• Home
  • News
  • યમુનાના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડતા પૂરનો ખતરો વધ્યો, મુખ્યમંત્રીએ તાકીદે બેઠક બોલાવી
post

દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 19:10:13

દિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાશે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાવાની સમસ્યા બની છે ત્યારે હવે યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે અહીંના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં પૂરનું જોખમ વધુ વધી શકે છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તરે આજે 207.55 મીટર થઈ જતા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 6 સપ્ટેમ્બર 1978ના રોજ યમુનાનું મહત્તમ પૂરનું સ્તર 207.49 મીટર નોંધાયું હતું. દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ વણસતી જોતા દિલ્હી પોલીસે લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રાખવા માટે કલમ 144 લાગુ કરી છે.

 

દિલ્હીના રસ્તાઓ સ્વિમિંગ પુલ

દિલ્હીમાં યમુનાનું જળ સ્તર સતત વધતા આજે 45 વર્ષના રેકોર્ડને તોડી નાખ્યુ છે જેના પગલે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે ત્યારે હવે દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાય જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યમુના નદીનું જળસ્તર વધવાને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દિલ્હી સરકાર એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ સાથે જ હવે યમુનાનું પાણી નોઈડા-દિલ્હી લિંક રોડ સુધી પહોંચી ગયું છે.

 

યમુનાનું પાણી કાશ્મીરી ગેટ સ્થિત ગૌશાળામાં પ્રવેશ્યું

કાશ્મીરી ગેટના મોન્સ્ટી માર્કેટ, રિંગ રોડ, યમુના ઘાટ, યમુના બજાર વિસ્તારમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં શેરીઓમાં પાણી વહી ફરી વળ્યા છે. યમુના નદીનું પાણી કાશ્મીરી ગેટ સ્થિત ગૌશાળામાં પ્રવેશ્યું છે. ITO ખાતે છઠ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. યમુના નદીને અડીને આવેલા વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં લગભગ 41 હજાર લોકો રહે છે. આ વચ્ચે કેટલાક લોકો દિલ્હીના સૌથી VIP એરિયા સાઉથ એવન્યુમાં વરસાદની મજા માણી હતી.

આ સમય એકબીજા સામે આંગળી ચીંધવાનો નથી : કેજરીવાલ

સીએમ અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે તેઓ સેન્ટ્રલ વોટર કમિશનના સંપર્કમાં છે અને એવી અપેક્ષા છે કે પૂર જેવી સ્થિતિ ઊભી નહીં થાય. આ સમય એકબીજા સામે આંગળી ચીંધવાનો નથી. લોકોને રાહત આપવા માટે તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સિવાય દિલ્હીના PWD મંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી જશે.

આ કારણે યમુનાનું જળસ્તર વધ્યું

હરિયાણાના યમુનાનગરમાં બનેલા હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. આજે સવારે 9 વાગ્યાથી પણ બેરેજમાંથી 1 લાખ 53 હજાર 768 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે બેરેજમાંથી 2 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે યમુના નદીનું જળસ્તર વધીને 206.69 મીટર થયું હતું. હાલમાં નદીના વહેણને ઘટાડવા ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post