાદ જ ખાતો હતો. એને ભાત અને ગોળ ખૂબ જ પસંદ હતા. કેટલાક લોકો મંદિરમાં ભગવાનનાં દર્શન સિવાય બાબિયાને જોવા આવતા હતા અને પોતાના હાથોથી એને ભાત જમાડતા હતા. લોકોનો દાવો છે કે મગરે આજ સુધીમાં ક્યારેય કોઇના પર હુમલો નથી કર્યો કે નુકસાન નથી પહોંચાડ્યું.

મગરનો રહસ્યમયી ઇતિહાસ
માન્યતા છે કે, વર્ષો પહેલા એક મહાત્મા આ મંદિરમાં તપ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બાળકનું રૂપ ધારણ કરીને મહાત્માને હેરાન કરવા લાગ્યા. આ વાતથી નારાજ થઇને મહાત્માએ કૃષ્ણને તળાવમાં ધક્કો દઈ દીધો. જ્યારે તેમને તેની ભૂલનો અહેસાસ થયો તો ભગવાનને શોધવા લાગ્યા, પરંતુ પાણીમાં કોઈ ન મળ્યું.

આ ઘટના બાદ નજીકમાં એક ગુફા બતાવી હતી. લોકોનું માનવું છે કે આ ગુફાથી ભગવાન ગાયબ થઇ ગયા હતા. થોડા દિવસો બાદ અહીંથી મગર આવવા-જવા લાગ્યો. મંદિરની આસપાસ રહેતા વૃદ્ધોનું કહેવું છે કે તળાવમાં રહેનારો આ ત્રીજો મગર હતો, પરંતુ ત્યાં એક જ મગર બતાવતો હતો. એ વૃદ્ધ થઇને મૃત્યુ થયા બાદ નવો મગર અચાનક આવી જતો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post