• Home
  • News
  • રાજ્યના 20 જિલ્લામાં યેલો એલર્ટ:સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયો
post

મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:05:34

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. 'ગુલાબ' નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે. ઉમરપાડામાં 218 મિમી અને પલસાણામાં 192 મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોન

ટકા

ઈંચ

કચ્છ

93.6

16.29

સૌરાષ્ટ્ર

102.63

28.3

ઉ.ગુજરાત

20

70.93

દ.ગુજરાત

89.63

51.57

મ.ગુજરાત

81.17

25.74

ગુજરાત

89.99

29.76

સપ્ટેમ્બરમાં રાજ્યમાં ત્રણ ગણો વધુ વરસાદ થયો
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા જેટલો વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટિકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું, જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ

તાલુકો

વરસાદ (ઈંચ)

ઉમરપાડા

218

પલસાણા

192

આહવા

163

વલસાડ

160

ગરૂડેશ્વર

158

કપરાડા

152

ધોલેરા

151

દેદિયાપાડા

146

તિલકવાડા

146

ખંભાત

137

નિઝર

136

હાંસોટ

135

વઘઈ

123

કુકુરમુંડા

108

ધોળકા

105

ઉચ્છલ

105

લોધિકા

103

ભાવનગરમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ
ભાવનગર શહેરમાં મંગળવારે રાત્રે 8.30 કલાક બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાઇક્લોનિક સર્ક્યુલેશન હેઠળ શહેરમાં વીજળીના કડાકાભડાકા શરૂ થયા બાદ શહેરમાં અનરાધાર વરસાદ ત્રાટક્યો હતો. માત્ર એક કલાકમાં તોફાની પવન અને વીજગર્જના અને ચમકારા સાથે બે ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરમાં ઠેર ઠેર ગોઠણ સમાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી બાજુ, રાત્રે વીજળી ડૂલ થઈ જતાં રસ્તા પર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ પરેશાન થયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post